તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th August 2026
ઉત્તર ગુજરાતના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો સંવેદનશીલ નિર્ણય : ૨૦ ઓગસ્ટથી સુજલામ સુફલામ યોજના અંતર્ગત સિંચાઈનું પાણી છોડાશે
અમેરિકા પ્રવાસેથી જ મુખ્યમંત્રીએ સ્થિતિની ગંભીરતા સમજી સિંચાઈ વિભાગને આપ્યા આદેશ : વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની રજૂઆત બાદ ત્વરિત કદમ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ઉત્તર ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન ન થાય અને સમયસર સિંચાઈનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. હાલ અમેરિકાના પ્રવાસે ગયેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ટેલિફોનિક સંપર્ક સાધીને ઉત્તર ગુજરાતના ખેડૂતોની સ્થિતિ અંગે લાગણીસભર રજૂઆત કરી હતી અને સુજલામ સુફલામ યોજના અંતર્ગત સિંચાઈ માટે તાત્કાલિક પાણી ઉપલબ્ધ કરાવવા અનુરોધ કર્યો હતો.
અમેરિકાથી જ ઉચ્ચ અધિકારીઓને આપ્યા નિર્દેશો:અમેરિકા પ્રવાસે હોવા છતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પરિસ્થિતિની ગંભીરતા અને ખેડૂતોના હિતને સર્વોપરી રાખીને ત્વરિત પ્રતિસાદ આપ્યો હતો. તેમણે વિધાનસભા અધ્યક્ષ તથા કૃષિ મંત્રીને ખેડૂતો માટે પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી. આ ખાતરીને પગલે મુખ્યમંત્રીએ વિદેશથી જ સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક ધોરણે જરૂરી નિર્દેશો આપ્યા હતા.
ઉત્તર ગુજરાતના ઊભા પાકને મળશે સંજીવની:સરકારના આ નિર્ણય અંતર્ગત સુજલામ સુફલામ યોજના હેઠળ ઉત્તર ગુજરાતના વિસ્તારમાં તા. ૨૦ ઓગસ્ટથી સિંચાઈ માટેનું પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ સત્વરે લેવાયેલા નિર્ણયથી ઉત્તર ગુજરાતના હજારો ખેડૂતોને મોટી રાહત મળશે અને તેમના પાકને સમયસર પાણી મળતાં આર્થિક નુકસાન થતું અટકશે. આ ત્વરિત નિર્ણય બદલ વિધાનસભા અધ્યક્ષ તથા કૃષિ મંત્રીએ ઉત્તર ગુજરાતના ખેડૂતો વતી મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
