<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

₹૯૬ ની કાજુ કતરી પર ચાંદીને બદલે એલ્યુમિનિયમ વરખનો વિવાદ: ૩ વર્ષની જેલની સજા સામે હલવાઈએ ૩૧ વર્ષ લડી કાનૂની જંગ, આખરે ગુજરાત હાઈકોર્ટે મુક્ત કર્યા!

લેબ ટેસ્ટમાં એલ્યુમિનિયમ મળવા છતાં ફૂડ ઈન્સ્પેક્ટરની એક નાની ભૂલે બદલી નાખ્યો આખો ખેલ; કાચની બોટલ સાફ ન રાખવા બદલ કોર્ટે આપી મોટી રાહત

વ્યારા: તા.13 મીઠાઈની દુકાનમાં ચમકતી કાજુ કતરી પર ચાંદીનું વરખ જોઈને કોઈને પણ મોંમાં પાણી આવી જાય, પરંતુ આ જ ચળકતા વરખના કારણે એક વેપારીએ ત્રણ દાયકા સુધી જેલના સળિયા ગણવાનો ભય સહન કરવો પડ્યો હતો. ૧૯૯૫માં શરૂ થયેલા એક અનોખા કેસમાં તાપી જિલ્લાના વ્યારામાં આવેલી મીઠાઈની દુકાનના માલિક ભાનુભાઈને કાજુ કતરી પર ચાંદીના બદલે એલ્યુમિનિયમ ફોઇલ (વરખ) વાપરવા બદલ નીચલી અદાલતે ૩ વર્ષની જેલની સજા ફટકારી હતી. જોકે, અડગ મનોબળ સાથે કાનૂની લડાઈ ચાલુ રાખનારા હલવાઈને આખરે ૩૧ વર્ષના લાંબા ગાળા બાદ ગુજરાત હાઈકોર્ટે તમામ આરોપોમાંથી નિર્દોષ મુક્ત કર્યા છે.

 

આ રસપ્રદ ઘટનાની શરૂઆત ૯ માર્ચ, ૧૯૯૫ના રોજ થઈ હતી જ્યારે એક ફૂડ ઈન્સ્પેક્ટરે વ્યારા ખાતે આવેલી ભાનુભાઈની દુકાનમાંથી ₹૯૬ની કિંમતની કાજુ કતરી ખરીદી નમૂનો લીધો હતો. ભુજની પબ્લિક એનાલિસ્ટ લેબ અને ત્યારબાદ ગાઝિયાબાદની સેન્ટ્રલ ફૂડ લેબોરેટરીમાં મોકલાયેલા બંને રિપોર્ટમાં કાજુ કતરી પર ચાંદીને બદલે એલ્યુમિનિયમની હાજરી મળી આવી હતી. આ આધારે ૨૪ નવેમ્બર, ૨૦૦૬ના રોજ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે ભાનુભાઈ અને તેમના ભાગીદારોને ફૂડ ભેળસેળ નિવારણ અધિનિયમ, ૧૯૫૫ હેઠળ ૩ વર્ષની કેદ અને ₹૫,૦૦૦ના દંડની સજા સંભળાવી હતી.

 

પરંતુ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન આ કેસ સંપૂર્ણપણે પલટાઈ ગયો હતો. કોર્ટ સમક્ષ રજૂ થયેલા તથ્યોમાં સામે આવ્યું કે ફૂડ ઈન્સ્પેક્ટરે નમૂના લેતી વખતે કાયદાકીય નિયમોનું પાલન કર્યું નહોતું. ઈન્સ્પેક્ટરે પોતે સ્વીકાર્યું હતું કે કાજુ કતરી ભરવા માટે વાપરેલી કાચની બોટલ નમૂનો લેતા પહેલા સાફ કરવામાં આવી નહોતી. નિયમ ૧૪ મુજબ નમૂના માત્ર સાફ અને સંપૂર્ણ સૂકી બોટલમાં જ લેવાના હોય છે, જે ભૂલ આ કેસમાં નિર્ણાયક સાબિત થઈ હતી.

 

આ ઉપરાંત, ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હેમંત એમ. પ્રચકની બેન્ચે નોંધ્યું કે કાજુ કતરી પર મળેલું એલ્યુમિનિયમ ફોઈલ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કે કેમ તે સાબિત કરવા માટે પ્રાસંગિક તબીબી કે વૈજ્ઞાનિક પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા. માત્ર એલ્યુમિનિયમની હાજરીથી ખોરાકને હાનિકારક ગણી શકાય નહીં. આ ક્ષતિઓ અને પુરાવાની અછતને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે વેપારીની નિર્દોષ છૂટકારાના આદેશને માન્ય રાખ્યો અને અપીલ ફગાવી દેતાં ૩૧ વર્ષ જૂના વિવાદનો અંત આણ્યો હતો.

(4:01 PM IST)