<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

મહેસાણામાં ફૂડ વિભાગની તપાસ :વાઈડ એંગલ સિનેમામાં પોપકોર્નમાં જીવાત મળી : બટરની જગ્યાએ ફેટ સ્પ્રેડનો ઉપયોગ

અધિકારીઓએ સ્થળ પર કાર્યવાહી કરી. સિનેમા સંચાલકોને જરૂરી સુધારા કરવા નોટિસ પણ ફટકારી

મહેસાણામાં સિનેમાઘરોમાં મળતા ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને ફૂડ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ તપાસ દરમિયાન વાઈડ એંગલ સિનેમામાંથી ચોંકાવનારી વિગતો સામે આવી છે. સિનેમામાં વેચાતા પોપકોર્નમાં જીવાત મળી હોવાનો મામલો સામે આવતા ફૂડ સેફ્ટીને લઈને સવાલો ઊભા થયા છે.ફૂડ વિભાગની ટીમે સિનેમા પર સ્થળ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોપકોર્નની ગુણવત્તા અને તેને તૈયાર કરવાની પ્રક્રિયા સહિત અન્ય બાબતોની ચકાસણી કરવામાં આવી હતી. પોપકોર્નમાં જીવાત મળી હોવાની બાબત સામે આવતા અધિકારીઓએ સ્થળ પર જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

 

તપાસ દરમિયાન સિનેમામાં પોપકોર્ન બનાવવા માટે ઉપયોગમાં લેવાતા સામાનની પણ તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત પોપકોર્નમાં બટરની જગ્યાએ ફેટ સ્પ્રેડનો ઉપયોગ કરવામાં આવતો હોવાની વિગતો પણ તપાસમાં સામે આવી છે.ફૂડ અધિકારી વીજે ચૌધરીની આગેવાની હેઠળ ટીમે સમગ્ર સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. તપાસ બાદ વાઈડ એંગલ સિનેમાને ઈમ્પ્રૂવમેન્ટ નોટિસ આપવામાં આવી છે. નોટિસ બાદ ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને હાઈજિનના નિયમોનું પાલન કરવા અંગે જરૂરી સુધારા કરવા સૂચના આપવામાં આવી છે.

(11:54 PM IST)