<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

10 હજારની લાંચ કેસમાં ઈન્કમટેક્સ ઓફિસરને 3 વર્ષની કેદ અને રૂ. 20 હજારનો દંડ ફટકાર્યો:અમદાવાદ CBI કોર્ટનો મોટો ચુકાદો

આરોપીએ વર્ષ 2013માં ‘શ્રી લેખા ચેરિટેબલ ટ્રસ્ટ’ને સેક્શન 11 અને 80G હેઠળ કરમુક્તિ પ્રમાણપત્ર આપવા રૂ. 10 હજારની લાંચ માંગી હતી CBIએ તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો

અમદાવાદ સ્થિત સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ દ્વારા ભ્રષ્ટાચારના એક જૂના કેસમાં દાખલારૂપ ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. એક ચેરિટેબલ ટ્રસ્ટને આવકવેરા મુક્તિનું પ્રમાણપત્ર આપવાના બદલામાં રૂ. 10 હજારની લાંચ લેવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા ઈન્કમટેક્સ વિભાગના તત્કાલીન અધિકારીને કોર્ટે કસૂરવાર ઠેરવીને 3 વર્ષની સખત કેદ તેમજ રૂ. 20 હજારના દંડની સજા ફટકારી છે.

સીબીઆઈ કોર્ટમાં ચાલેલા કેસની વિગતો અનુસાર, આરોપી જરર્નૈલ બી. સિંહ અમદાવાદ ખાતે એડિશનલ કમિશનર ઓફ ઈન્કમટેક્સની કચેરીમાં ફરજ બજાવતો હતો. વર્ષ 2013 દરમિયાન આ સમગ્ર લાંચ પ્રકરણ સામે આવ્યું હતું, જેમાં તપાસ એજન્સી દ્વારા આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાયદેસરનો ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી હતી.

કેસની વિગત એવી છે કે, ‘શ્રી લેખા ચેરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા ઈન્કમટેક્સ એક્ટની કલમ 11 અને 80G હેઠળ કરમુક્તિ પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. આ સત્તાવાર સર્ટિફિકેટ જારી કરવાની અવેજમાં ઈન્કમટેક્સ ઓફિસર જરાર્નૈલ સિંહે ફરિયાદી પાસેથી ગેરકાયદેસર રીતે રૂ. 10 હજારની લાંચની માંગણી કરી હતી.

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI )નો સંપર્ક કરીને લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સીબીઆઈની ટીમે વ્યવસ્થિત છટકું ગોઠવ્યું હતું. આરોપી જરર્નૈલ સિંહ જ્યારે ફરિયાદી પાસેથી રૂ. 10 હજારની લાંચની રકમ સ્વીકારી રહ્યો હતો, ત્યારે જ સીબીઆઈ અધિકારીઓએ તેને રંગેહાથ ઝડપી લીધો હતો.

અદાલતમાં પુરાવા અને સાક્ષીઓની જુબાની પૂર્ણ થયા બાદ વિશેષ અદાલતે સરકારી પદનો દુરુપયોગ કરવા બદલ આરોપીને 3 વર્ષની કેદ અને રૂ. 20 હજારનો આર્થિક દંડ ફટકારતો ન્યાયિક આદેશ કર્યો હતો.

.

(12:04 AM IST)