<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

મા જ ઘર હતી અને ઘરમાં મા હતી... હવે એ સત્‍ય ભૂતકાળ બની ગયુ

મા મૌન થઈ ગઈ અને હું અવાચક !અડધા રોટલામાંથી પણ અડધો જરૂરિયાતમંદને આપનારી અન્નપૂર્ણાની હૃદયસ્‍પર્શી સ્‍મૃતિ

પગમાં સોજા આવ્‍યા. દવા લીધી. સોજા ઘટી પણ ગયા, પરંતુ ભૂખ લાગતી ન હતી. અશક્‍તિને નાથવા અમે એમને હોસ્‍પિટલ લઈ ગયા. એમને સારું પણ લાગ્‍યું. કિડની, લીવર અને ફેફસાના રિપોર્ટ શરૂઆતમાં સારા ન હતા, પરંતુ શનિવારે સાંજે આઈસીયુમાં હતા ત્‍યારે બધા રિપોર્ટ સારા પણ આવી ગયા. માના મુખ પર ફરી પેલો હસતો ચહેરો આવી ગયો હતો.

પરિવારના બધા સભ્‍યો સાથે તેમણે સંતોષ અને પરમ આનંદ સાથે વાતો પણ કરી. ‘‘તમે બધા ત્રણ-ચાર દિવસથી થાક્‍યા છો, આજે નિરાંતે સૂઈ જજો,'' એવું પણ કહ્યું. અને રાતના ૧:૨૪ના ટકોરે, આઈસીયુમાં ડોક્‍ટરો સામે જ બેઠા હતા અને એણે એક જ સેકન્‍ડમાં જીવ છોડી દીધો. માનું હૃદય બંધ થયું અને મારા વિચારો પણ જાણે ત્‍યાં જ અટકી ગયા. શૂન્‍યમનસ્‍ક સ્‍થિતિ! નિયતિએ ફરી એકવાર મને સમજાવી દીધું કે શિવ જ સત્‍ય છે. જીવ તો પરમપિતા પરમેશ્વર પાસે પામર માત્ર છે.

હા, આ ઘટનામાં એટલું વિશેષ સમજાયું કે મા અગિયારસની જ રાહ જોઈ રહી હતી અને વિજ્ઞાન કોઈ કારણની ! ડોક્‍ટર મિત્ર અને તેમની ટીમે દીકરા જેવા પ્રયત્‍નો કર્યા, પણ આયુષ્‍યની દવા હજી ક્‍યાં શોધાઈ છે? મા મૌન થઈ ગઈ અને હું અવાચક!

સગાં-સંબંધીઓની સતત સંવેદના ફોન પર આવતી રહી અને હું સ્‍મરણોમાં ખોવાતો ગયો. મારા ગામનો સીંગદાણા વેચવાવાળો પણ ફોન પર ધ્રુસકે ને ધ્રુસકે રડ્‍યો. ‘‘તમારા બા મારું ધ્‍યાન બહુ રાખતા.'' મેં એને પૂછ્‍યું કે શું ધ્‍યાન રાખતા? તો કહે, ‘‘મેં ખાધું ન હોય અને હું એમને કહું એટલે જમવાનું પણ આપી દે.''

ઘરની શેરી વાળવાવાળી બહેને પણ ફોનમાં કહ્યું, ‘‘તમારી બાએ જરૂર પડી ત્‍યારે મને બહુ મદદ કરી.'' અને એટલે જ આજે ચોખ્‍ખું જીવવાનો ગર્વ મને લાગે છે.

આવા અનેક લાગણીભર્યા શબ્‍દોમાં જે ભાવ મારી નજર સામે ઉભરતો રહ્યો એ હતો કે મારી માએ પોતાના અડધા રોટલામાંથી પણ જરૂર પડે અડધો રોટલો એવા જરૂરિયાતમંદ લોકોને આપ્‍યો છે, જેમના માટે ભૂખથી પણ ભૂંડી ભીખ હતી.

