તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 19th August 2026
માઇક્રોનનાં સાણંદ સેમિકંડક્ટર પ્લાન્ટને ૪૮ કલાકની સાપ્તાહિક મર્યાદા સાથે ૧૨ કલાકની શિફ્ટ માટે ગુજરાત સરકારની ઐતિહાસિક મંજૂરી
સેમિકંડક્ટર ક્ષેત્રે 'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ'ને પ્રોત્સાહન આપવા રાજ્યમાં આવી પહેલી મંજૂરી : શ્રમ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને શ્રમ રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા દ્વારા કામદારોના હિતોના રક્ષણ માટે કડક નિયમો સાથે જાહેરાત

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : ભારતને વૈશ્વિક ટેક્નોલોજી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે અગ્રણી બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ તેમજ ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશનને બળ આપવા માટે ગુજરાત સરકારે મોટો નીતિગત નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે સાણંદ સ્થિત માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના પ્લાન્ટમાં ૧૨ કલાકની કામકાજની શિફ્ટ ચલાવવાની મંજૂરી આપી છે. ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે અપાયેલી આ પ્રકારની પ્રથમ મંજૂરી છે, જેનાથી રાજ્યમાં નવી રોજગારીની તકો ઉભી થશે.
OSH કોડ ૨૦૨૦ હેઠળ કડક શરતો સાથે ૧૨ કલાકની શિફ્ટને મંજૂરી:
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આ મંજૂરી ૨૧ નવેમ્બર ૨૦૨૫થી દેશભરમાં અમલી બનેલા ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ (OSH) કોડ, ૨૦૨૦ ની જોગવાઈઓ હેઠળ આપવામાં આવી છે. કોઈ પણ ઔદ્યોગિક એકમે ૧૨ કલાકની શિફ્ટ રાખવા માટે સરકારની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે અને મંજૂરી વગર કોઈ પણ ઔદ્યોગિક ગૃહ આ શિફ્ટ રાખી શકશે નહીં. OSH કોડનો મુખ્ય હેતુ 'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ' અને 'ઈઝ ઓફ કોમ્પ્લાયન્સ'ને પ્રોત્સાહન આપવાનો છે.
શ્રમિકોના હિતોનું રક્ષણ અને સાપ્તાહિક ૪૮ કલાકની મર્યાદા:
રાજ્ય સરકારે આ મંજૂરી સાથે કામદારોના હિતોના રક્ષણ માટે કડક નિયમો અને શરતો લાગુ કરી છે:
* ૧૨ કલાકની શિફ્ટમાં કામ કરનારા કર્મચારીઓ માટે પણ અઠવાડિયામાં કુલ કામકાજનો સમય ૪૮ કલાકથી વધુ હોવો જોઈએ નહીં અને બાકીના દિવસોને પગારપાત્ર રજા તરીકે ગણવામાં આવશે.
* માત્ર પોતાની સ્વૈચ્છિક લેખિત સંમતિ આપનારા કર્મચારીઓ જ ૧૨ કલાકની શિફ્ટમાં કામ કરી શકશે.
* આરામના વિરામ સહિતનો કુલ કાર્યસમય દિવસના ૧૨ કલાકથી વધુ રહેશે નહીં.
* કંપનીએ આ વ્યવસ્થા હેઠળ કામ કરતા કર્મચારીઓનો અલગ રેકોર્ડ રાખવો ફરજિયાત રહેશે તેમજ ફેક્ટરીઓના ચીફ ઈન્સ્પેક્ટર-કમ-ફેસિલિટેટર દ્વારા લાદવામાં આવેલી શરતોનું પાલન કરવું પડશે. શરતોનો ભંગ થયેથી મંજૂરી રદ કરી કાયદેસરની કાર્યવાહી કરાશે.
સેમિકન્ડક્ટર ઉત્પાદનમાં ૧૨ કલાકની શિફ્ટનું મહત્વ:
સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં અત્યાધુનિક ઓટોમેટેડ મશીનો ૨૪ કલાક નિયંત્રિત ક્લીનરૂમ પરિસ્થિતિમાં કાર્યરત રહેતા હોવાથી સતત ઉત્પાદન પ્રક્રિયા જાળવવી અનિવાર્ય છે. ૧૨ કલાકની શિફ્ટ વિશ્વભરના સેમિકન્ડક્ટર ઉત્પાદન એકમોમાં સ્વીકૃત કાર્યપદ્ધતિ છે, જેનાથી શિફ્ટ બદલવાની સંખ્યા ઘટે છે, ક્લીનરૂમમાં પ્રવેશ ઓછો થાય છે અને અબજો રૂપિયાના મશીનોનો કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે છે.
સાણંદ પ્લાન્ટ અને ગુજરાતની સેમિકન્ડક્ટર ક્ષેત્રે સ્થિતિ:
માઇક્રોન ટેક્નોલોજીનો સાણંદ પ્લાન્ટ વૈશ્વિક નેટવર્ક માટે અત્યંત મહત્વપૂર્ણ છે. પ્રથમ તબક્કામાં ૫ લાખ ચોરસ ફૂટથી વધુ ક્લીનરૂમ વિસ્તાર આવરી લેવાશે, જે વિશ્વના સૌથી મોટા સિંગલ-ફ્લોર સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ ક્લીનરૂમ પૈકીનો એક હશે. વર્ષ ૨૦૨૬ દરમિયાન અહીં કરોડો ચિપ્સનું એસેમ્બલી-ટેસ્ટિંગ શરૂ થશે અને ૨૦૨૭ સુધીમાં ઉત્પાદન ક્ષમતા દર વર્ષે સેંકડો મિલિયન ચિપ્સ સુધી પહોંચશે.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે આ છૂટછાટ રાજ્યની ઔદ્યોગિક પ્રગતિ, નવી રોજગારી અને રાષ્ટ્રીય વ્યૂહાત્મક મહત્વ ધરાવતા ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સેમિકન્ડક્ટર નીતિ જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર થયેલા ૬ મોટા પ્રોજેક્ટ્સ ગુજરાતને મળ્યા છે, જેના દ્વારા અંદાજે ₹૧.૪૦ લાખ કરોડનું રોકાણ આવ્યું છે અને આશરે ૫૦,૦૦૦ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારીની તકો ઉભી થવાની અપેક્ષા છે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
