<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

ડીસા પંથકમાં કરુણાંતિકા :કપડાં સૂકવતી વખતે લોખંડના તારમાં કરંટ ઉતરતા પિતા અને પુત્રીનું ઘટના સ્થળે જ મોત

ડીસાના રસાણા ગામે ઘરમાં પંખાની એંગલ સાથે બાંધેલા લોખંડના તાર પર કપડાં સૂકવવા જતાં યુવતીને કરંટ લાગ્યો :પુત્રીને બચાવવા દોડી આવેલા પિતા પણ કરંટની ઝપેટમાં આવી જતાં બંનેના સ્થળ પર જ મોત નિપજ્યા

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા રસાણા ગામે અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઘરમાં દૈનિક કામકાજ દરમિયાન અચાનક વીજ કરંટ ફેલાઈ જતાં એક જ પરિવારના પિતા અને પુત્રીનું કરૂણ મોત નિપજ્યું છે. આ અચાનક સર્જાયેલી દુર્ઘટનાથી સમગ્ર પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને ગામમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી વિગતો અનુસાર, રસાણા ગામે પોતાના ઘરે એક યુવતી ધોયેલા કપડાં સૂકવવા માટે ગઈ હતી. ઘરમાં કપડાં સૂકવવા માટે લોખંડનો તાર બાંધેલો હતો. યુવતી જેવી તાર પર કપડાં નાખવા ગઈ કે તુરંત જ તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. કરંટ લાગતાની સાથે જ યુવતીએ ચીસાચીસ કરી મૂકી હતી.

દીકરીને કરંટ લાગ્યો હોવાનું અને તે તરફડિયા મારી રહી હોવાનું જોઈને તેના પિતા પણ તાત્કાલિક પોતાની પુત્રીને બચાવવા માટે દોડી આવ્યા હતા. જોકે, બનાવની ગંભીરતા સમજ્યા વિના કે વીજ પ્રવાહ બંધ કર્યા વિના પુત્રીને અડકવા જતાં પિતા પણ હાઈ વોલ્ટેજ વીજ કરંટની ઝપેટમાં આવી ગયા હતા. ક્ષણભરમાં જ કરંટના ભારે આંચકાથી પિતા અને પુત્રી બંને જમીન પર પટકાઈ પડ્યા હતા અને ઘટનાસ્થળે જ બંનેના મોત નિપજ્યા હતા.

 

 

ઘટનાની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ઘરમાં જે જગ્યાએ છતનો પંખો લટકાવવામાં આવ્યો હતો, તે જ લોખંડની એંગલ સાથે કપડાં સૂકવવાનો લોખંડનો તાર બાંધેલો હતો. પંખાના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે વીજ પ્રવાહ લોખંડની એંગલ મારફતે કપડાં સૂકવવાના તાર સુધી પહોંચી ગયો હતો. લોખંડનો તાર હોવાના કારણે આખો વાયર વીજ પ્રવાહથી વાહક બની ગયો હતો, જેનાથી આ મોટી હોનારત સર્જાઈ હતી.

 

એક જ પરિવારના બે સભ્યો અને તેમાં પણ પિતા-પુત્રીના એકસાથે આ રીતે અચાનક મોત થતાં રસાણા ગામે અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં પરિવારના ઘરે દોડી આવ્યા હતા. તંત્ર અને સ્થાનિક પોલીસ દ્વારા ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(6:40 PM IST)