News of Saturday, 15th August 2026
મુસ્લિમ પઠાણ પરિવારમાં જન્મેલા સૂફી કવિ દાસ સત્તારે રચ્યાં છે 'કાનુડો કાળો કાળો' અને 'ભાઈ તું તો ભજી લેને કિરતાર' જેવાં અમર ભજનો: જાણી લો અદભુત સંતકવિનો પ્રેરણાદાયી જીવનપ્રસંગ!
સૌરાષ્ટ્ર અને કચ્છના લોક ડાયરા તથા ભજનની રમઝટમાં ગવાતી અસંખ્ય પ્રસિદ્ધ રચનાઓના સર્જક હતા મુસ્લિમ સંતકવિ; નારાયણ સ્વામીના કંઠે ગવાયેલા આ ભજનોએ મેળવી છે અપાર લોકપ્રિયતા

રાજપીપળા: તા.૧૫ ગુજરાત અને કાઠિયાવાડની ધરતી પર જ્યારે ભજનની માજમ રાત જામી હોય ત્યારે 'કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી', 'ભાઈ તું તો ભજી લેને કિરતાર' કે 'અમને અડશો ના અભડાશો' જેવાં ભજનો અચૂક સાંભળવા મળે છે. ઉપરથી જોતાં આ તમામ રચનાઓ કોઈ હિન્દુ સંતકવિ દ્વારા રચાયેલી લાગતી હોય છે, પરંતુ વાસ્તવમાં આ અમર ભજનોના રચયિતા એક મુસ્લિમ સૂફી કવિ હતા, જેઓ 'દાસ સત્તાર'ના નામે ગુજરાતની સંત પરંપરામાં મુઠ્ઠી ઊંચેરું સ્થાન ધરાવે છે.
દાસ સત્તારનો જન્મ હાલના નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે એક મુસ્લિમ પઠાણ પરિવારમાં ખેસ્ત ગુલખાન અને જાનબેગમને ત્યાં થયો હતો. તેમના પિતા રાજપીપળા દેશી રાજ્યમાં પઠાણબેડાના જમાદાર તરીકે નોકરી કરતા હતા, પરંતુ દાસ સત્તારના જન્મના માત્ર ત્રણ જ મહિનામાં તેમના પિતાનું અવસાન થયું હોવાથી તેમનો ઉછેર ધાર્મિક વૃત્તિ ધરાવતા તેમના માતા દ્વારા થયો હતો. બાળપણથી જ સારા ગાયક હોવાને કારણે તેમણે શરૂઆતમાં દેશી નાટક સમાજ મંડળી સાથે કામ કર્યું હતું, પરંતુ બાદમાં તે છોડીને ભજનિક ગાયક તરીકેની સફર શરૂ કરી હતી. વડોદરા ખાતે સૂફી સંત અનવરમિયાં સાહેબ અને છોટાઉદેપુર ખાતે દાદામિયાં સાહેબના સંપર્કમાં આવ્યા બાદ તેમના જીવનમાં આધ્યાત્મિક પરિવર્તન આવ્યું હતું અને તેમણે ફકીરીની દીક્ષા લીધી હતી.
દાસ સત્તારના જીવન સાથે એક ખૂબ જ રસપ્રદ અને પ્રેરણાદાયી કિસ્સો જોડાયેલો છે. એકવાર ભજનના કાર્યક્રમ દરમિયાન તબલાવાદક ન આવી શકતા જ્યારે તેમણે અન્ય તબલાવાદકને બોલાવવાની વાત કરી, ત્યારે કેટલાક લોકોએ કથિત નીચી જાતિનો મુદ્દો ઉઠાવીને વિરોધ કર્યો હતો. આ વાતથી દુભાઈને દાસ સત્તાર ત્યાંથી ઊભા થઈ ગયા અને જેમને હાંસિયામાં ધકેલવામાં આવ્યા હતા તેમને ત્યાં જઈને ભજનો પ્રસ્તુત કર્યા. તે જ ક્ષણે તેમના હૃદયમાંથી સ્ફુરેલા ભાવોએ 'અમને અડશો ના અભડાશો, પછી ના'વાને કયા જાશો?' જેવી અત્યંત લોકપ્રિય રચનાને જન્મ આપ્યો હતો.
ઈ.સ. ૧૯૬૬માં રાજપીપળા મુકામે અંતિમ શ્વાસ લેનાર દાસ સત્તારે 'હૃદયમાં વસ્તુ છે અણમોલ' અને 'કાનુડો કાળો કાળો' જેવી અદ્ભુત રચનાઓ આપીને ગુજરાતી સંતસાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. આજે પણ બ્રહ્મલીન નારાયણ સ્વામી અને અન્ય ખ્યાતનામ કલાકારોના અવાજમાં આ ભજનો લોકોના હૃદયમાં ગુંજતા રહે છે અને તેમની કવિતાઓની લોકપ્રિયતા અકબંધ છે.
(11:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
