<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

નડિયાદ શહેરમાં ખેડા જિલ્લાના સૌથી મોટી જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ

સરદાર ભવનથી સરદાર પટેલના જન્મસ્થળ સુધી નીકળેલી યાત્રામાં મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડા, પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકી, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ અધિકારીઓ, ધારાસભ્યો, વિદ્યાર્થીઓ અને નાગરિકો સહિત 7 હજારથી વધુ લોકો જોડાયા

સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં જિલ્લા કક્ષાની સૌથી મોટી તિરંગા યાત્રા યોજાઈ હતી. સરદાર ભવનથી પ્રારંભ થયેલી આ યાત્રા સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ સુધી પહોંચી હતી. યાત્રામાં રાજ્ય સરકારના મંત્રીઓ, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, જનપ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ભાગ લીધો હતો.

જિલ્લા કક્ષાની આ ભવ્ય યાત્રા નડિયાદ શહેરના ઐતિહાસિક સરદાર ભવનથી શરૂ થઈ હતી. દેશભક્તિના સૂત્રોચ્ચાર અને તિરંગા લહેરાવતા લોકોના ઉત્સાહ વચ્ચે યાત્રા શહેરના વિવિધ માર્ગોથી પસાર થઈ સરદાર પટેલના જન્મસ્થળે પહોંચી હતી. સમગ્ર માર્ગ પર દેશપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો.

 

 

તિરંગા યાત્રામાં રાજ્ય કક્ષાના મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડા તથા ખેડા જિલ્લાના પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બંને મંત્રીઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશભક્તિનો સંદેશ આપ્યો હતો. મંત્રીઓએ જણાવ્યું હતું કે તિરંગો માત્ર ધ્વજ નહીં પરંતુ દેશની એકતા, અખંડિતતા અને શહીદોના બલિદાનનું પ્રતિક છે.

 

 

તિરંગા યાત્રામાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, જિલ્લા કલેક્ટર, મહાનગરપાલિકાના કમિશ્નર, જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.  આ ભવ્ય તિરંગા યાત્રા દ્વારા ખેડા જિલ્લામાં રાષ્ટ્રીય એકતા, સામાજિક સમરસતા અને દેશપ્રેમનો મજબૂત સંદેશ આપવામાં આવ્યો હતો. સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ યોજાયેલ આ કાર્યક્રમને જિલ્લામાં અત્યાર સુધીની સૌથી વિશાળ તિરંગા યાત્રા તરીકે જોવામાં આવી રહ્યો છે.

(9:25 PM IST)