હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મેઘરાજાનો બીજો રાઉન્ડ ધમાકેદાર રહેશે: અંબાલાલ પટેલની મોટી આગાહી, બંગાળની ખાડી અને અરબ સાગર સક્રિય થતાં ઓક્ટોબર સુધી ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસશે!
આગામી ૭૨ કલાકમાં સાર્વત્રિક વરસાદનું જોર વધશે; પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા ભઠ વિસ્તારોમાં પાછોતરો વરસાદ કૃષિ પાકો માટે સંજીવની બનશે.

અમદાવાદ : ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન મોડું થયા બાદ સતત મોન્સૂન બ્રેકની સ્થિતિ જોવા મળી રહી છે. શરૂઆતના ભારે રાઉન્ડ બાદ માત્ર છૂટાછવાયા ઝાપટાં પડતાં પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા. જોકે, હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના વરસાદી માહોલને લઈને રાહતજનક અને મોટી સકારાત્મક આગાહી કરી છે. આગામી દિવસોમાં એક પછી એક નવી વરસાદી સિસ્ટમો સક્રિય થતાં સમગ્ર ગુજરાતમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના સુધી પાછોતરો વરસાદ ધમાકેદાર રહેવાની શક્યતા છે.
આગામી ૭૨ કલાકમાં રાજ્યમાં વરસાદનું જોર વધશે
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી ૨૪ કલાકમાં મધ્ય ગુજરાતના અમદાવાદ, વડોદરા, આણંદ અને ગાંધીનગરમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. સમય જતાં વરસાદની તીવ્રતા વધશે અને આગામી ૭૨ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામશે. રાજકોટ, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ ઝાપટાંથી શરૂઆત થશે, જે સુકાઈ રહેલા પાક માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
૨૬ ઓગસ્ટથી બંગાળની ખાડી અને અરબ સાગર મોરચો સંભાળશે
અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા અને પેસિફિક મહાસાગરની ચક્રવાતી સિસ્ટમો બંગાળની ખાડીનો ભેજ ખેંચી જતી હોવાથી ગુજરાતમાં મોટો રાઉન્ડ અટકાયો હતો. પરંતુ ૨૬ ઓગસ્ટથી બંગાળનો ઉપસાગર પુનઃ સક્રિય થઈ રહ્યો છે. સપ્ટેમ્બરમાં જન્માષ્ટમી, પર્યુષણ અને ગણેશ ચતુર્થીના તહેવારો દરમિયાન વરસાદી માહોલ જળવાઈ રહેશે. ૧૩ સપ્ટેમ્બર બાદ તાપમાન વધતાં અરબ સાગરમાં પણ હવાનું હળવું દબાણ સર્જાશે, જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રના બાકી રહેલા વિસ્તારોમાં પણ મેઘરાજા મન મૂકીને વરસશે.
ઓક્ટોબર સુધી ચોમાસું લંબાશે: તહેવારોમાં મેઘ મહેર
ચોમાસાની વિદાય અંગે માહિતી આપતાં તેમણે ઉમેર્યું હતું કે ૨૭ સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. ઉપરાંત ૧૦ થી ૧૭ ઓક્ટોબર દરમિયાન દરિયામાં પવન ફૂંકાવાની અને સિસ્ટમો બનવાની શક્યતા છે. આથી, આ વર્ષે ચોમાસું વહેલું પૂરું થવાને બદલે ઓક્ટોબરના મધ્ય સુધી લંબાશે અને પાછોતરો વરસાદ રાજ્યના જળાશયો અને ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
