<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

રૂપિયા ૭,૦૦૦ ની લાંચ કેસમાં ઊંઝાના બ્રાહ્મણવાડા આઉટ પોસ્ટના અ.હે.કોન્સ્ટેબલ ભીખુભા મનુભા વાઘેલાને વિસનગર સેશન્સ કોર્ટે ફટકારી ૪ વર્ષની કેદ અને રૂપિયા ૩૫,૦૦૦ નો દંડ

પ્રોહિબિશન કેસમાં રાહત આપવા લાંચ સ્વીકારનાર હેડ કોન્સ્ટેબલને સ્પેશિયલ જજ એન.એસ. સિદ્દીકીએ આપી સજા : સહઆરોપી અ.હે.કોન્સ્ટેબલ જસવંતસિંહ પૃથ્વીસિંહ પરમારનું ટ્રાયલ દરમિયાન અવસાન

મહેસાણા: મહેસાણા જિલ્લાના ઊંઝા પોલીસ સ્ટેશન હેઠળના બ્રાહ્મણવાડા આઉટ પોસ્ટ ખાતે અ.હે.કોન્સ્ટેબલ (વર્ગ-૩) તરીકે ફરજ બજાવતા ભીખુભા મનુભા વાઘેલા સામેના એ.સી.બી. કેસમાં વિસનગર સેશન્સ કોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. વિસનગર કોર્ટના સ્પેશિયલ જજ એન.એસ. સિદ્દીકીએ તા. ૧૮/૦૮/૨૦૨૬ ના રોજ આ કેસ ચલાવીને આરોપી ભીખુભા વાઘેલાને ૦૪ વર્ષની કેદની સજા અને રૂપિયા ૩૫,૦૦૦ નો દંડ ફટકાર્યો છે.

 

રૂપિયા ૭,૦૦૦ ની લાંચ માંગવાનો અને સ્વીકારવાનો બનાવ:

કેસની વિગત મુજબ, ફરિયાદીના કૌટુંબિક ભાઈ વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ હોઈ, તે ગુનાની તપાસમાં હેરાન-પરેશાન નહીં કરવા, તપાસ ઢીલી કરવા, ઝડપી ચાર્જશીટ કરવા તેમજ જામીન અરજીમાં એફિડેવિટમાં રાહત આપવા બદલ આરોપી અ.હે.કોન્સ્ટેબલ જસવંતસિંહ પૃથ્વીસિંહ પરમાર અને અ.હે.કોન્સ્ટેબલ ભીખુભા મનુભા વાઘેલાએ રૂપિયા ૭,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી.

 

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે મહેસાણા એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે તા. ૨૬/૦૨/૨૦૧૯ ના રોજ ગોઠવાયેલા લાંચના છટકા દરમિયાન આરોપી નં. ૧ જસવંતસિંહ પરમારે રૂપિયા ૭,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી અને આરોપી નં. ૨ ભીખુભા વાઘેલાએ રૂપિયા ૭,૦૦૦ ની લાંચની રકમ સ્વીકારતા બંને રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આ અંગે મહેસાણા એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ગુ.ર. નં. ૦૧/૨૦૧૯ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ ની કલમ-૭, ૧૨, ૧૩(૧) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

 

ટ્રાયલ દરમિયાન એક આરોપીનું મોત, બીજા આરોપીને સજા:

વિસનગર સેશન્સ કોર્ટમાં તા. ૧૮/૦૮/૨૦૨૬ ના રોજ કેસ ચાલવા પર આવતાં, ટ્રાયલ દરમિયાન આરોપી નં. ૧ જસવંતસિંહ પૃથ્વીસિંહ પરમાર મરણ પામેલ હોવાનું નોંધાયું હતું. જ્યારે કોર્ટે પુરાવાઓને ધ્યાને રાખીને આરોપી નં. ૨ ભીખુભા મનુભા વાઘેલાને દોષિત ઠેરવી ૪ વર્ષની કેદની સજા અને રૂપિયા ૩૫,૦૦૦ નો દંડ ફટકાર્યો છે.

આ ગુનાના ટ્રેપિંગ અધિકારી તરીકે મહેસાણા એ.સી.બી. પોલીસ સ્ટેશનના પો.ઇન્સ્પેક્ટર બી.કે. ચૌધરી અને તપાસ કરનાર અધિકારી તરીકે અરવલ્લી એ.સી.બી. પોલીસ સ્ટેશનના પો.ઇન્સ્પેક્ટર સી.ડી. વણજારા રહ્યા હતા. જ્યારે સુપરવિઝન અધિકારી તરીકે એ.સી.બી. ગાંધીનગર એકમના મદદનીશ નિયામક એ.કે. પરમાર કાર્યરત હતા.

(8:17 PM IST)