ગામના કેટલાય અજાણ્‍યા પ્રવાસીઓને એણે જમાડ્‍યા છે. જાણીતા તો જમે જ, પરંતુ અતિથિ જમે ત્‍યારે એના ચહેરા પર જાણે ભગવાન પધાર્યાનો ભાવ પ્રગટી જતો.

વર્ષ ૨૦૦૦માં બા અને બાપુજી અમદાવાદ આવી ગયા. અહીં આવ્‍યા પછી એક દિવસ બપોરે કોઈ કામથી હું ઘરે આવ્‍યો ત્‍યારે એ બિલ્‍ડિંગમાં નીચે ઊભી હતી. મેં પૂછ્‍યું, ‘‘કેમ નીચે ઊભી છો?'' એણે કહ્યું, ‘‘કોઈ મળે તો ઉપર જઈને ચા બનાવીને સાથે પીએ!''

મેં કહ્યું, ‘‘આ અમદાવાદ છે. અહીં અજાણ્‍યાને ચા પીવડાવવાની વાત કરીશ તો એ પણ જુદું સમજશે અને તારી સારી ભાવનાને પણ કદાચ સમજી નહીં શકે.'' પરંતુ જીવ પાકો ભજનનો એટલે ભજનવાળા બહેનોને એણે શોધી કાઢ્‍યા. અને પછી તો ભજન અને ભોજનના પ્રસાદને વહેંચવામાં જ પોતાની આખી જિદગી વ્‍યસ્‍ત રાખી.

મને ઘણી વખત વિચાર આવતો કે ધર્મભાવનાની કેટલી મોટી અસર મનુષ્‍યના મન પર થતી હશે કે વ્‍યક્‍તિ, વ્‍યક્‍તિ મટીને માત્ર સમષ્ટિની જ ચિંતામાં રહે!

મા એ પ્રાર્થના ખરા અર્થમાં જીવી ગઈ હતી ‘‘સૌનું કરો કલ્‍યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્‍યાણ; કોઈ કોઈનું બૂરું ન ઇચ્‍છે, રહે બધું સમાન; દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્‍યાણ.''

એક સમયે મારું મન અશાંત પણ થઈ જતું કે પોતાના સંતાનો કે એમના સંતાનોની પણ ચિંતા નહીં કરીને, અત્‍યારે કોઈને જરૂર છે તો આપી જ દેવાની આ વૃત્તિને શું કહેવાય? અડધામાંથી અડધું તો આપનારા જોયા છે, આ તો પૂરેપૂરું પણ આપી દે!

પેલા નગરશેઠની નવી પુત્રવધૂને હરાવી દેનારી ગામની ડોશી જેવી. નવરાત્રીમાં છેલ્‍લા નોરતે ગામની એ ડોશી માતાજીની આરતી માટે દાવેદારી કરે અને ગામના લોકો પણ એવું સ્‍વીકારી લે કે ડોશી જે ચડાવો બોલે પછી એની ઉપર કોઈ ન બોલે. ડોશી છેલ્‍લા નોરતે માની આરતી કરે.

નગરશેઠના ઘરે નાના દીકરાની નવી વહુ આવી. એ ડોશીની સામે ચડાવો બોલવા લાગી. ડોશીએ પણ જિદગીની બચતમાંથી બાદબાકી કરીને રકમ વધારવા માંડી. નવી વહુ માટે તો આ ચણા-મમરા હતા! તે પણ ઉછાળો વધુ ને વધુ બોલવા લાગી. છેલ્‍લે ડોશી બોલી, ‘‘મારો હવે પછીનો ચડાવો છેમારી પાસે જે કંઈ છે તે બધું જ!''

નગરશેઠની નવી વહુને આંચકો લાગ્‍યો. આવા શબ્‍દો તે ક્‍યાંથી બોલે? પોતાની પાસે જે કંઈ પણ હોય તે દાવ પર મૂકનારને કોણ હરાવી શકે?

