News of Wednesday, 19th August 2026
વડોદરાના સાંસદ હેમાંગભાઈ જોશીની ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જાહેરાત થતા વડોદરા કાર્યાલયે ભવ્ય સ્વાગત કરાયું
હેમાંગભાઈ જોશીએ જવાબદારી યુવા કાર્યકર્તાઓને સમર્પિત કરી. વિકસિતભારત-2047 માટે યુવાનોને જોડવા, જોબ ગીવર બનાવવા અને નશાખોરીથી દૂર રાખવા પ્રયાસોની વાત કરી.

વડોદરાના સાંસદ હેમાંગભાઈ જોશીની ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ હેમાંગ જોશી વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા, જ્યાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. નવી જવાબદારી મળ્યા બાદ હેમાંગભાઈ જોશીએ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરી યુવાનોને લઈને પોતાના આગામી વિઝન અંગે વાત કરી છે.
હેમાંગભાઈ જોશીએ જણાવ્યું કે નીતિન નબીનના નેતૃત્વમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની જાહેરાત કરવામાં આવી છે અને તેમાં ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ તરીકે તેમના નામની જાહેરાત થઈ છે. તેમણે કહ્યું કે તેમના પરિવારમાં કોઈ રાજકારણી નથી અને મળેલી આ જવાબદારીને તેઓ વડોદરા તથા ગુજરાતના યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓને સમર્પિત કરે છે.
હેમાંગભાઈ જોશીએ પ્રદેશ અધ્યક્ષની વાત કરતાં કહ્યું કે જગદીશભાઈ વિશ્વકર્માએ હંમેશા તેમને કામ કરવાની ફ્રીડમ આપી છે. આ જવાબદારીને તેઓ માત્ર વ્યક્તિગત ઉપલબ્ધિ તરીકે નહીં, પરંતુ સંગઠનના કાર્યકર્તાઓની મહેનત અને વિશ્વાસ તરીકે જોઈ રહ્યા છે.
હેમાંગભાઈ જોશીએ કહ્યું કે યુવા શક્તિ વિકસિત ભારતનું સબળ પરિબળ છે અને યુવાનો દેશનું ભવિષ્ય છે. વિકસિત ભારત-2047ના લક્ષ્ય સાથે એક-એક યુવાન જોડાય તેવા પ્રયાસો કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે યુવાનો માત્ર જોબ સીકર ન બને, પરંતુ જોબ ગીવર બને તે દિશામાં પણ કામ કરવામાં આવશે. વધુમાં કહ્યું વડોદરા અને ગુજરાતના યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓને આ જવાબદારી સમર્પિત છે.
તેમણે યુવાનોની ઊર્જાને સકારાત્મક દિશા આપવાની વાત કરી. કહ્યું કે યુવા શક્તિની ઊર્જાનો યોગ્ય ઉપયોગ થાય અને યુવાનો નશાખોરીથી દૂર રહે તે માટે પ્રયાસો કરવામાં આવશે. યુવાનોને રચનાત્મક પ્રવૃત્તિઓ અને દેશના વિકાસ સાથે જોડવાની દિશામાં સંગઠનાત્મક કામગીરીને આગળ વધારવાનો સંકલ્પ પણ તેમણે વ્યક્ત કર્યો.
યુવાનોને રાજકીય હથિયાર બનાવી દેશનો માહોલ ખરાબ કરનારાઓ સામે પણ હેમાંગ જોશીએ આકરા પ્રહાર કર્યા. આ દરમિયાન તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, યુવાન હતા ત્યારે ઝબ્બો પહેરી વયોવૃદ્ધ દેખાતા હતા અને હવે વયોવૃદ્ધ થયા ત્યારે ટી-શર્ટ પહેરે છે. તેમના આ નિવેદનથી રાજકીય ચર્ચા ગરમાઈ શકે છે.
(12:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
