<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

ખેડા જિલ્લાના મહેમદાવાદ, મહુધા અને કઠલાલમાં વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી

ડાંગર સહિતના ખરીફ પાકને જીવતદાન મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ

અમદાવાદ :હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહી વચ્ચે ખેડા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં શરૂ થયા છે. ખાસ કરીને મહેમદાવાદ, મહુધા અને કઠલાલ સહિતના વિસ્તારોમાં વરસાદનું આગમન થતાં સ્થાનિક રહીશો અને ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો હોવાથી અસહ્ય બફારા અને ગરમીનું પ્રમાણ વધ્યું હતું, જેમાં હવે ઘટાડો થયો છે.

વરસાદી ઝાપટાં પડતાં જ રસ્તાઓ ભીના થઈ ગયા હતા અને સમગ્ર વિસ્તારનું વાતાવરણ અચાનક આહલાદક અને ઠંડુગાર બની ગયું હતું. ખેડા જિલ્લો મુખ્યત્વે ડાંગર (ડાંગરના વાવેતર) માટે જાણીતો છે. વરસાદ ખેંચાતાં ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે સિંચાઈના પાણી પર નિર્ભર બન્યા હતા. જોકે, આ સમયે જ પડેલા વરસાદી ઝાપટાં ખેતીના પાક માટે અમૃત સમાન પુરવાર થયા છે.

(10:17 PM IST)