<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર સહિત 6 સિસ્ટમ સક્રિય :આગામી ચાર દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા

અમદાવાદ : દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સરક્યુલેશન, 48 કલાકમાં બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર સહિત 6 સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે ગુજરાતમાં આગામી 21 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં 16 ઓગસ્ટના રોજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા છે.

   હવામાન વિભાગ અનુસાર, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા જિલ્લામાં 30-40 કિ.મી./કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે વરસાદની આગાહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

બીજી તરફ, રાજ્યમાં આગામી 17 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. જેમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.

દેશભરમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. સવારના સમયે દક્ષિણ-પૂર્વ ઝારખંડ અને આસપાસના વિસ્તારો પર સર્જાયેલું લો-પ્રેશર યથાવત રહ્યું છે, જેની સાથે સંકળાયેલું સાયક્લોનિક સરક્યુલેશન દરિયાઈ સપાટીથી 4.5 કિ.મી.ની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. જો કે, આગામી 12 કલાક દરમિયાન આ સિસ્ટમ નબળી પડે તેવી શક્યતા છે. બીજી તરફ, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારો પર 3.1 કિ.મી.ની ઊંચાઈએ અપર એર સાયક્લોનિક સરક્યુલેશન હજુ પણ સક્રિય રહેતા પશ્ચિમ ભારતના હવામાન પર તેની સીધી અસર જોવા મળી રહી છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, મોન્સૂન ટ્રફ હાલ ફિરોઝપુર, રોહતક, ઓરાઈ, સીધી અને ઝારખંડના લો-પ્રેશરના કેન્દ્રમાંથી પસાર થઈને દક્ષિણ-પૂર્વ તરફ પૂર્વ-મધ્ય બંગાળની ખાડી સુધી લંબાઈ રહી છે. આ ઉપરાંત, ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર 5.8 થી 7.6 કિ.મી.ની ઊંચાઈ વચ્ચે વધુ એક અપર એર સાયક્લોનિક સરક્યુલેશન છવાયેલું છે, જેના પ્રભાવથી 48 કલાકમાં ઉત્તર બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર આકાર લે તેવી પ્રબળ શક્યતા છે 

(12:06 AM IST)