<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

બોટાદના ગઢડા સ્થિત BAPS મંદિર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જમીનની ફળદ્રુપતા વધારવા અને ખેડૂતોની સમૃદ્ધિ માટેનો એકમાત્ર વિકલ્પ:રાસાયણિક ખાતરો અને જંતુનાશકો ધીમા ઝેર સમાન; કેન્સર અને ડાયાબિટીસ જેવા જીવલેણ રોગોથી બચવા પ્રાકૃતિક કૃષિ અપનાવવી અનિવાર્ય:પ્રાકૃતિક ખેતીથી જમીનમાં અળસિયા અને સૂક્ષ્મ જીવાણુઓ પુનર્જીવિત થાય છે, જેનાથી ખેતરની જમીન સોનું બને છે:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી: પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ બોટાદ જિલ્લાના શ્રેષ્ઠ ખેડૂતોનું રાજ્યપાલના હસ્તે બહુમાન કરાયું

બોટાદ જિલ્લાના ગઢડા સ્થિત બી.એ.પી.એસ. મંદિરના કોન્ફરન્સ હોલમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂત સમુદાયને સંબોધતા રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિના વૈજ્ઞાનિક, આર્થિક અને આરોગ્યપ્રદ પાસાંઓ પર સાર્થક અને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
રાજ્યપાલએ પોતાના જીવનના અનુભવો વાગોળતા જણાવ્યું હતું કે, દસ વર્ષ પહેલાં તેઓ પણ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીને ખેતી કરતા હતા. પરંતુ યુરિયા છાંટતી વખતે એક ખેડૂતને બેભાન થતો જોઈને તેમણે આ ધીમા ઝેરની ભયાનકતા સમજી અને રાસાયણિક ખેતીનો ત્યાગ કર્યો. ત્યારબાદ તેમણે જૈવિક અને અંતે જંગલની પરંપરાગત પોષણયુક્ત પદ્ધતિ આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવી.
તેમણે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, યુરિયા અને ડી.એ.પી. જેવા રાસાયણિક ખાતરોની આયાત પાછળ દેશનું કરોડો રૂપિયાનું ભંડોળ વિદેશમાં જાય છે. આ ખાતરો અને જંતુનાશકો થકી ઉત્પન્ન થતું અન્ન ધીમા ઝેર સમાન છે, જે કેન્સર અને ડાયાબિટીસ જેવા જીવલેણ રોગોનું મુખ્ય કારણ બને છે. જો આ જ પરિસ્થિતિ ચાલુ રહેશે તો આવનારા સમયમાં દર પાંચમી વ્યક્તિ કેન્સરથી પીડિત હશે.
રાજ્યપાલએ વિવિધ સંશોધનો અને વીડિયો ડોક્યુમેન્ટરીના માધ્યમથી ખેડૂતોને સમજાવ્યું કએ, અળસિયા અને સૂક્ષ્મ જીવાણુઓ જમીન માટે રસોઈયાનું કામ કરે છે. રાસાયણિક ખાતરોથી આ મિત્ર કીટકો નાશ પામ્યા છે, જ્યારે પ્રાકૃતિક ખેતીથી જમીન ફરીથી જીવંત અને સોના સમાન ફળદ્રુપ બને છે. અળસિયા દ્વારા જમીનમાં કરવામાં આવતા ઊંડા દરોથી વરસાદી પાણીનું નેચરલ વોટર હાર્વેસ્ટિંગ થાય છે, જેથી ખેતરોમાં પાણી ભરાઈ રહેતું નથી અને ભૂગર્ભ જળ ઊંચા આવે છે. પ્રાકૃતિક ખેતીથી પાણીનો વપરાશ અડધો થઈ જાય છે, ઉત્પાદન ઘટે નહીં પરંતુ તેની ગુણવત્તા અને બજાર ભાવ ઉત્તમ મળે છે.
રાજ્યપાલએ ગઢડા ખાતે પ્રાકૃતિક કૃષિ પેદાશોના પ્રદર્શન અને વેચાણ કેન્દ્રની રૂબરૂ મુલાકાત લઈને ખેડૂતોનો ઉત્સાહ વધાર્યો હતો તથા જિલ્લાના તાલુકા સ્તરેથી પસંદ થયેલા શ્રેષ્ઠ ખેડૂતોનું સન્માન કર્યું હતું. આ ઉપરાંત, તેમણે કૃષિ સખી બહેનો અને સી.આર.પી. કાર્યકરો સાથે પણ સીધો સંવાદ સાધ્યો હતો.
આ પરિસંવાદમાં બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પાયલબેન માથોળીયા, જિલ્લા કલેક્ટર હર્ષદ વોરા, જિલ્લા વિકાસ અધિકારી ભરત પરમાર, પ્રાંત અધિકારી શ્રીમતી આરતી ગોસ્વામી સહિત અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં કલેક્ટરએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને અંતમાં જિલ્લા વિકાસ અધિકારીએ આભારવિધિ આટોપી હતી

(7:19 PM IST)