<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

૧૫ ઓગસ્ટ ૧૯૪૭ થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ સુધીની ભારતની વિકાસગાથા પડકારોનો હતો પહાડ, લાખો લોકોનું પુનર્વસન

૫૬૦થી વધુ રજવાડાઓનું એકાકીકરણ, ગરીબી, અનાજની અછત, શિક્ષણ, આરોગ્ય, જેવી અનેક સમસ્યાઓ મ્હો ફાડી ઊભી હતી : ગરીબી અને અછતમાંથી વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓ તરફની ૭૯ વર્ષની સફર

(જીતેન્દ્ર રૃપારેલિયા) વાપી : ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારતે બ્રિટિશ શાસનમાંથી આઝાદી મેળવી ત્યારે દેશ સામે પડકારોનો પહાડ હતો. ભાગલા પછી લાખો લોકોનું પુનર્વસન, ૫૬૦થી વધુ રજવાડાંનું એકીકરણ, ગરીબી, અન્નની અછત, ઓછું ઔદ્યોગિકીકરણ, નબળું શિક્ષણ અને આરોગ્ય તંત્ર તથા મર્યાદિત માળખાકીય સુવિધાઓ ભારત સામેના મોટા પ્રશ્નો હતા, પરંતુ હવે સ્વતંત્રતાના ૭૯ વર્ષ પછી ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ભારતની તસવીર અનેક ક્ષેત્રોમાં ધરખમ બદલાઈ છે.

        આઝાદીના સમયે ભારત મુખ્યત્વે કૃષિ આધારિત અર્થવ્યવસ્થા ધરાવતું હતું,  ઔદ્યોગિક આધાર મર્યાદિત હતો અને દેશને ખાદ્ય અનાજની અછતનો સામનો કરવો પડતો હતો,  વીજળી, રસ્તા, સિંચાઈ, આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણની પહોંચ પણ ખૂબ મર્યાદિત હતી.

       આ સમયગાળામાં ભારતે યોજિત વિકાસનો માર્ગ પસંદ કર્યો, ૧૯૫૦માં આયોજન પંચની સ્થાપના થઈ અને પંચવર્ષીય યોજનાઓ દ્વારા સિંચાઈ, વીજળી, સ્ટીલ, કોલસા, ભારે ઉદ્યોગ, શિક્ષણ અને વૈજ્ઞાનિક સંસ્થાઓમાં સરકારી રોકાણ શરૃ થયું,  લોકશાહીનો મજબૂત પાયો નખાયો ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત પ્રજાસત્તાક બન્યું.

૧૯૫૧-૫૨માં યોજાયેલી પ્રથમ સામાન્ય ચૂંટણી વિશ્વની સૌથી મોટી લોકશાહી કવાયત હતી. લગભગ ૧૭.૩ કરોડ મતદારોને મતાધિકાર મળ્યો હતો, ગરીબ-અમીર, શિક્ષિત-અશિક્ષિત કે સ્ત્રી-પુરુષના ભેદ વગર સર્વજનને મતાધિકાર આપવાનો નિર્ણય ભારતની લોકશાહી વિકાસ ગાથાનો ઐતિહાસિક આધાર બન્યો.

વર્ષ ૧૯૫૦ થી ૧૯૬૦ નો સમયગાળો ઔદ્યોગિક ભારત નો પાયો નખાયો, ભિલાઈ, રાઉરકેલા અને દુર્ગાપુર જેવા સ્ટીલ પ્લાન્ટ, મોટા ડેમ, વીજ ઉત્પાદન કેન્દ્રો, IIT જેવી સંસ્થાઓ અને વૈજ્ઞાનિક સંશોધન માટેની સંસ્થાઓએ આધુનિક ભારતની પાયાની રચના કરી, સરકારી ક્ષેત્રને વિકાસનું મુખ્ય સાધન બનાવવામાં આવ્યું, સ્ટીલ, કોલસા, વીજળી, રેલવે, બેન્કિંગ અને ભારે ઉદ્યોગોમાં દેશે પોતાની ક્ષમતા ઊભી કરવાનું શરૃ કર્યું.

