News of Wednesday, 19th August 2026
પોરબંદર જિલ્લામાં ઓછા વરસાદની સ્થિતિ સામે ‘સૌની યોજના’ દ્વારા તમામ ડેમ અને ૭ કિ.મી.ની ત્રિજ્યામાં આવતા તળાવો ભરાશે
ગાંધીનગર ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક : ઘેડ અને બરડા વિસ્તારના પાણી-સિંચાઈના પ્રોજેક્ટો સમયસર પૂર્ણ કરવા તાકીદ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: પોરબંદર જિલ્લામાં ચાલુ વર્ષ ૨૦૨૬ના નબળા ચોમાસાને કારણે ઓછો વરસાદ નોંધાતા આગામી સમયમાં પીવાના પાણીની સમસ્યા નિવારવા તથા સિંચાઈ અને પાણી પુરવઠાના પ્રશ્નોના કાયમી-ઝડપી ઉકેલ માટે ગાંધીનગર ખાતે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જળસંપત્તિ, સિંચાઈ, શહેરી વિકાસ અને પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
સૌની યોજનાના નેટવર્કથી ડેમો અને તળાવો ભરાશે:
ચાલુ વર્ષના નબળા ચોમાસાને ધ્યાને રાખીને પોરબંદર જિલ્લાના તમામ ડેમો, સિંચાઈ યોજનાઓ અને તળાવોને 'સૌની યોજના' મારફત ભરવા માટે સૂચના આપવામાં આવી છે. હયાત સૌની યોજનાના નેટવર્કને અપગ્રેડ કરી તેની ૭.૦ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા તમામ તળાવો અને ડેમો પાણીથી ભરી દેવા માટે વિભાગને ચોક્કસ આયોજન હાથ ધરવા જણાવાયું છે. કટોકટીના સમયે સૌની નેટવર્કથી ઈનટેક સ્ટ્રક્ચર સુધી જરૂરી એપ્રોચ ચેનલના કામો પણ ઈમરજન્સી ધોરણે પૂર્ણ કરવા આદેશ અપાયા છે.
ઘેડ અને બરડા વિસ્તારના પ્રોજેક્ટોનું માઇક્રો પ્લાનિંગ:
બેઠકમાં પોરબંદર જિલ્લાના ઘેડ વિસ્તાર માટે ફેઝ-૧ અંતર્ગત પ્રગતિ હેઠળના કામો અને ફેઝ-૨માં સમાવિષ્ટ કામગીરીનું માઇક્રોલેવલ પ્લાનિંગ કરી બિનજરૂરી વિલંબ વગર કામો સમયસર પૂર્ણ કરવા તાકીદ કરાઈ છે. બરડા વન વિસ્તારમાં આવેલી દિપડાઝર સિંચાઈ યોજના માટે જમીન તબદીલીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા અને સરમણી સિંચાઈ યોજના માટે વન વિભાગ સાથે સંકલન સાધીને કામગીરી સત્વરે શરૂ કરવા સૂચના અપાઈ છે.
સોરઠી અને સુકાળા તળાવ પ્રોજેક્ટ સહિતના અન્ય મહત્વના નિર્ણયો:
અડવાણા ગામ પાસેની સોરઠી સિંચાઈ યોજના ઓવરફ્લો થવાથી નદીમાં વહી જતા પાણીને પાઈપલાઈનના માધ્યમથી નજીકની અડવાણા સિંચાઈ યોજનામાં સંગ્રહ કરવા પાઈપલાઈન પ્રોજેક્ટની શક્યતાઓ ચકાસી સમયસર આયોજન કરવા જણાવાયું છે. આ ઉપરાંત પોરબંદર શહેરી વિસ્તારમાં આવેલા સુકાળા તળાવની ઊંડાણ અને પહોળાઈ વધારી જળસંગ્રહ ક્ષમતા વધારવા તથા એરપોર્ટ વિસ્તૃતિકરણ હેઠળ આવતા વિસ્તારના ડ્રેઈન-કાંસના કામો ઝડપથી પૂરા કરવા આદેશો અપાયા છે. તમામ વિભાગો પરસ્પર સંકલન રાખીને કામ કરે જેથી ગ્રામીણ કે શહેરી વિસ્તારના એક પણ નાગરિકને પીવાના કે ખેડૂતને સિંચાઈના પાણીની તકલીફ ન પડે તે સુનિશ્ચિત કરવા મંત્રીઓએ સ્પષ્ટતા કરી હતી.
(5:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
