હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પત્નીની ભૂલને કારણે પતિની નોકરી છૂટી જાય, તો પત્ની ભરણપોષણ મેળવવા હક્કદાર નથી
પતિની કંપનીને પક્ષકાર બનાવી નોટિસ મોકલતા પતિએ દુબઈની નોકરી ગુમાવવી પડી હતી : ૧૭ વર્ષના લગ્નજીવન બાદ અલગ થયેલા દંપતીના કેસમાં ફેમિલી કોર્ટનો ચુકાદો

અમદાવાદ,તા.૨૧: પત્નીની ભૂલ કે અયોગ્ય પગલાંને કારણે જો પતિની નોકરી જતી રહે અને તે બેરોજગાર બની જાય તો પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટે પત્ની હક્કદાર રહેતી નથી તેવો એક અત્યંત મહત્ત્વનો અને સંવેદનશીલ ચુકાદો અમદાવાદની પ્રિન્સિપલ ફેમિલી કોર્ટે આપ્યો છે. કોર્ટે અરજદાર પત્નીની ભરણપોષણની અરજી નામંજૂર કરી છે. અલબત્ત, ૧૩ વર્ષની સગીર પુત્રીના ઉછેર અને અભ્યાસ માટે પતિને માસિક ૧૦,૦૦૦ ચૂકવવાનો હુકમ કર્યો છે. નોંધનીય છે કે, પતિની કંપનીને પક્ષકાર બનાવી નોટિસ મોકલતા પતિએ દુબઈની લાખોના પગારની નોકરી ગુમાવવી પડી હતી.
કેસની વિગતો મુજબ, શાહપુર ખાતે રહેતી મીના અને ઝેન ટાવરમાં રહેતા મનિષ ઠાકોરે(નામ બદલેલ છે) વર્ષ ૨૦૦૬માં રાયપુર સ્થિત આર્ય સમાજ મંદિરમાં પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને ૧૩ વર્ષની પુત્રી છે. પતિ મનિષ દુબઈ ખાતે આવેલી 'Alderley FZE' નામની બહુરાષ્ટ્રીય કંપનીમાં બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે ઉચ્ચ હોદા પર નોકરી કરતા હતા અને તેમનો માસિક પગાર આશરે રૂ.૪.૪૨ લાખથી ૭ લાખ જેટલો હતો. જોકે, સમય જતા પતિ-પત્ની વચ્ચે મનમેળ ન હતો. જેથી મીના પિયર જતી રહી હતી. વર્ષ ૨૦૨૩માં પત્ની મીનાએ ફેમિલી કોર્ટમાં ભરણપોષણની અરજી દાખલ કરી પોતાના અને પુત્રી માટે માસિક બે લાખ રૂપિયાના ભરણપોષણની માગ કરી હતી. પત્નીએ આક્ષેપ કર્યો હતો કે પતિ દારૂની કૂટેવ ધરાવે છે, શારીરિક-માનસિક ત્રાસ આપે છે અને ઘરખર્ચ આપતા નથી.
પતિ તરફે એડવોકેટ રોનક પટેલે કોર્ટ સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, પત્નીના તેના કોલેજ કાળના મિત્ર સાથે લગ્નેતર સંબંધો હતા, જેના કારણે તે અવારનવાર દીકરીને લઈને ભારત આવી જતી હતી. પત્નીએ ભરણપોષણની અરજીમાં પતિની દુબઈ સ્થિત કંપનીને પણ સામાવાળા-પક્ષકાર તરીકે જોડી દીધી હતી. કોર્ટની નોટિસ કંપનીના હેડ-CEOને મળતા, કંપનીની છબી ખરડાવાને કારણે પતિને નોકરીમાંથી બરતરફ કર્યા હતા.
‘‘પત્નીએ મૂકેલા દહેજ કે ત્રાસના આક્ષેપો અંગે કોઈ યોગ્ય પુરાવા રજૂ કર્યા નથી'
કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, અરજદાર પત્નીએ ભરણપોષણના કેસમાં પતિની કંપનીને પક્ષકાર તરીકે જોડીને નોટિસ બજાવતા પતિએ સારી નોકરી ગુમાવવી પડી છે. પત્નીની જ કસૂર અને અયોગ્ય કાર્યવાહીને કારણે પતિ બેરોજગાર બન્યા છે. વળી, પત્નીએ પતિ પર મૂકેલા દહેજ કે ત્રાસના આક્ષેપો અંગે કોઈ યોગ્ય પુરાવા રજૂ કર્યા નથી અને પત્ની વગર કોઈ વાજબી કારણે પતિથી અલગ રહે છે. આ સંજોગોમાં પત્ની પોતાના માટે ભરણપોષણ મેળવવા હક્કદાર ઠરતી નથી. પતિ હાલ બેરોજગાર હોવા છતાં, સગીર પુત્રી પ્રત્યેની પિતૃત્ત્વની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે નહીં. આથી કોર્ટે પત્નીની ભરણપોષણની માગણી નામંજૂર કરી હતી અને સગીર પુત્રી માટે અરજી કર્યાની તારીખથી માસિક ૧૦,૦૦૦ ચૂકવવાનો આખરી હુકમ કર્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