આગળ વર્ષ ૧૯૬૦ના દાયકામાં ભારતે ગંભીર ખાદ્ય સંકટનો સામનો કર્યો,  ત્યાર બાદ ઉચ્ચ ઉપજ આપતા બિયારણ, ખાતર, સિંચાઈ અને આધુનિક કૃષિ પદ્ધતિઓના ઉપયોગથી હરિત ક્રાંતિનો પ્રારંભ થયો. પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ જેવા વિસ્તારોમાં ઘઉં અને ચોખાના ઉત્પાદનમાં મોટો વધારો થયો. ધીમે ધીમે ભારત ખાદ્ય અનાજ માટે વિદેશી સહાય પર આધારિત દેશમાંથી ખાદ્ય સુરક્ષા ધરાવતા દેશ તરફ આગળ વધ્યું.

બેન્કોના રાષ્ટ્રીયકરણ બાદ ગ્રામ્ય અને અર્ધ શહેરી વિસ્તારોમાં બેન્કિંગ સેવાઓનો વિસ્તાર થયો.  ખેતી, નાના ઉદ્યોગો અને સામાન્ય નાગરિકો ને સંસ્થાકીય ધિરાણ પહોંચાડવાની પ્રક્રિયા મજબૂત બની. આગળ જઈને જનધન ખાતાં, આધાર અને ડિજિટલ પેમેન્ટ જેવી વ્યવસ્થાઓએ નાણાકીય સમાવેશને નવી દિશા આપી.

૧૯૭૦થી ૮૦ના સમયગાળા દરમિયાન અવકાશ અને વિજ્ઞાન ક્ષેત્રે ભારતની ઉડાન ભારતે અવકાશ ક્ષેત્રે પોતાની અલગ ઓળખ ઊભી કરવાની શરૃઆત કરી. ISROની સ્થાપના અને ઉપગ્રહ ટેકનોલોજીના વિકાસથી સંચાર, હવામાન આગાહી, કૃષિ, ટેલિવિઝન પ્રસારણ અને આપત્તિ વ્યવસ્થાપનમાં નવી શક્યતાઓ ઊભી થઈ.

આ સફર આગળ વધીને ચંદ્રયાન, મંગળયાન અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સફળ સોફ્ટ લેન્ડિંગ જેવી ઐતિહાસિક સિદ્ધિઓ સુધી પહોંચી.

૧૯૮૦ના દાયકામાં કમ્પ્યુટર અને ટેકનોલોજીની શરૃઆત થઈ. આ સમયમાં કમ્પ્યુટર અને ટેલિકોમ ક્ષેત્રે પરિવર્તન શરૃ થયું,  ટેલિફોન નેટવર્કનો વિસ્તાર, કમ્પ્યુટરીકરણ અને ટેકનોલોજી ક્ષેત્રે નવી નીતિઓએ ભારતના IT ઉદ્યોગ માટે પાયો તૈયાર કર્યો, આગામી દાયકાઓમાં બેંગલુરુ, હૈદરાબાદ, પુણે, ચેન્નાઈ અને ગુડગાંવ જેવા શહેરો વૈશ્વિક IT અને સેવા ક્ષેત્રના કેન્દ્રો બન્યા.

હજુ તો કસોટી બાકી હતી, ૧૯૯૧માં ભારત ગંભીર વિદેશી ચલણ અને ચુકવણી સંતુલનના સંકટમાં ફસાયું,  વિદેશી ચલણ ભંડાર અત્યંત નીચા સ્તરે પહોંચી ગયું હતું. આ સંકટમાંથી બહાર આવવા માટે પી.વી. નરસિંહ રાવ સરકાર અને નાણામંત્રી ડૉ. મનમોહન સિંહ ના નેતૃત્વ માં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ આધારિત આર્થિક સુધારા શરૃ થયા. ઔદ્યોગિક લાઇસન્સિંગમાં ઘટાડો, આયાત નિયંત્રણોમાં રાહત, વિદેશી રોકાણ માટે વધુ તકો અને ખાનગી ક્ષેત્રની ભૂમિકા વધારવાના પગલાંથી ભારતીય અર્થવ્યવસ્થાએ નવી દિશા પકડી.

