News of Monday, 17th August 2026
ગાંધીનગર જિલ્લામાં જુગારીઓ પર પોલીસ ત્રાટકીઃ ૧ કરોડથી વધુના મુદ્દામાલ સાથે ૧૧ પકડાયા
રણાસણ ગામની સીમમાં લેબર કોલોનીના એક રૂમમાં ચાલતા હાઇપ્રોફાઇલ જુગારધામ પર સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડયો

ગાંધીનગરઃ જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા રણાસણ ગામની સીમમાં લેબર કોલોનીના એક રૂમમાં ચાલતા હાઇપ્રોફાઇલ જુગારધામ પર સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડી ૧૧ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે રોકડ રકમ, મોંઘી ફોર-વ્હીલર કાર અને મોબાઇલ ફોન મળી કુલ ૧,૦૪,૧૧,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ ટીમ પેટ્રોલિગમાં હતી. તે દરમિયાન સર્વેલન્સ સ્કોડને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, રણાસણ ગામની સીમમાં આવેલા સર્વે નંબર-૧૪૭ ના ખેતરમાં બનાવેલ લેબર કોલોનીના પ્રથમ માળે આવેલા રૂમમાં રાકેશભાઈ રણછોડભાઈ ભરવાડ નામના ઈસમે બહારથી માણસો ભેગા કરીને પાના-પત્તાનો પૈસાની હાર-જીતનો જુગાર રમાડી રહ્યો છે. બાતમી મળતાં જ પોલીસ ટીમે મકાનમાં દરોડો પાડ્યો હતો.
પોલીસ દરોડા દરમિયાન દાવ પરથી ૩૩,૫૦૦ રૂપિયા રોકડા તથા પકડાયેલા આરોપીઓની અંગજડતીમાંથી ૬,૩૫,૦૦૦ રૂપિયા મળી કુલ ૬,૬૯,૦૦૦ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી& આ ઉપરાંત પોલીસે ૫,૪૨,૦૦૦ રૂપિયાની કિમતના ૧૧ નંગ મોબાઇલ ફોન, ૫૨ નંગ ગંજી પાના તેમજ ૯૨,૦૦,૦૦૦ રૂપિયાની કિમતની ૫ ફોર-વ્હીલર ગાડીઓ અને તેની ચાવીઓ જપ્ત કરી હતી. આમ પોલીસે સ્થળ પરથી કુલ ૧,૦૪,૧૧,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે સ્થળ પરથી જુગાર રમતા ૧૧ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં રણજીતસિહ ઓમસિહ સોલંકી, સતીષજી ખદુજી ઠાકોર, વિજયકુમાર રાવજીભાઈ પટેલ (ઉંમર ૫૯, રહે. પાંતિયા, ગાંધીનગર), વિશાલ નરેશભાઈ બ્રહ્મભટ્ટ (ઉંમર ૩૯, રહે. સૈજપુર બોઘા, અમદાવાદ), કિરણભાઈ કચરાભાઈ પ્રજાપતિ (ઉંમર ૪૩, રહે. વલાદ, ગાંધીનગર), રમેશભાઈ રેવાભાઈ ભરવાડ (ઉંમર ૪૦, રહે. નાના ચિલોડા, અમદાવાદ), રાજુભાઈ રાયભાઈ ભરવાડ (ઉંમર ૩૭, રહે. વષાલ રોડ, અમદાવાદ), રાકેશભાઈ દશરથભાઈ પટેલ (ઉંમર ૩૧, રહે. નરોડા, અમદાવાદ), રમેશભાઈ રણછોડભાઈ ભરવાડ (ઉંમર ૩૫, રહે. નાના ચિલોડા, અમદાવાદ), રાકેશભાઈ રણછોડભાઈ ભરવાડ (ઉંમર ૩૮, રહે. નાના ચિલોડા, અમદાવાદ) અને દિનેશભાઈ વિરમભાઈ દેસાઈ (ઉંમર ૪૫, રહે. જશોદાનગર, અમદાવાદ) નો સમાવેશ થાય છે. પોલીસે પકડાયેલા તમામ આરોપીઓ સામે જુગાર ધારાની કલમ ૪ અને ૫ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
