<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

દિવ્યાંગજનોની ગતિશીલતા અને આત્મનિર્ભરતા માટે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : હવે રાજ્યમાં સાઇડકાર જોડાયેલી મોટર સાઇકલના રજીસ્ટ્રેશન તથા ફેરફારને મળશે સત્તાવાર મંજૂરી

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વાહન વ્યવહાર કમિશનરની કચેરીનો પરિપત્ર : મનો-દિવ્યાંગજનો માટે પણ સ્પષ્ટ જોગવાઈ અને સુરક્ષાના કડક નિયમો સાથે નવી વ્યવસ્થાનો અમલ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : ગુજરાતમાં શારીરિક અને મનો-દિવ્યાંગજનો માટે ગતિશીલતા અને સુરક્ષિત પરિવહનને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વાહન વ્યવહાર કમિશનરની કચેરીએ સાઇડકાર જોડાયેલી મોટર સાઇકલના રજીસ્ટ્રેશન અને તેમાં જરૂરી ફેરફાર કરવાની મંજૂરી આપતો પરિપત્ર જાહેર કર્યો છે. આ નવી વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગ વ્યક્તિઓને વધુ સલામત, સુગમ અને સન્માનપૂર્ણ ગતિશીલતા પૂરી પાડવાનો છે. રાજ્યની તમામ આરટીઓ અને એઆરટીઓ કચેરીઓને કેન્દ્ર સરકારની આ માર્ગદર્શિકાનું પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.

 

પરિપત્ર મુજબ, શારીરિક દિવ્યાંગજનો માટે કેન્દ્ર સરકારના ધોરણોને અનુસરીને સાઇડકાર સાથેની મોટર સાઇકલના રજીસ્ટ્રેશન અને તેમાં ફેરફારને મંજૂરી આપવામાં આવશે. આ પગલું દિવ્યાંગજનોના રોજિંદા જીવનમાં આવતી અવરજવરની મુશ્કેલીઓને ઘટાડશે અને તેમને વધુ આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થશે. સાઇડકારના ઉપયોગથી દિવ્યાંગ વ્યક્તિઓ પોતાની દૈનિક જરૂરિયાતોને વધુ સરળતાથી પૂર્ણ કરી શકશે.

 

આ આયોજનમાં મનો-દિવ્યાંગજનો માટે પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે. આ પ્રકારના વાહનો માટે માલિકી, વાલીપણા, વાહનચાલકની યોગ્યતા, અને કાયદાકીય શરતો નિર્ધારિત કરાઈ છે. મનો-દિવ્યાંગ વ્યક્તિ માટે વાહનનું સંચાલન કાયદેસરના વાલી અથવા તેમની જાણ અને સંમતિ ધરાવતી અધિકૃત વ્યક્તિ દ્વારા જ કરી શકાશે. આ માટે વાહનચાલક પાસે વાહન ચલાવવા માટેનું માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું અનિવાર્ય છે.

 

સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા સરકારે કડક નિયમો બનાવ્યા છે. વાહનની ગતિ કોઈ પણ સંજોગોમાં ૪૦ કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હોવી જોઈએ નહીં. વાહનચાલક તેમજ મુસાફર માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત રાખવામાં આવ્યું છે. સાઇડકારમાં સીટ બેલ્ટ કે અન્ય સુરક્ષા પ્રતિબંધક સાધનો લગાવવા જરૂરી છે. રજીસ્ટ્રેશન કે ફેરફારને મંજૂરી આપતા પહેલા મોડિફાઇડ વાહનનું ભૌતિક નિરીક્ષણ કરવામાં આવશે. આ ઉપરાંત, વાહન પાસે થર્ડ પાર્ટી રિસ્ક કવર સાથેની કોમ્પ્રીહેન્સિવ ઇન્સ્યોરન્સ પોલિસી હોવી આવશ્યક છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન મોટર વ્હીકલ એક્ટ ૧૯૮૮ તથા સંબંધિત તમામ માર્ગદર્શિકા અને સૂચનાઓનું કડક પાલન કરવાનું રહેશે.

(1:04 PM IST)