<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

આણંદના ખંભાત પંથકમાં ઝેરી ગેસ લીકેજ કે ફેલાવાની ઘટના બાદ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એક્શનમાં :કલમસર વિસ્તારની શંકાસ્પદ કેમિકલ કંપનીઓમાં દરોડા પાડીને તપાસ શરૂ

કલમસર વિસ્તારમાં આવેલી કુખ્યાત રોહન ડાઇઝ કંપની અને જય કેમિકલ માં GPCB ના અધિકારીઓ દ્વારા દરોડા : બે જેટલા ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચીને ફેક્ટરીઓની ઓપરેશનલ સિસ્ટમ અને સેફ્ટી ધોરણોની ચકાસણી

આણંદ જિલ્લાના ખંભાત વિસ્તારમાં સર્જાયેલી ઝેરી ગેસની ગંભીર ઘટના બાદ હવે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ 9GPCB) સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને GPCB ની વિશેષ ટીમ તાત્કાલિક ખંભાતના કલમસર વિસ્તારમાં પહોંચી હતી અને સ્થાનિક ફેક્ટરીઓમાં સઘન તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, કલમસર વિસ્તારમાં આવેલી કુખ્યાત રોહન ડાઇઝ કંપની અને જય કેમિકલમાં GPCB ના અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. બે જેટલા ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચીને ફેક્ટરીઓની ઓપરેશનલ સિસ્ટમ અને સેફ્ટી ધોરણોની ચકાસણી કરી રહ્યા છે. આ સરપ્રાઈઝ તપાસ દરમિયાન પારદર્શિતા જાળવવા અને તપાસ પ્રભાવિત ન થાય તે માટે મીડિયાકર્મીઓને કામગીરીથી દૂર રાખવામાં આવ્યા હતા, જેના કારણે સ્થાનિક સ્તરે અનેક ચર્ચાઓ વહેતી થઈ છે.

આ અંગે વાત કરતા GPCB ના અધિકારીએ જણાવ્યું હતું કે, કયા કારણોસર આ ઝેરી ગેસની ઘટના બની છે તે અંગે અત્યંત ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. નિયમોની વિરુદ્ધ જઈને પ્રદૂષણ ફેલાવતા અને માનવજીવન સાથે ચેડા કરતા કેમિકલ માફિયાઓ સામે GPCB દ્વારા અત્યંત કડક પગલાં ભરવામાં આવશે. પ્રશાસનની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા એકમોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

(12:30 AM IST)