<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

વડોદરાના ફોટો જર્નાલિસ્‍ટ્‍સનું ૧૩મું વાર્ષિક ફોટોગ્રાફી પ્રદર્શન યોજાશે

કેમેરાની નજરે વડોદરાની યાદગાર ક્ષણો, સમાજજીવન અને બદલાતા સમયનું જીવંત દસ્‍તાવેજીકરણ જોવા મળશે

વડોદરાઃ વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરાના ફોટો જર્નાલિસ્‍ટ્‍સ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ તા. ૧૯ ઓગસ્‍ટથી ત્રણ દિવસ માટે ભવ્‍ય ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્‍યું છે. ‘CLICK-13' નામે યોજાનારા આ પ્રદર્શનમાં વડોદરાના વિવિધ અખબારો અને મીડિયા સંસ્‍થાઓ સાથે સંકળાયેલા ૧૧ ફોટો જર્નાલિસ્‍ટ્‍સ દ્વારા લેવામાં આવેલી પસંદગીની ૮૮ તસવીરો પ્રદર્શિત કરવામાં આવશે.

ફોટોગ્રાફી માત્ર તસવીર ખેંચવાની કળા નથી, પરંતુ સમયની એક ક્ષણને હંમેશ માટે સાચવી રાખતી લ્લશ્‍યભાષા છે. ફોટો જર્નાલિસ્‍ટ્‍સ પોતાના કેમેરા દ્વારા સમાજજીવનની વિવિધ ઘટનાઓ, માનવીય સંવેદનાઓ, સાંસ્‍કૃતિક વારસો, વિકાસકાર્યો, કુદરતી સૌંદર્ય તેમજ શહેરના બદલાતા સ્‍વરૂપને કંડારે છે. આ તસવીરો માત્ર ઘટનાની સાક્ષી પૂરતી નથી રહેતી, પરંતુ આવનારી પેઢી માટે સમયના જીવંત દસ્‍તાવેજ બની રહે છે.

આકૃતિ આર્ટ ગેલેરી, કીર્તિ મંદિર ખાતે યોજાનારા આ પ્રદર્શનમાં મુલાકાતીઓને વિવિધ ક્ષેત્રની અનોખી તસવીરો નિહાળવાની સાથે સાથે દરેક તસવીર પાછળની ઘટના, ક્ષણ અને ફોટોગ્રાફરની લ્લષ્ટિને સમજવાની તક મળશે.

ત્રણ દિવસ ચાલનારા આ પ્રદર્શનમાં પ્રવેશ  નિશુલ્‍ક રાખવામા આવેલ છે,  ફોટોગ્રાફીપ્રેમીઓ, મીડિયા ક્ષેત્રના લોકો, વિદ્યાર્થીઓ તેમજ નગરજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી ફોટો જર્નાલિસ્‍ટ્‍સની સર્જનાત્‍મકતા અને કાર્યને નિહાળે તેવો અનુરોધ ફોટો જર્નાલિસ્‍ટ્‍સ  દ્વારા કરવામાં આવ્‍યો છે

(2:38 PM IST)