<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

સ્માર્ટ પોલિસિંગ તરફ ગુજરાત પોલીસનું મહત્વનું કદમ : AI આધારિત વિડિયો એનાલિટિક્સ અને CCTV ઇન્ટિગ્રેશન માટે યોજાશે દેશની સૌથી મોટી હેકાથોન

પોલીસ વડા જી. એસ. મલિકના માર્ગદર્શન હેઠળ રાજ્યના ૮૦ હજારથી વધુ CCTV કેમેરા એક જ નેટવર્ક પર લિંક કરાશે : સ્પર્ધકો લાઇવ કેમેરા ફીડ્સ પર વાસ્તવિક પબ્લિક સેફ્ટી સોલ્યુશન્સ તૈયાર કરશે : વિજેતા ટીમોને રૂ. ૩૭ લાખના પુરસ્કારો અપાશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સક્ષમ, સચોટ અને સ્માર્ટ બનાવવાના ઉદ્દેશ સાથે ગુજરાત પોલીસ દ્વારા ‘ગુજરાત પોલીસ ઇનોવેશન ચેલેન્જ ૨૦૨૬’ અંતર્ગત દેશના સૌથી મોટા CCTV ઇન્ટિગ્રેશન અને AI-આધારિત હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે. સ્માર્ટ અને પ્રો-એક્ટિવ પોલિસિંગના વાસ્તવિક પડકારોને ઉકેલવા માટે સમગ્ર દેશમાંથી ઇનોવેટર્સ, સ્ટાર્ટઅપ્સ, ટેકનોલોજી કંપનીઓ, ડેવલપર્સ અને સંશોધકોને આ પહેલ દ્વારા એક મંચ પર લાવવામાં આવશે. પોલીસ વડા જી. એસ. મલિકના માર્ગદર્શન હેઠળ આ આયોજન દ્વારા વાસ્તવિક સુરક્ષા પડકારો સામે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સોલ્યુશન્સ વિકસાવવામાં આવશે.

 

આ હેકાથોનનો મુખ્ય લક્ષ્યાંક રાજ્યના ૮૦,૦૦૦થી વધુ કેમેરાઓ સાથે ઇન્ટિગ્રેટ થઈ શકે તેવા સ્કેલેબલ સોલ્યુશન્સ સાથે મજબૂત, ઝડપી અને સક્ષમ પબ્લિક સેફ્ટી ઇકોસિસ્ટમ તૈયાર કરવાનો છે. વિવિધ સરકારી વિભાગોમાં અલગ-અલગ વેન્ડર્સ, ટેકનોલોજી, VMS પ્લેટફોર્મ અને નેટવર્ક આર્કિટેક્ચર પર ચાલતા સીસીટીવી કેમેરાઓને એકત્રિત કરીને સુરક્ષિત અને ઝડપી પબ્લિક સેફ્ટી સિસ્ટમ બનાવવાનો હેતુ આયોજન પાછળ રહેલો છે.

 

દેશમાં પ્રથમ વાર લાઇવ CCTV ફીડ્સ પર થશે રિયલ-ટાઇમ ટેસ્ટિંગ:

સીસીટીવી ઇન્ટિગ્રેશન અને AI-આધારિત વિડિયો એનાલિટિક્સ ક્ષેત્રે ભારતની આ સૌથી મોટી હેકાથોનમાં વિજેતા પ્રતિભાશાળી ટીમોને કુલ રૂ. ૩૭ લાખના રોકડ પુરસ્કારો અપાશે. સ્પર્ધાની સૌથી મહત્વની બાબત એ છે કે, દેશમાં સર્વપ્રથમ વખત સ્પર્ધકો લાઇવ સીસીટીવી કેમેરા ફીડ્સ પર વાસ્તવિક પરિસ્થિતિ મુજબ કામ કરશે. આ ઉપરાંત શંકાસ્પદ વ્યક્તિઓ, વાહનો અને અસામાન્ય ગતિવિધિઓની રિયલ-ટાઇમ ઓળખ, તાત્કાલિક એલર્ટ સિસ્ટમ, ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન, વ્હીકલ ટ્રેકિંગ, વોચલિસ્ટ મેચિંગ અને ક્રોસ-કેમેરા સર્ચ જેવી ક્ષમતાઓનું વાસ્તવિક પરીક્ષણ કરવામાં આવશે.

 

બે તબક્કામાં યોજાશે સ્પર્ધા: સપ્ટેમ્બરમાં થશે પ્રારંભ:

આ સ્પર્ધાનું આયોજન બે તબક્કામાં કરવામાં આવ્યું છે. જેમાં સ્ટેજ ૧ (ઓપન ઇનોવેશન ચેલેન્જ) અંતર્ગત બે કેટેગરી રહેશે. કેટેગરી-૧માં વિદ્યાર્થીઓ અને નાના-મધ્યમ સ્ટાર્ટઅપ્સ તથા કેટેગરી-૨માં મોટા સ્ટાર્ટઅપ્સ અને સ્થાપિત ટેકનોલોજી કંપનીઓ ભાગ લેશે. ત્યારબાદ સ્ટેજ-૨ (ફિનાલે)માં સ્ટેજ-૧માંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટોચની ૬ ટીમો લાઇવ પ્રોડક્શન એન્વાયર્નમેન્ટમાં વાસ્તવિક પોલિસિંગ સિનારિયો સાથે ડેમોન્સ્ટ્રેશન આપશે.

 

સંભવિત સપ્ટેમ્બર મહિનામાં શરૂ થનારી આ હેકાથોનનું આયોજન i-Hub (ગુજરાત)ના ટેકનોલોજી પાર્ટનરશિપ તથા દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓ DA-IICT અને નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના નોલેજ પાર્ટનરશિપ સહયોગથી હાથ ધરાઈ રહ્યું છે. સ્પર્ધામાં ભાગ લેવા તેમજ નિયમો અને ગાઇડલાઇન્સની વધુ માહિતી સત્તાવાર પોર્ટલ https://sentinel.gujarat.gov.in પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

(11:04 AM IST)