 પપ્‍પાનો શિક્ષક તરીકેનો પગાર આવે અને મારી મા કહે કે, ‘‘આ વખતે આને પૈસા આપવા છે, કારણ કે એને આપણા કરતાં પણ વધારે જરૂરિયાત છે.'' ત્‍યારે મા અને બાપ વચ્‍ચે સ્‍પર્ધા એ થતી કે પહેલા ભણતા ગરીબ વિદ્યાર્થીની ફી ભરી એ બાળકને મદદ કરવી કે ગરીબ વિધવાના ચૂલાને પ્રગટાવવો?

મારી માના આ સ્‍વભાવના મૂળમાં જ્‍યારે જ્‍યારે મેં અંદર જોવાનો પ્રયાસ કર્યો છે ત્‍યારે એ વાત મને સમજાઈ છે કે પોતે મા વગરની હતી. નાની ઉંમરે જ નાનીમાનું અવસાન થયું હતું. કદાચ એટલે જ એને સૌની મા બનવાની, અન્નપૂર્ણા બનવાની ભગવાને આપેલી ભૂમિકા ભજવવામાં જ આનંદ અને સંતોષ થતો હતો. એના માટે પારકા કે પરાયા કોઈ હતા જ નહીં

એટલે જ તો લખપતિ બાપની દીકરી હોવા છતાં સરસ્‍વતીચંદ્ર જેવા મારા પિતાને પરણીને તેણે કોઈ અભાવની ક્‍યારેય ફરિયાદ કરી નહીં કે એ અભાવને પોતાના સ્‍વભાવમાં પણ આવવા દીધો નહીં.

મને આજના સંદર્ભમાં પણ એ વાત એટલી જ ગમે છે કે એના માટે સાસરું કે પિયરબંને સરખું મહત્‍વ ધરાવતા હતા. સમત્‍વ અદભુત હતું. એટલે જ કદાચ અમને અમારા કુટુંબ પ્રત્‍યેનો ભાવ પણ આદર્શ રહ્યો અને મોસાળ માટેનું મમત્‍વ પણ એટલું જ રોમાંચક રહ્યું.

કોઈએ બહુ સાચું કહ્યું છે કે માને સમજવાનો પ્રયત્‍ન ન કરાય, એની મમતાને જ અનુભવાય. અને એટલે જ એના પરલોકગમન પછી જ મેં એને સમજવાનો કે તેના વિશે લખવાનો આ પ્રયાસ કર્યો છે. એ હતી ત્‍યાં સુધી એના વિવિધ સ્‍વરૂપોને બસ જોતો જ રહ્યો છું.

ઓશોની એક વાત મા-બાપના સંદર્ભે મને સાચી જરૂર લાગી છે કે, મા-બાપના ગયા પછી આપણી પાસે માત્ર અફસોસ જ બચતો હોય છે. જોકે મારા કિસ્‍સામાં અફસોસ માત્ર એમના ન હોવાનો જ રહ્યો છે.

વર્ષ ૨૦૧૧માં પિતાજીને પેરાલિસિસ થયો અને વર્ષ ૨૦૧૬માં એમનું પરલોકગમન થયું. મા તો માત્ર પાંચ જ દિવસમાં કોઈ સેવા લીધા વિના અચાનક જ ચાલી ગઈ!

મા-બાપ વિશે વિચારતા એવું ચોક્કસ અનુભવાય છે કે એમના જેવા નિસ્‍વાર્થ અને નિસ્‍પૃહ તો આપણાથી નહીં બની શકાય. એ જુદી જ પ્રકૃતિના આત્‍મા હતા અને અમારું સૌભાગ્‍ય હતું કે આવા પરમ તત્ત્વના ઉપાસક પિતા-માતા અમને મળ્‍યા હતા.

મા-બાપનું ઋણ તો આજ સુધી કોણ ચૂકવી શક્‍યું છે કે આપણે એ દિશાનો વિચાર પણ કરવો? છેલ્‍લા ૨૦ વર્ષથી મારા ઘરને તાળું માર્યું ન હતું. કારણ માત્ર એક જ હતુંમા જ ઘર હતી અને ઘરમાં મા હતી.

