News of Wednesday, 19th August 2026
રાજ્યની તમામ 728 આશ્રમશાળાઓને શિક્ષણ વિભાગ હેઠળ આવશે
ગુજરાત હાઈકોર્ટે આ પહેલને બિરદાવતા આદિવાસી વિસ્તારોમાં ધોરણ 10થી 12માં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા GSLSAને ગ્રાઉન્ડ સર્વેનો આદેશ આપ્યો: ધોરણ 1થી 8ના બાળકોને RTEનો લાભ મળશે અને કોઈ શિક્ષકને હટાવાશે નહીં

અમદાવાદ :રાજ્યમાં છેવાડાના અને વંચિત આદિવાસી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા માટે ગુજરાત સરકારે ઐતિહાસિક કવાયત હાથ ધરી છે. ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે તમામ આશ્રમશાળાઓને શિક્ષણ વિભાગ હેઠળ લાવવાની તૈયારી દર્શાવી છે. આશ્રમશાળાઓને શિક્ષણ વિભાગની શાળાઓને લાગુ પડતા વૈધાનિક નિયમો મુજબ નિયમિત કરવામાં આવશે. આ મામલે સચિવ સ્તરે સૈદ્ધાંતિક નિર્ણય લેવાઈ ચૂક્યો છે અને હાઈ પાવર કમિટીની ભલામણો પર હવે મંત્રી સ્તરે અંતિમ મહોર લાગશે. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવા માટે રાજ્ય સરકારે હાઈકોર્ટ પાસે વધુ સમયની માંગણી કરી છે.
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આદિવાસી વિદ્યાર્થીઓમાં પ્રાથમિક શિક્ષણ બાદ તેમજ ધોરણ 10થી 12માં વધતા ડ્રોપઆઉટ રેશિયો અંગે ઊંડી ચિંતા વ્યક્ત રી હતી. વિદ્યાર્થીઓ અભ્યાસ કેમ અધૂરો છોડે છે તેના ચોક્કસ કારણો શોધવા હાઈકોર્ટે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ (GSLSA)ના સભ્ય સચિવને ખાસ નિર્દેશ આપ્યો છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (DLSA)ના સચિવો અને પેરા લીગલ વોલન્ટિયર્સ (PLVs) મારફતે ગ્રાઉન્ડ લેવલ પર અભ્યાસ કરી ટૂંક સમયમાં અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. આ વોલન્ટિયર્સ વાલીઓનો સંપર્ક કરીને બાળકોને પુનઃ શિક્ષણ સાથે જોડશે.
રાજ્ય સરકારના શૈક્ષણિક સુધારાના અભિગમને ગુજરાત હાઈકોર્ટે બિરદાવ્યો હતો. રાજ્યના એડિશનલ એડવોકેટ જનરલ મનીષા લવકુમાર શાહે કોર્ટને ખાતરી આપી હતી કે, આશ્રમશાળાઓના રિસ્ટ્રક્ચરિંગ દરમિયાન કોઈ પણ શિક્ષકને નોકરીમાંથી દૂર કરવામાં આવશે નહીં. આ ઉપરાંત શાળાઓમાં મકાનો, નવીન વર્ગખંડો, શિક્ષકોની ભરતી અને આધુનિક માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર વધારો કરવામાં આવશે.
રાજ્યમાં કાર્યરત કુલ 728 આશ્રમશાળાઓ પૈકી 457 આશ્રમશાળાઓ આદિજાતિ વિકાસ વિભાગ, 167 શાળાઓ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ 85 શાળાઓ અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ વિભાગ હેઠળ સંચાલિત છે. નવા નિયમો હેઠળ ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને રાઇટ ટુ એજ્યુકેશન (RTE)નો સીધો લાભ મળશે. આ કેસની હવે પછીની વધુ સુનાવણી 3 સપ્ટેમ્બર, 2026ના રોજ નિયત કરવામાં આવી છે.
(9:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
