<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

અમદાવાદ ગ્રામ્ય પોક્સો કોર્ટનો મોટો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા

વર્ષ 2021 માં 15 વર્ષીય સગીરાનું અપહરણ કરી તેને ગોંધી રાખીને દુષ્કર્મ આચરવાના કેસમાં 30 વર્ષીય આરોપી ધર્મેશ ડોડીયાને કસૂરવાર ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી

અમદાવાદ ગ્રામ્યની વિશેષ પોક્સો અદાલતે  સગીરા પર થયેલા દુષ્કર્મ મામલે એક મહત્વપૂર્ણ અને કડક ચુકાદો આપ્યો છે. વર્ષ 2021 માં 15 વર્ષીય સગીરાનું અપહરણ કરી તેને ગોંધી રાખીને દુષ્કર્મ આચરવાના કેસમાં 30 વર્ષીય આરોપી ધર્મેશ ડોડીયાને કસૂરવાર ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. અદાલતે આવા ગંભીર ગુનાઓમાં સમાજમાં કડક દાખલો બેસે તે હેતુથી આ સજા સંભળાવી છે.

સમગ્ર કેસની વિગત અનુસાર, આ ચકચારી ઘટના વર્ષ 2021 માં અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. આરોપી ધર્મેશ ડોડીયાએ 15 વર્ષની સગીરાને લલચાવી-ફોસલાવીને તેનું અપહરણ કર્યું હતું. આ બનાવ સંદર્ભે પીડિતાના પરિવારજનોની ફરિયાદના આધારે સરખેજ પોલીસ સ્ટેશને અપહરણ તેમજ પોક્સો એક્ટ (POCSO Act) હેઠળ ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી હતી અને કાનૂની કાર્યવાહી શરૂ કરી હતી.

પોલીસ તપાસ અને કોર્ટમાં રજૂ થયેલા પુરાવા અનુસાર, આરોપી સગીરાનું અપહરણ કર્યા બાદ તેને જુદી-જુદી અજાણી જગ્યાઓએ લઈ ગયો હતો. ત્યાં સગીરાને બળજબરીપૂર્વક ગેરકાયદેસર અટકાયતમાં ગોંધી રાખીને તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આરોપી દ્વારા સગીરાને સતત ડરાવી-ધમકાવીને શારીરિક શોષણ કરવામાં આવતું હતું.

 

 

આ કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટની સ્પેશિયલ પોક્સો અદાલત સમક્ષ સુનાવણી પર આવ્યો હતો. સરકારી વકીલ દ્વારા પીડિતાની જુબાની, તબીબી તપાસના અહેવાલો તેમજ ફોરેન્સિક પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. બંને પક્ષોની દલીલો અને સચોટ દસ્તાવેજી પુરાવા ધ્યાને લીધા બાદ વિશેષ અદાલતે 30 વર્ષીય આરોપી ધર્મેશ ડોડીયાને દોષિત ઠેરવ્યો હતો અને 20 વર્ષની સખત કેદની સજાનો આદેશ આપ્યો હતો.

(12:23 AM IST)