તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
યાત્રાધામ ડાકોરમાં નોન-વેજના વેચાણ પર કાયમી પ્રતિબંધની માગ ઉઠી
મંદિરના દંડી સ્વામી મહંત વિજયદાસજીએ પ્રાંત અધિકારીને પત્ર લખી નોન-વેજની લારીઓ અને દુકાનો બંધ કરાવવા રજૂઆત કરી: લાખો ભક્તો દર્શનાર્થે આવતા હોવાથી નોન-વેજની દુકાનો જોઈ ધાર્મિક લાગણી દુભાતી હોવાનો દાવો

ખેડા જિલ્લાના ડાકોરમાં નોન-વેજ ખાદ્યપદાર્થોના વેચાણ પર કાયમી પ્રતિબંધ મૂકવાની માગ ઉઠી છે. ડાકોર મંદિરના દંડી સ્વામી મહંત વિજયદાસજી (Mahant Vijaydasji) એ આ મામલે પ્રાંત અધિકારીને પત્ર લખી રજૂઆત કરી છે. તેમણે ડાકોરમાં આવેલી નોન-વેજની લારીઓ અને દુકાનોને બંધ કરાવવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી છે.
મહંત વિજયદાસજીએ રજૂઆતમાં જણાવ્યું છે કે ડાકોર એક મહત્વપૂર્ણ ધાર્મિક અને યાત્રાધામ તરીકે ઓળખાય છે. અહીં ભગવાન રણછોડરાયજીના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ આવતા હોય છે. વિવિધ વિસ્તારોમાંથી લાખો ભક્તો ડાકોરની મુલાકાત લેતા હોવાના કારણે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક વાતાવરણ અને પવિત્રતા જળવાઈ રહે તે જરૂરી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે ડાકોરમાં કેટલીક જગ્યાએ નોન-વેજ ખાદ્યપદાર્થોનું વેચાણ થતું જોવા મળે છે. ધાર્મિક સ્થળે દર્શન માટે આવતા ભક્તોને આવી દુકાનો અને લારીઓ નજરે પડતાં તેમની ધાર્મિક લાગણી દુભાતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પવિત્ર યાત્રાધામની ગરિમા જળવાઈ રહે તે માટે નોન-વેજના વેચાણને રોકવાની જરૂરિયાત હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે.
મહંત વિજયદાસજી દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં સંતો અને ભક્તોની લાગણીને ધ્યાનમાં લઈને ડાકોરમાં નોન-વેજના વેચાણ પર કાયમી પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી છે. માત્ર થોડા સમય માટે નહીં, પરંતુ કાયમી ધોરણે નોન-વેજની લારીઓ અને દુકાનો બંધ કરાવવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.
ડાકોરની ધાર્મિક ઓળખ અને યાત્રાધામની પવિત્રતા જળવાઈ રહે તે માટે સ્થાનિક પ્રશાસન દ્વારા આ મામલે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે. હવે પ્રાંત અધિકારી અને સ્થાનિક તંત્ર દ્વારા આ રજૂઆત અંગે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.
(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
