News of Friday, 14th August 2026
અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં પૈસાની લેતીદેતીમાં મારામારી : વિડિઓ વાયરલ થતા પોલીસ હરકતમાં : બે આરોપીની ધરપકડ
એરપોર્ટ પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધીને વાયરલ વીડિયોના ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે બે આરોપીઓની ધરપકડ કરી

અમદાવાદ શહેરના એરપોર્ટ વિસ્તારમાં થોડા દિવસો પહેલા પૈસાની લેતીદેતીના મામલે બે મિત્રો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ થયેલી મારામારીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોએ સોશિયલ મીડિયા પર જોર પકડતા જ એરપોર્ટ પોલીસ સ્ટેશનની ટીમ હરકતમાં આવી હતી અને વીડિયોના આધારે તપાસ શરૂ કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, બે મિત્રો વચ્ચે નાણાકીય લેતીદેતી બાબતે તણાવ ઊભો થયો હતો, જેનું વરવું સ્વરૂપ ધારણ કરીને બે શખ્સોએ મળીને એક વ્યક્તિને જાહેરમાં ઢોર માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો કોઈએ પોતાના મોબાઈલના કેમેરામાં રેકોર્ડ કરી લીધો હતો અને બાદમાં તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.
વીડિયો વાયરલ થતાં જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. એરપોર્ટ પોલીસ સ્ટેશન દ્વારા આ મામલે સત્વરે ગુનો નોંધીને વાયરલ વીડિયોના ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
(12:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
