તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th August 2026
૯૦ વર્ષની ઉંમરે પણ યુવાનોને શરમાવે તેવો જુસ્સો ધરાવતા કે.બી. વ્યાસના જીવનમાંથી મળતી નિઃસ્વાર્થ સેવા અને પ્રેરણાની અમૂલ્ય શીખ
ગુજરાત સરકારમાં ઉચ્ચ પદો પર ફરજ બજાવી નિવૃત્ત થયેલા અને ગાંધીનગરના પૂર્વ નગરસેવક કે.બી. વ્યાસનું સમગ્ર જીવન પ્રજા સેવા, નિષ્ઠા અને માનવતાનું ઉદાહરણ : અસંખ્ય લોકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા

ગાંધીનગર : સંવેદના, પ્રામાણિકતા, કર્તવ્યનિષ્ઠા અને માનવતાથી ઘડાયેલું વ્યક્તિત્વ એટલે કે.બી. વ્યાસ. ગુજરાત સરકારમાં વિવિધ સન્માનિત ઉચ્ચ પદો પર રહીને પોતાની ફરજ સંપૂર્ણ નિષ્ઠા, પ્રામાણિકતા અને જવાબદારીપૂર્વક નિભાવનાર કે.બી. વ્યાસનું સમગ્ર જીવન માત્ર એક વ્યક્તિની કારકિર્દીની વાત નથી પરંતુ અનેક લોકો માટે પ્રેરણારૂપ બની તેવી સેવાયાત્રા છે. આજે ૯૦ વર્ષની ઉંમરે પહોંચ્યા હોવા છતાં તેમના વ્યક્તિત્વમાં જોવા મળતો ઉત્સાહ, કાર્યશીલતા અને યુવાન જેવો જુસ્સો સૌને આヘર્યચકિત કરે છે.
કહેવાય છે કે કોઈ વ્યક્તિનું સાચું મૂલ્ય તેની પાસે રહેલી સત્તા કે પદથી નહીં, પરંતુ તે સત્તા અને પદનો ઉપયોગ બીજાના જીવનમાં કેટલો પ્રકાશ લાવી શકે છે તેનાથી નક્કી થાય છે. કે.બી. વ્યાસે આ વાતને પોતાના જીવનથી સાબિત કરી બતાવી છે.
જીવનના નિર્ણાયક તબક્કે નિઃસ્વાર્થ ભાવે કરી મદદ : લેખક સંજય પંડ્યા પોતાના અંગત અનુભવનો ઉલ્લેખ કરતા જણાવે છે કે, મારા પોતાના જીવનમાં કે.બી. વ્યાસનું સ્થાન વિશેષ અને હંમેશાં હૃદયમાં અંકિત થઈ રહેલું છે. હું જ્યારે ધોરણ-૧૦માં અભ્યાસ કરતો હતો ત્યારે મારા જીવનનો એક એવો નિર્ણાયક તબક્કો આવ્યો હતો જ્યારે મારા ભવિષ્ય સામે અનેક પ્રશ્નો ઊભા થયા હતા. એ સમયે કે.બી. વ્યાસે કોઈ સ્વાર્થ, અપેક્ષા કે ઓળખાણના લાભની ભાવના વિના મારી પરિસ્થિતિને સમજી અને નિઃસ્વાર્થભાવે પોતાની ફરજ નિભાવી હતી. તેમણે મારા ભવિષ્યના નિર્ણાયક તરીકે જે ભૂમિકા ભજવી હતી તે માત્ર એક સરકારી પ્રક્રિયાનો ભાગ નહોતી, પરંતુ મારા જીવનને નવી દિશા આપનાર માનવતાભર્યો નિર્ણય હતો.
આજે હું જીવનમાં જ્યાં છું ત્યાં મારા સંઘર્ષો અને પ્રયત્નો સાથે કેટલાક એવા વ્યક્તિત્વનો પણ હિસ્સો છે, જેમણે કોઈ અપેક્ષા વિના યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈને મને આગળ વધવાની તક આપી. તેમાં કે.બી. વ્યાસનું સ્થાન અત્યંત ઊંચું છે. સમય પસાર થઈ શકે, ઉંમર વધી શકે, પરંતુ કોઈ વ્યક્તિએ આપેલી સાચી મદદ અને માનવતાનો સ્પર્શ હૃદયમાંથી કયારેય ભૂંસાતો નથી.
નિવળત્તિ પછી પણ સમાજસેવાની યાત્રા અવિરત : સરકારી સેવામાં લાંબી અને નોંધપાત્ર કારકિર્દી પૂર્ણ કર્યા બાદ પણ તેમની સેવાભાવનાની યાત્રા અટકી નથી. આજે પણ તેઓ અનેક સરકારી તથા બિનસરકારી સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. ઉંમર વધતી ગઈ, પરંતુ સમાજ માટે કંઈક કરવાની તેમની ભાવના કયારેય ઓછી થઈ નથી. ૯૦ વર્ષની ઉંમરે પણ તેઓ એક યુવાન જેવી ઊર્જા અને ઉત્સાહ સાથે કાર્યરત રહે છે આ બાબત આજની પેઢી માટે ખરેખર પ્રેરણાદાયી છે.
