તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th August 2026
ગુજરાતની શાળાની વિદ્યાર્થીનીઓએ વ્યવસાયિક સૂઝબૂઝથી અઢી વર્ષમાં 16 લાખ રૂપિયાનો જંગી નફો કમાઈ નવો કીર્તિમાન સ્થાપ્યો
ફનફેરમાં મસાલા છાસ વેચીને માત્ર 2 દિવસમાં 92184 રૂપિયા કમાનારી આ દીકરીઓની પ્રેરણાદાયી પહેલને ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીએ બિરદાવી

અમદાવાદ :શિક્ષણની સાથે સાહસિકતા અને સામાજિક સેવાનો અનોખો સમન્વય સર્જીને શાળાની દીકરીઓએ એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ પોતાની આગવી વેપાર સૂઝબૂઝના બળે અઢી વર્ષના ટૂંકા ગાળામાં 16 લાખ રૂપિયાથી વધુનો ચોખ્ખો નફો હાંસલ કર્યો છે. આ સિદ્ધિ મેળવનાર બાળાઓએ ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી સાથે મુલાકાત કરી હતી, જ્યાં તેમના આત્મવિશ્વાસ અને વેપાર મોડેલને જાણી મંત્રી પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
વિદ્યાર્થિનીઓએ ગૃહમંત્રી સમક્ષ પોતાની સફર વર્ણવતા જણાવ્યું હતું કે શાળામાં વેકેશન અને રજાના દિવસોમાં કેન્ટીન બન્ધ રહેતી હતી. આ સમયગાળાનો સદુપયોગ કરીને તેમણે શાળા પરિસરમાં ફનફેરનું આયોજન કર્યું હતું. આ આયોજનમાં તેમણે જાતે તૈયાર કરેલી મસાલા છાસનું વેચાણ શરૂ કર્યું હતું. આ આઈડિયા એટલો સફળ રહ્યો કે માત્ર 2 દિવસના ગાળામાં દીકરીઓએ 92184 રૂપિયાનો જંગી નફો મેળવ્યો હતો. બાળાઓ પાસેથી આ આંકડો સાંભળી ગૃહમંત્રી પણ દંગ રહી ગયા હતા.
આ દીકરીઓ માત્ર નફો કમાવવા પૂરતી સીમિત નથી રહી, પરંતુ ઉપાર્જિત નફાનો ઉપયોગ સેવાકીય પ્રવૃત્તિઓમાં કરે છે. વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે તેઓ દર વર્ષે દિવાળીના તહેવારમાં જરૂરિયાતમંદોને મીઠાઈ વિતરણ , ચોમાસાની ઋતુમાં છત્રી વિતરણ તેમજ ગરીબ બાળકોને શિક્ષણ માટે ચોપડા અને સ્ટેશનરીનું વિતરણ કરે છે. આગામી સમયમાં રક્ષાબંધનના પર્વ નિમિત્તે રાખડીઓનો વેપાર કરવાનું નવું આયોજન પણ તેઓ કરી રહી છે.
વિદ્યાર્થિનીઓના આ સંયુક્ત પ્રયાસ અને સામાજિક જવાબદારીની ભાવનાને બિરદાવતા ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીએ 'વટ પાડી દીધો' કહીને દીકરીઓની પીઠ થાબડી હતી. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના આંત્રપ્રિન્યોરશિપ પ્રોજેક્ટ્સ અન્ય શાળાઓમાં પણ શરૂ થવા જોઈએ, જેથી વિદ્યાર્થીઓમાં નાની ઉંમરથી જ આર્થિક સાક્ષરતા, વ્યવસ્થાપન અને સમાજસેવાની ભાવના કેળવાય.
(12:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