વર્ષ ૧૯૯૧ પછી IT અને સર્વિસ સેકટરની ક્રાંતિનો તબક્કો આવ્યો.૧૯૯૦ના દાયકાના અંતથી ભારતીય IT ક્ષેત્રે વૈશ્વિક સ્તરે જોરદાર વૃદ્ધિ નોંધાવી. સોફ્ટવેર, BPO, IT સેવાઓ, સ્ટાર્ટઅપ અને ડિજિટલ ટેકનોલોજી ભારત ની નવી આર્થિક ઓળખ બન્યા. ભારતના લાખો યુવાનો વૈશ્વિક કંપનીઓ સાથે જોડાયા અને વિદેશી ચલણની આવકમાં IT ક્ષેત્રનું મહત્વ વધ્યું, ત્યાર બાદ વર્ષ ૨૦૦૦ થી ૨૦૧૦ દરમ્યાન ઝડપી આર્થિક વૃદ્ધિ અને માળખાકીય વિકાસ આ દાયકામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો, ગ્રામ્ય રસ્તાઓ, ટેલિકોમ, મોબાઇલ ફોન, ખાનગી હવાઈ સેવા, મેટ્રો રેલ અને આધુનિક શહેરોના વિકાસને વેગ મળ્યો , ૨૦૦૦ ના દાયકામાં ભારતે ઊંચા આર્થિક વિકાસ દરનો અનુભવ કર્યો અને વૈશ્વિક અર્થવ્યવસ્થામાં તેની ભૂમિકા સતત વધી. ૧૯૯૧ના સુધારાઓ બાદ GDP વૃદ્ધિની ક્ષમતા અને ખાનગી ક્ષેત્રની ભૂમિકા બંનેમાં નોંધપાત્ર વધારો થયો.

એમાં પણ વર્ષ ૨૦૧૪ પછી  ડિજિટલ અને ઇન્ફ્રાસ્ટ્રકચર આધારિત વિકાસ વધુ જોવા મળ્યો, છેલ્લા દાયકામાં ભારતના વિકાસમાં ડિજિટલ ટેકનોલોજીનું મહત્વ ખૂબ વધ્યું. જનધન–આધાર–મોબાઇલ, UPI, ડિજિટલ સરકારી સેવાઓ, જીએસટી, ફાસ્ટ ટેગ, ડિજિટલ ઓળખ અને સીધી લાભ હસ્તાંતરણ જેવી વ્યવસ્થાઓએ સરકાર અને નાગરિક વચ્ચેની સેવા વ્યવસ્થામાં મોટો ફેરફાર કર્યો, યુપીઆઈ હવે ભારતના ડિજિટલ પેમેન્ટ માળખાનું મહત્વનું અંગ બની ગયું છે અને NPCIના જુલાઈ ૨૦૨૬ના આંકડાઓમાં યુપીઆઈ મારફતે અબજો વ્યવહારો નોંધાયા છે.

ભારતની સૌથી મોટી સિદ્ધિઓમાં ગરીબી ઘટાડાનો સમાવેશ થાય છ. જો કે ગરીબી માપવા ની પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય ગરીબી રેખામાં સમય સાથે ફેરફાર થયો છે. વિશ્વ બેન્કના નવા ૨૦૨૬ વિશ્લેષણ મુજબ ભારતમાં ઼ ૩ પ્રતિ વ્યકિત પ્રતિ દિવસની આંતરરાષ્ટ્રીય ગરીબી રેખા હેઠળનો હિસ્સો ૨૦૧૧-૧૨ ના અંદાજે ૧૬.૧%થી ઘટીને ૨૦૨૩-૨૪ માં ૨.૬%થયો છે.

આ પ્રગતિ છતાં આવકની અસમાનતા, રોજગારની ગુણવત્તા અને જીવનધોરણમાં પ્રાદેશિક તફાવત જેવા પ્રશ્નો હજુ મહત્વના છે. વીજળીથી ઊર્જા પરિવર્તન સુધી ૧૯૪૭ના ભારતમાં વીજળીની પહોંચ ખૂબ મર્યાદિત હતી. આજે દેશનું વીજળી ઉત્પાદન અને વિતરણ તંત્ર વિશાળ છે સાથે સાથે સૌર અને પવન ઊર્જા, ગ્રીન હાઇડ્રોજન, ઇલેકિટ્રક વાહનો અને નવીનીકરણીય ઊર્જા તરફ ભારતનું ધ્યાન વધ્યું છે. ભારત હવે વિકાસ સાથે ઊર્જા સુરક્ષા અને કાર્બન ઉત્સર્જન ઘટાડા વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કરી રહ્યું છે. રસ્તા, રેલવે અને હવાઈ માર્ગ ભારતના પરિવહન માળખામાં પણ મોટો બદલાવ આવ્યો છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો, એકસપ્રેસ વે, મેટ્રો રેલ, વંદે ભારત ટ્રેનો, સમર્પિત માલવાહક કોરિડોર, નવા એરપોર્ટ અને આધુનિક બંદરો દેશની કનેકિટવિટીનું સ્વરૃપ બદલી રહ્યા છે. એક સમયે લાંબા અંતરની મુસાફરી માટે મર્યાદિત વિકલ્પો ધરાવતા દેશમાં આજે હાઇ-સ્પીડ એકસપ્રેસવે, આધુનિક રેલવે અને વધતી હવાઈ કનેકિટવિટી આર્થિક પ્રવૃત્તિને ગતિ આપી રહી છે.

