<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય : વિદેશ અભ્યાસ લોન યોજનાની આવક મર્યાદા રૂ. ૬ લાખથી વધારી રૂ. ૧૦ લાખ કરાઈ

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મધ્યમ વર્ગને મોટી રાહત : સામાજિક ન્યાય મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને રાજ્ય મંત્રી ડૉ. મનીષાબેન વકીલના નેતૃત્વમાં નિર્ણય : વધુ વિદ્યાર્થીઓ મેળવી શકશે શૈક્ષણિક સહાય

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાની ઈચ્છા ધરાવતા ગુજરાતના બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે મહત્વનો અને પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ હેઠળ અમલમાં રહેલી ‘વિદેશ અભ્યાસ લોન યોજના’ અંતર્ગત પરિવારની વાર્ષિક આવકની મહત્તમ મર્યાદા અગાઉના રૂ. ૬ લાખથી વધારીને રૂ. ૧૦ લાખ કરવામાં આવી છે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તેમજ રાજ્ય મંત્રી ડૉ. મનીષાબેન વકીલના નેતૃત્વ હેઠળ વિભાગ દ્વારા આ સુધારો જાહેર કરવામાં આવ્યો છે.

 

વાર્ષિક આવક મર્યાદામાં રૂ. ૪ લાખનો વધારો:

વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે જતાં વિદ્યાર્થીઓને ફી, રહેવા અને જમવા સહિતના ખર્ચાઓ પૂરા કરવા માટે શૈક્ષણિક લોન આર્થિક ટેકો પૂરો પાડે છે. આ યોજનામાં અગાઉ કૌટુંબિક આવક મર્યાદા રૂ. ૬ લાખ નક્કી કરાઈ હતી, જેના કારણે અનેક મધ્યમ વર્ગીય પરિવારના વિદ્યાર્થીઓ સહાય મેળવવાથી વંચિત રહી જતા હતા. સરકારે આ આવક મર્યાદામાં રૂ. ૪ લાખનો સીધો વધારો કર્યો છે, જેથી હવે રૂ. ૧૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારના વિદ્યાર્થીઓ પણ આ યોજના હેઠળ લોન મેળવવા પાત્ર બનશે.

 

વૈશ્વિક શિક્ષણ અને યુવાનોની કારકિર્દીને મળશે વેગ:

આ નિર્ણયનો મુખ્ય હેતુ મધ્યમ આવક ધરાવતા પરિવારોના તેજસ્વી વિદ્યાર્થીઓ નાણાકીય કે આવક મર્યાદાના કારણે વિદેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં ભણવાની તક ગુમાવે નહીં તે સુનિશ્ચિત કરવાનો છે. વિદેશમાં ઉચ્ચ શિક્ષણથી વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ, આધુનિક ટેક્નોલોજી અને સંશોધનનો અનુભવ મળશે, જે તેમની કારકિર્દીને નવી ઊંચાઈ આપશે તેમજ ભવિષ્યમાં દેશ અને ગુજરાતના વિકાસમાં યોગદાન આપવા સક્ષમ બનાવશે.

(6:10 PM IST)