News of Monday, 17th August 2026
હોટેલ રિસેપ્શન પર ઓળખપત્ર આપતા જ યુવક જમીન પર ઢળ્યો, સારવાર પૂર્વે મોત
સુરતના ડિંડોલી વિસ્તારમાં ચકચારી બનાવ સામે આવ્યો : મહિલા મિત્ર સાથે હોટેલમાં રોકાણ અર્થે પહોંચેલા યુવકનું રિસેપ્શન પર ઓળખપત્ર આપતી વખતે અચાનક ઢળી પડતાં મોત થયું સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

સુરત તા.૧૭: સુરતના ડિડોલી વિસ્તારમાંથી એક અત્યંત આંચકાજનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સત્તાવાર પોલીસ અહેવાલ મુજબ, એક યુવાન પોતાની મહિલા મિત્ર સાથે સ્થાનિક હોટેલમાં ચેક-ઇન કરવા પહોંચ્યો હતો. રિસેપ્શન કાઉન્ટર પર ઓળખપત્ર આપતી વખતે જ તે અચાનક જમીન પર ઢળી પડ્યો હતો અને હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરાયો હતો.
સુરત શહેરના ડિડોલી વિસ્તારમાં સ્થિત એક હોટેલમાં સામાન્ય દિવસની જેમ અવરજવર ચાલી રહી હતી. બપોરના સુમારે એક યુવક પોતાની મહિલા મિત્ર સાથે રૂમ બુકિગ અને રોકાણ અર્થે હોટેલના પ્રવેશદ્વારથી રિસેપ્શન તરફ આગળ વધ્યો હતો. બંને સામાન્ય વાતચીત કરી રહ્યા હતા અને યુવકના વર્તનમાં કોઈ પણ પ્રકારની અસ્વસ્થતા જણાતી નહોતી. જોકે, ક્ષણવારમાં જ પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી અને યુવક એકાએક સંતુલન ગુમાવીને નીચે પટકાયો હતો.
સમગ્ર દુર્ઘટના હોટેલ લોબીમાં લગાવેલા હાઈ-ડેફિનેશન સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે.
યુવાનને અર્ધબેભાન અવસ્થામાં તાબડતોબ નજીકની હોસ્પિટલ અને ત્યારબાદ સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની માહિતી મળતાની સાથે જ ડિડોલી પોલીસ સ્ટેશનનો કાફલો સિવિલ હોસ્પિટલ અને હોટેલ પરિસરે પહોંચ્યો હતો.
યુવાનોમાં અચાનક થતા મોતના કિસ્સાઓ અત્યંત ગંભીર ચર્ચાનો વિષય બન્યા છે. હૃદયરોગ નિષ્ણાતોના મતે અનિયમિત જીવનશૈલી, માનસિક તણાવ, સાયલન્ટ હાઇપરટેન્શન અને આહારની ખોટી આદતો યુવા વયે અચાનક કાર્ડિયાક અરેસ્ટનું જોખમ વધારે છે. નિષ્ણાતો સલાહ આપે છે કે કોઈપણ પ્રકારની છાતીમાં અસ્વસ્થતા, શ્વાસ લેવામાં તકલીફ કે વધુ પડતો પરસેવો થાય ત્યારે તાત્કાલિક મેડિકલ ચેકઅપ કરાવવું જોઈએ અને નિયમિત હેલ્થ સ્ક્રિનિગ કરાવવું હિતાવહ છે.
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