તેમના જીવનની વિશેષતા એ છે કે તેમણે પદને કયારેય પ્રતિષ્ઠાના પ્રદર્શનનું સાધન બનાવ્યું નથી. પદ આવ્યું અને ગયું, જવાબદારીઓ બદલાતી રહી, પરંતુ તેમની કાર્યપદ્ધતિમાં નિષ્ઠા, પ્રામાણિકતા અને માનવતાનો આધાર અડગ રહ્યો. આવા લોકો સમાજમાં હોદ્દાથી નહીં પરંતુ પોતાના કર્મોથી ઓળખાય છે.
પરિવારમાં પણ સંસ્કાર અને પ્રજા સેવાનું સિંચન : કે.બી. વ્યાસના પરિવારની વાત કરીએ તો તેમના મોટા પુત્ર અશ્વિન વ્યાસ (અશ્વિન કુકર) પણ જાહેરજીવન સાથે જોડાયેલા રહ્યા છે. તેઓ ગાંધીનગર મહાનગરપાલિકામાં પૂર્વ નગરસેવક તરીકે પોતાની જવાબદારી નિભાવી ચૂકયા છે અને હાલમાં ‘અકિલા' દૈનિક અખબારમાં નિષ્ઠાવાન પત્રકાર તરીકે કાર્યરત છે. આ રીતે પરિવારની એક પેઢીએ જાહેર સેવામાં અને બીજી પેઢીએ લોકશાહી વ્યવસ્થાના મહત્વના સ્તંભ એવા પત્રકારત્વ ક્ષેત્રમાં પોતાની ભૂમિકા ભજવી છે.
પત્રકારત્વ અને જાહેરજીવન બંને ક્ષેત્રોમાં કાર્ય કરતી વ્યક્તિ માટે ઈમાનદારી અને નિર્ભીકતા સૌથી મોટી મૂડી છે. આ સંસ્કાર કોઈ એક દિવસમાં પ્રાપ્ત થતા નથી તે પરિવાર, સંસ્કાર અને જીવનમૂલ્યોમાંથી આવે છે. કે.બી. વ્યાસના જીવનપ્રવાહને જોતા સ્પષ્ટ થાય છે કે તેમણે પોતાના પરિવારને પણ સેવા, સંસ્કાર અને જવાબદારીનું મૂલ્ય આપ્યું છે.
વર્ષો પછીની આકસ્મિક મુલાકાતે તાજી કરી જૂની યાદો : આજે જ્યારે સમાજમાં સ્વાર્થ, તાત્કાલિક લાભ અને પ્રસિદ્ધિની દોડ વધી રહી છે ત્યારે કે.બી. વ્યાસ જેવા વ્યક્તિત્વો આપણને યાદ અપાવે છે કે સાચી સફળતા પદ કે પ્રતિષ્ઠામાં નહીં પરંતુ કોઈના જીવનમાં કરેલા નિઃસ્વાર્થ સારા કાર્યોમાં રહેલી છે.
વર્ષો બાદ આજે જ્યારે આ મહાન વ્યક્તિત્વને ઓચિંતા જ રૂબરૂ મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું ત્યારે જૂની અનેક યાદો એકસાથે તાજી થઈ ગઈ. તેમના ચહેરા પરની એ જ સાદગી, વાતચીતમાં એ જ આત્મીયતા અને સમાજ માટે કંઈક કરવાની એ જ પ્રબળ ભાવના આજે પણ યથાવત્ જોવા મળી. તેમને મળ્યા બાદ માત્ર જૂની યાદો જ તાજી થઈ એવું નથી પરંતુ જાણે મારા જીવનમાં ફરી એક નવી ઊર્જા, નવી પ્રેરણા અને કંઈક વધુ સારું કરવાની નવી ચેતના આવી હોય તેવો અહેસાસ થયો. જીવનના નિર્ણાયક તબક્કે જેમણે મારું ડૂબતું ભવિષ્ય બચાવ્યું હતું એ જ મહાન વ્યક્તિને વર્ષો બાદ મળીને આજે ફરી એક વખત સમજાયું કે સાચા અર્થમાં મહાન વ્યક્તિની હાજરી પણ જીવનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરી શકે છે.
કે.બી. વ્યાસનું જીવન આપણને એક જ સંદેશ આપે છે કે પદ ગમે તેટલું મોટું હોય, પરંતુ માણસાઈથી મોટું કોઈ પદ નથી! ઉંમર ભલે ૯૦ વર્ષની થાય, પરંતુ સમાજ માટે કંઈક કરવાની ઈચ્છા યુવાન હોય તો જીવન હંમેશાં જીવંત રહે છે. આવા વિરલ, નિષ્ઠાવાન, પ્રામાણિક અને સેવાભાવી વ્યક્તિત્વને હૃદયપૂર્વક નમન. (કેસરી, ગાંધીનગર આવૃત્તિમાંથી સાભાર)
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
