<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

રોજિંદા અપડાઉન કરતા મુસાફરો માટે GSRTC નો મોટો નિર્ણય : દૈનિક મુસાફર પાસ યોજનામાં ભાડા રાહત વધારી ૫૦ ટકા સુધી કરાઈ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ એસ.ટી. નિગમનો નિર્ણય : માસિક પાસમાં ૧૫ દિવસ અને ત્રિમાસિકમાં ૪૫ દિવસનું જ ભાડું લેવાશે : રાજ્યના ૨.૫ લાખથી વધુ મુસાફરોને સીધો આર્થિક ફાયદો

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા એસ.ટી. બસમાં રોજિંદા અપડાઉન કરતા લાખો નોકરિયાતો, વેપારીઓ અને ધંધાર્થી વર્ગના આર્થિક હિતને ધ્યાને રાખીને ‘દૈનિક મુસાફર પાસ યોજના’ના નિયમોમાં મોટો લોકહિતલક્ષી સુધારો કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ નિગમે પાસ યોજનાના માળખામાં સુધારો કરીને ભાડા રાહતમાં વધારો કર્યો છે, જેનાથી મુસાફરોને હવે ૫૦ ટકા સુધીની સીધી આર્થિક રાહત પ્રાપ્ત થશે.

માસિક અને ત્રિમાસિક પાસના ભાડા માળખામાં કરાયેલા ફેરફારો:
મુસાફરોના હિતમાં નિગમ દ્વારા પાસ યોજનાના માળખામાં ફેરફાર કરાયા છે, જે મુજબ:
 * માસિક પાસ: અગાઉ માસિક પાસ મેળવવા માટે મુસાફરે ૧૮ દિવસનું ભાડું ચૂકવવું પડતું હતું, જેને ઘટાડીને હવે માત્ર ૧૫ દિવસનું ભાડું કરવામાં આવ્યું છે. એટલે કે મુસાફરો માત્ર ૧૫ દિવસના ભાડામાં પૂરા ૩૦ દિવસ સુધી મુસાફરી કરી શકશે.
 * ત્રિમાસિક પાસ: અગાઉ ત્રિમાસિક પાસ ધારકો પાસેથી ૫૪ દિવસનું ભાડું લેવામાં આવતું હતું, તેના સ્થાને હવે માત્ર ૪૫ દિવસનું ભાડું ચૂકવીને સતત ૯૦ દિવસ સુધી મુસાફરી કરવાનો લાભ મળશે.

દર મહિને ૨.૫ લાખથી વધુ નોકરિયાતો અને વેપારીઓને લાભ થશે:
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા લેવામાં આવેલા આ પ્રજાલક્ષી નિર્ણયથી દૈનિક ધોરણે બસમાં મુસાફરી કરતા આશરે ૨.૫ લાખથી વધુ નોકરિયાતો, નાના-મોટા વ્યવસાયીઓ અને વેપારી વર્ગને દર મહિને મોટો આર્થિક ફાયદો થશે. આ નિર્ણયથી મુસાફરો એસ.ટી. નિગમની સલામત, સુવિધાજનક અને ગુણવત્તાસભર જાહેર પરિવહન સેવાનો મહત્તમ ઉપયોગ કરવા પ્રેરાશે.

 

(12:09 PM IST)