સ્‍વાર્થને રડવા બેસીએ તો દરિયો ભરાય, પરંતુ આ શૂન્‍ય સ્‍થિતિએ એક વિચાર આવીને અટકી ગયો છે. વિદ્વાનો કહે છે કે એક બાળક જન્‍મે ત્‍યારે માનો પણ જન્‍મ થતો હોય છે. એવી જ રીતે માના અવસાન સમયે દીકરો પણ અંદરથી મરતો જ હોય છે.

હા, એ મૃત્‍યુ સ્‍થૂળ નથી. એ આંતરિક ચેતનાના એક અમૂલ્‍ય ભાગનું મૃત્‍યુ હોય છેજેના પરિણામને જગત સ્‍થિતપ્રજ્ઞતા કહેતું હોય છે. ૐ નમઃ શિવાય.

અડધા રોટલામાંથી પણ અડધો રોટલો આપનારી મા

મારી માએ પોતાના અડધા રોટલામાંથી પણ જરૂર પડે અડધો રોટલો એવા જરૂરિયાતમંદોને આપ્‍યો છે, જેમના માટે ભૂખથી પણ ભૂંડી ભીખ હતી. ગામના કેટલાય અજાણ્‍યા પ્રવાસીઓને જમાડ્‍યા. જાણીતા તો જમે જ, પરંતુ અતિથિ જમે ત્‍યારે એના ચહેરા પર જાણે ભગવાન પધાર્યા હોય એવો ભાવ પ્રગટી જતો. ભજન અને ભોજનના પ્રસાદને વહેંચવામાં જ તેણે આખી જિદગી વ્‍યસ્‍ત રાખી.

પોતે મા વગરની હતી, એટલે સૌની મા બની ગઈ

નાની ઉંમરે જ પોતાની માતાને ગુમાવવાને કારણે કદાચ એને સૌની મા બનવામાં, અન્નપૂર્ણા બનવામાં અને જરૂરિયાતમંદોની સેવા કરવામાં વિશેષ આનંદ મળતો હતો. પારકા કે પરાયા એના માટે કોઈ નહોતાં. લખપતિ બાપની દીકરી હોવા છતાં જીવનના અભાવોની કોઈ ફરિયાદ કરી નહીં અને સાસરું-પિયર બંને પ્રત્‍યે અદભુત સમત્‍વ જાળવ્‍યું.

૨૦ વર્ષથી ઘરને તાળું માર્યું ન હતું... કારણ કે મા જ ઘર હતી

છેલ્‍લા ૨૦ વર્ષથી મારા ઘરને તાળું માર્યું ન હતું. કારણ કે મા જ ઘર હતી અને ઘરમાં મા હતી. એક બાળક જન્‍મે ત્‍યારે માનો પણ જન્‍મ થાય છે; તેવી જ રીતે માના અવસાન સમયે દીકરો પણ અંદરથી ક્‍યાંક મરી જાય છે. એ મૃત્‍યુ સ્‍થૂળ નથી, પરંતુ આંતરિક ચેતનાના એક અમૂલ્‍ય ભાગનું હોય છેજેને જગત કદાચ સ્‍થિતપ્રજ્ઞતા કહે છે.

નિમેશ નવલભાઈ જોશી

ભાજપમાં છેલ્‍લા ૩૦ વર્ષથી મીડિયાની વિવિધ જવાબદારી સંભાળી રહ્યા છે. ભાજપના મુખપત્ર મનોગતનું સંપાદન છેલ્‍લા ૨૭ વર્ષથી એકલ પંડે કરી રહ્યા છે. પ્રત્‍યેક ૧૫ દિવસે આ મેગેઝિન ભાજપના તમામ સક્રિય કાર્યકર્તા (અંદાજે સવા લાખ )ને નિયમિત રીતે મળે છે. આજસુધી એક પણ અંક સમયસર ન બન્‍યો કે ન છપાયો એવું બન્‍યું નથી. થિન્‍ક ટેન્‍કના મહત્‍વના વ્‍યક્‍તિ પ્રખર અને સ્‍પષ્ટ વિચારોના આલેખક

મો. ૯૮૨૫૪૦૦૩૮૦

 

(10:35 AM IST)