<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રને લઈને તૈયારી પૂર્ણ :8 થી 10 સપ્ટેમ્બર સુધી 3 દિવસીય સત્ર યોજાશે

આગામી 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા આ 3 દિવસીય સત્ર માટે કામકાજની સત્તાવાર યાદી જાહેર: સત્રમાં જમીન ટુકડા ધારા સુધારા સહિતના સરકારી વિધેયકો રજૂ થશે અને મુખ્યમંત્રીના વિભાગો અંગે ચર્ચા થશે.

ગાંધીનગર ; ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાના આગામી ચોમાસુ સત્રને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે,સચિવાલય દ્વારા આ સત્ર માટેના કામકાજની સત્તાવાર યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે. આગામી 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન 3 દિવસ માટે આ ચોમાસુ સત્ર યોજાશે, જેમાં રાજ્યના વિકાસ અને કાયદાકીય બાબતોને લઈને મહત્વપૂર્ણ ચર્ચાઓ થશે.

વિધાનસભા સત્રના પ્રથમ દિવસે કાયદાકીય કામકાજની શરૂઆત થાય તે પહેલાં શોક દર્શક ઉલ્લેખ રજૂ કરવામાં આવશે. તાજેતરના સમયગાળા દરમિયાન અવસાન પામેલા રાજ્યના પૂર્વ સભ્યોને સમગ્ર સદન દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. ગૃહના દિવંગત નેતાઓ અને પૂર્વ ધારાસભ્યોના પ્રદાનને યાદ કરી બે મિનિટનું મૌન પાળવામાં આવશે, ત્યારબાદ જ દિવસની અન્ય કાર્યવાહી આગળ વધશે.

 

 

ચોમાસુ સત્રના ત્રણેય દિવસ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા અનેક મહત્વપૂર્ણ સરકારી વિધેયકો રજૂ કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ સત્ર દરમિયાન 'જમીન ટુકડા ધારા સુધારા વિધેયક' સહિતના પ્રજાલક્ષી અને વહીવટી સુધારાના વિધેયકો ગૃહના ટેબલ પર મૂકવામાં આવી શકે છે. આ બિલ પસાર થવાથી રાજ્યના નાગરિકો અને ખાસ કરીને ખેડૂતોને જમીન સંબંધી બાબતોમાં મોટી રાહત મળવાની શક્યતા છે.

 

 

આ 3 દિવસીય ચોમાસુ સત્ર દરમિયાન મુખ્યમંત્રી હસ્તકના મહત્વના વિભાગોને લગતા પ્રશ્નો અને મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા યોજાશે. વિપક્ષી ધારાસભ્યો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોના જવાબો સંબંધિત મંત્રીઓ અને સરકાર દ્વારા આપવામાં આવશે. ટૂંકાગાળાના આ સત્રને તોફાની અને ચર્ચાસ્પદ બનાવવાની તૈયારીઓ વિપક્ષ દ્વારા પણ કરવામાં આવી રહી છે, જ્યારે સત્તાપક્ષ દ્વારા તમામ સરકારી કામકાજો આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવા માર્ગદર્શન અપાયું છે.

(9:15 PM IST)