તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th August 2026
ગુજરાત સરકારના પંચાયત વિભાગ દ્વારા 30 તાલુકા વિકાસ અધિકારીની બદલીના હુકમ :8 નવા અધિકારીઓને નિમણૂક
શિહોરના TDO મૌસમસિંહ રાવને શિહોર ખાતે જ યથાવત રખાયા :GPSC દ્વારા પસંદ થયેલા 8 નવા અધિકારીઓને લીમખેડા, શિહોર, માંડલ, વડાલી, માલપુર, ઉના, નિઝર અને રાજકોટ સહિતના વિવિધ તાલુકાઓમાં સીધી નિમણૂક

ગાંધીનગર :પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે તાલુકા વિકાસ અધિકારી (TDO) સંવર્ગમાં મોટાપાયે વહીવટી ફેરફાર કર્યો છે. વિભાગ દ્વારા તા.19 ઑગસ્ટ, 2026ના રોજ જાહેર કરાયેલા આદેશ મુજબ 30 તાલુકા વિકાસ અધિકારીઓની તાલુકાકક્ષાએ બદલી કરવામાં આવી છે
સરકારે જારી કરેલા આદેશ મુજબ વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા TDOને અન્ય તાલુકાઓમાં ખસેડવામાં આવ્યા છે. તેમાં ભાવનગર, નવસારી, પાટણ, બનાસકાંઠા, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, વડોદરા સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. કેટલાક અધિકારીઓની બદલી ‘જાહેર હિતમાં’, જ્યારે કેટલાકની ‘સ્વવિનંતી’ના આધારે કરવામાં આવી છે. આ સાથે અગાઉના તા.10 જુલાઈના આદેશમાં કરવામાં આવેલા ફેરફારમાં પણ સુધારો કરાયો છે. શિહોરના તાલુકા વિકાસ અધિકારી મૌસમસિંહ રાવને તાલુકા વિકાસ અધિકારી શિહોર, ભાવનગર તરીકે યથાવત રાખવામાં આવ્યા છે.
ગુજરાત જાહેર સેવા આયોગની જાહેરાત ક્રમાંક 30/2022-23 અંતર્ગત સીધી ભરતીથી પસંદ થયેલા 8 ઉમેદવારોને તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી છે. આ અધિકારીઓને રાજ્યના વિવિધ તાલુકાઓમાં પોસ્ટિંગ અપાયું છે. નવા નિમણૂક પામેલા અધિકારીઓમાં તાલુકા વિકાસ અધિકારી લીમખેડા, શિહોર, માંડલ, વડાલી, માલપુર, ઉના, નિઝર અને રાજકોટ જેવા તાલુકાઓમાં નિમણૂક કરાયેલા અધિકારીઓનો સમાવેશ થાય છે. આ અધિકારીઓને નિયત શરતો અને પરીક્ષાકાળના નિયમો હેઠળ ફરજ બજાવવાની રહેશે.
બદલી પામેલા અધિકારીઓને તેમના સંબંધિત નિયંત્રક અધિકારીઓ દ્વારા હાલની ફરજમાંથી તાત્કાલિક મુક્ત કરી નવી નિમણૂકના સ્થળે હાજર થવા માટે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જ્યારે સીધી ભરતીથી નિમણૂક પામેલા અધિકારીઓએ પણ નિયત સ્થળે હાજર થઈ તાલુકા વિકાસ અધિકારી તરીકે કામગીરી સંભાળવાની રહેશે. સરકારના આ વહીવટી ફેરફારથી અનેક તાલુકાઓમાં TDOના ચાર્જ અને સ્થાનિક ગ્રામ વિકાસની કામગીરીમાં ફેરફાર થશે. ખાસ કરીને ગ્રામ વિકાસ યોજનાઓ, પંચાયતની કામગીરી, વિકાસલક્ષી કામોની દેખરેખ અને સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણમાં નવા અધિકારીઓની જવાબદારી મહત્વની રહેશે.
(9:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
