News of Wednesday, 19th August 2026
હિંમતનગરમાં બાળ તસ્કરીના કેસમાં પાંચ આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજુર
પૂછપરછમાં દલાલ મહિલાએ અગાઉ 12 બાળકો વેચ્યાનો ખુલાસો:પોશીનાની એક માસની બાળકીનો મુંબઈમાં રૂ.1.50 લાખમાં સોદો કરાયો:હાલ બાળકી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં તબીબી તપાસ હેઠળ :બે આરોપીઓની શોધખોળ ચાલુ

સાબરકાંઠાના હિંમતનગરમાં બાળ તસ્કરીના મામલે પોલીસે ઝડપેલા પાંચ આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. હિંમતનગર રૂરલ પોલીસે નોંધેલા ગુનામાં કુલ સાત આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાંથી પાંચ આરોપીઓની ધરપકડ કરી તેમને 11 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. જ્યારે હજુ બે આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પોશીનાની એક બાળકીને વેચવા માટે લઈ જતી વખતે ટોળકી ઝડપાઈ હતી. આ કેસમાં એક માસની બાળકીનો મુંબઈમાં રૂ.1.50 લાખમાં સોદો કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. સમગ્ર મામલો સામે આવતા પોલીસ દ્વારા બાળકીની સુરક્ષા અને તબીબી તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ બાળકી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં તબીબી તપાસ હેઠળ છે.
આરોપીઓની પૂછપરછ દરમિયાન બાળ તસ્કરી સાથે જોડાયેલી વધુ ગંભીર વિગતો સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, ટોળકીમાં સામેલ દલાલ મહિલાએ અગાઉ પણ 12 બાળકો વેચ્યા હોવાનો ખુલાસો થયો છે. આ ખુલાસા બાદ પોલીસ દ્વારા સમગ્ર નેટવર્કની તપાસ વધુ તેજ કરવામાં આવી છે. અગાઉ કયા બાળકોને અને કોને વેચવામાં આવ્યા હતા તે સહિતની વિગતો મેળવવા માટે આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
હિંમતનગર રૂરલ પોલીસની કાર્યવાહી દરમિયાન પોશીના, રાજસ્થાન અને બનાસકાંઠા સાથે સંકળાયેલા આરોપીઓ ઝડપાયા છે. કુલ સાત આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાંથી પાંચ આરોપીઓ હાલ પોલીસ પકડમાં છે. જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓના મોબાઇલ, સંપર્કો અને બાળ તસ્કરીના સંભવિત નેટવર્ક અંગે પણ તપાસ હાથ ધરી છે.
11 દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપીઓ પાસેથી બાળ તસ્કરીના સમગ્ર નેટવર્ક અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરશે. ખાસ કરીને અગાઉ વેચાયેલા 12 બાળકો, મુંબઈમાં બાળકીના સોદા અને અન્ય સંડોવાયેલા લોકો અંગે તપાસ કરવામાં આવશે. સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને અગાઉ આવી ઘટનાઓ બની છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ આગળ વધારી રહી છે.
(9:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