 અવકાશ ક્ષેત્રે વિશ્વમાં ભારતનું સ્થાન ભારતનો અવકાશ કાર્યક્રમ શરૃઆતમાં હવામાન અને સંચાર ઉપગ્રહોથી શરૃ થયો હતો, આજે ભારત ચંદ્ર અને મંગળ સુધી પહોંચી ગયું છે. ચંદ્રયાન-૩ની સફળતા બાદ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સફળ સોફ્ટ લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ બન્યું. આ સિદ્ધિ ભારતની વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ ક્ષમતાનું પ્રતિક બની.

ભારત રક્ષા ક્ષેત્રમાં આયાતકારથી આત્મ નિર્ભરતા તરફ ૧૯૪૭ પછી ભારતે પોતાની સુરક્ષા જરૃરિયાતો માટે મોટા પ્રમાણમાં વિદેશી શસ્ત્રો અને ટેકનોલોજી પર આધાર રાખ્યો હતો. આજે ભારત સ્વદેશી ફાઇટર વિમાન, હેલિકોપ્ટર, મિસાઇલ, યુદ્ધજહાજ, સબમરીન, રડાર અને અન્ય રક્ષા સાધનોના વિકાસ અને ઉત્પાદન તરફ આગળ વધી રહ્યું છે , રક્ષા નિકાસમાં પણ વધારો થયો છે અને ''આત્મનિર્ભર ભારત'' હેઠળ સ્થાનિક ઉત્પાદનને વધુ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

ભારતની અર્થવ્યવસ્થા , ૧૯૪૭ થી ૨૦૨૬ સુધીનો મોટો ઉછાળો રહ્યો ૧૯૪૭માં ભારત ગરીબ અને મુખ્યત્વે કૃષિ આધારિત અર્થવ્યવસ્થા હતું, ૧૯૯૧ સુધી ભારતે મુખ્યત્વે નિયંત્રિત અને સંરક્ષિત આર્થિક માળખું અપનાવ્યું હતું, ત્યારબાદના આર્થિક સુધારાઓએ ખાનગી ક્ષેત્ર, વેપાર અને વિદેશી રોકાણ માટે વધુ જગ્યા ઊભી કરી.

આજે ભારત વિશ્વની  સૌથી મોટી અને ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાઓમાંનું એક છ. વિશ્વ બેન્કનું મૂલ્યાંકન છે કે ભારતને ૨૦૪૭ સુધી ઉચ્ચ આવક ધરાવતું અર્થતંત્ર બનવા માટે આગામી દાયકાઓમાં સરેરાશ આશરે ૭.૮% વાર્ષિક વૃદ્ધિ જાળવવી પડશે.

૧૫ ઓગસ્ટ ૧૯૪૭ નું ભારત સ્વતંત્ર થયું હતું અને હવે ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ નું ભારત પોતાની ક્ષમતાને વૈશ્વિક સ્તરે સાબિત કરી રહ્યું છે. આ ૭૯ વર્ષની સફરમાં ભારતે અન્ન માટે સંઘર્ષ કરતા દેશમાંથી ખાદ્ય સુરક્ષિત દેશ, દીવાબત્તીની મર્યાદિત પહોંચ ધરાવતા દેશમાંથી ડિજિટલ ભારત, સાયકલ અને બળદગાડાથી શરૃ થયેલા વિકાસમાંથી એકસપ્રેસવે અને વંદે ભારત સુધી અને શરૃઆતના અવકાશ કાર્યક્રમથી ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધીની યાત્રા કરી છે.

આઝાદીના ૭૯ વર્ષ ભારત માટે અંતિમ મુકામ નહીં, પરંતુ આગામી ૨૧ વર્ષ માટેનો પાયો છે. ૨૦૪૭ માં સ્વતંત્રતાની શતાબ્દી સુધી ભારત કેવું બનશે તે નક્કી કરનારો સૌથી મહત્વનો સમયગાળો હવે શરૃ થઈ ચૂક્યો છે.

 

 

 

(3:52 PM IST)