હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જીઆઈડીસી અંકલેશ્વર રીજીયનના ૧૭૪ ઉદ્યોગકારો અને ૨૬૦ કર્મચારીઓને પારદર્શક ઓનલાઈન ડ્રો દ્વારા રહેણાંક પ્લોટની ફાળવણી : વર્ષોથી પડતર પ્રશ્નનો ઉકેલ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ભરૂચ મુલાકાતના ગણતરીના દિવસોમાં જ ત્વરિત નિર્ણય : અંકલેશ્વર, ઝઘડિયા અને પાનોલી વસાહતના ઉદ્યોગકારોને ૧૨૫, ૧૫૦ તથા ૨૦૦ ચો.મી.ના પ્લોટ મળ્યા

અંકલેશ્વર: રાજ્યમાં ઉદ્યોગો અને કર્મચારીઓના કલ્યાણ માટે કાર્યરત રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ અને હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અંકલેશ્વર વસાહતની મુલાકાત દરમિયાન થયેલી રજૂઆતને પગલે, વર્ષ ૨૦૧૮થી પડતર રહેલી રહેણાંક પ્લોટની ફાળવણીનો માત્ર ગણતરીના દિવસોમાં જ સુખદ ઉકેલ લાવી દેવામાં આવ્યો છે. જીઆઈડીસી દ્વારા પારદર્શક ઓનલાઈન ડ્રો સોફ્ટવેરના માધ્યમથી કુલ ૧૭૪ ઉદ્યોગકારો તેમજ નિગમના ૨૬૦ અધિકારી-કર્મચારીઓને રહેણાંક પ્લોટની ફાળવણી કરવામાં આવી છે.
૧૭ ઓગસ્ટે કરાયેલી રજૂઆત પર તાત્કાલિક પગલાં:
અંકલેશ્વર વસાહત ખાતે રહેણાંક પ્લોટ મેળવવા માટે ઉદ્યોગકારો દ્વારા વર્ષ ૨૦૧૮માં ઓનલાઈન અરજીઓ કરવામાં આવી હતી, જે લાંબા સમયથી નિર્ણય અર્થે પડતર હતી. ગત તા. ૧૭.૦૮.૨૦૨૬ના રોજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અંકલેશ્વર વસાહતની લીધેલી મુલાકાત દરમિયાન વસાહત મંડળ દ્વારા આ પડતર અરજીઓના નિકાલ અર્થે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ગંભીરતાથી લઈ નાયબ મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક ધોરણે હકારાત્મક નિર્ણય લેવા સૂચના આપવામાં આવી હતી.
પારદર્શક ઓનલાઈન ડ્રો દ્વારા પ્લોટ ફાળવણી:
નિગમમાં સેવા આપતા ૨૬૨ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની રહેણાંક પ્લોટ ફાળવણી અંગેની રજૂઆત પણ લાંબા સમયથી વિચારણા હેઠળ હતી. આ સમગ્ર પ્રક્રિયાને વેગ આપીને તા. ૧૯.૦૮.૨૦૨૬ના રોજ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત મંડળના પ્રતિનિધિઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ઓનલાઈન ડ્રો સોફ્ટવેર દ્વારા અત્યંત પારદર્શક પદ્ધતિથી પ્લોટ ફાળવણી કરવામાં આવી હતી. નિગમની નીતિ મુજબ પાત્રતા ધરાવતા અંકલેશ્વર, ઝઘડિયા અને પાનોલી વસાહતના કુલ ૧૭૪ ઉદ્યોગકારોને તેમની શ્રેણી મુજબ ૧૨૫, ૧૫૦ તથા ૨૦૦ ચોરસ મીટર ક્ષેત્રફળના રહેણાંક પ્લોટ ફાળવવામાં આવ્યા છે. તે ઉપરાંત પાત્રતા ધરાવતા ૨૬૦ અધિકારીઓ અને કર્મચારીઓને પણ નિયત વિસ્તાર મુજબ રહેણાંક પ્લોટ ફાળવાયા છે.
૪૦૦ હેક્ટરમાં અત્યાધુનિક રેસિડેન્શિયલ ઝોન:
જીઆઈડીસી દ્વારા અંકલેશ્વર વસાહતમાં અંદાજિત ૪૦૦ હેક્ટર વિસ્તારમાં સુવ્યવસ્થિત ‘રેસિડેન્શિયલ ઝોન’ વિકસાવવામાં આવ્યો છે. આ વિસ્તારમાં પીવાનું શુદ્ધ પાણી, ગુણવત્તાયુક્ત રસ્તા, સ્ટ્રીટ લાઈટ્સ, વરસાદી પાણીના નિકાલ માટે વરસાદી ગટર તેમજ સીવેજ ગટર જેવી તમામ અત્યાધુનિક પાયાની આંતરમાળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વર્ષો જૂની માંગણીનો ત્વરિત ઉકેલ આવતાં સ્થાનિક ઉદ્યોગકારો તેમજ જીઆઈડીસી પરિવારમાં આનંદ વ્યાપી ગયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
