તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd August 2026
અમદાવાદ-ગાંધીનગરમાં નામદાર આગાખાન સાહેબના દિદારનો દિવ્ય અવસર
૧૧-૧૨ સપ્ટેમ્બરે ત્રણ તબક્કામાં ગુજરાતભરના ઈસ્માઈલી મુરીદોને દિદાર ની નવાજેશ ફરમાવશે ભક્તિ-ઉલ્લાસનું વાતાવરણ છવાશે, તૈયારીઓ શરૂ નુર મૌલાના શાહ રહીમ અલ્ હુસૈની હાજર ઈમામ ગુજરાત જમાતને વિશાળ દિદારઃ અમદાવાદથી કચ્છ, સૌરાષ્ટ્ર, સુરત-સિદ્ધપુર સુધી ત્રણ તબક્કે મુરીદો જોડાશેઃ તૈયારીઓ જોરશોરથી શરૂ

(રહીમ આર. વસાયા દ્વારા) મહુવા, તા.૨૨:શિયા ઈમામી ઈસ્માઈલી ખોજા કોમ માટે આગામી સપ્ટેમ્બર મહિનો અત્યંત મહત્વપૂર્ણ અને આનંદનો બની રહેવાનો છે. શિયા ઈમામી ઈસ્માઈલી ખોજા કોમના ધર્મગુરૂ નામદાર આગાખાન નૂર મૌલાના શાહ રહીમ અલ્ હુસૈની હાજર ઈમામ, આગાખાન સાહેબ આગામી તા. ૧૧ અને ૧૨ સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ-ગાંધીનગર ખાતે ગુજરાતભરના મુરીદોને ત્રણ તબક્કામાં દિદારની નવાજેશ ફરમાવશે તેમ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
નામદાર આગાખાન સાહેબ સપ્ટેમ્બર માસમાં ભારતની સત્તાવાર મુલાકાતે આવવાના છે. તા. ૭ ઓગસ્ટે ભારતભરના જમાતખાનાઓમાં વાંચવામાં આવેલા તાલીકા મુબારક દ્વારા હાજર ઈમામે સપ્ટેમ્બરમાં ભારત આવવાની અને ભારતના જમાતને મળવાની આતુરતા વ્યક્ત કરી હતી. આ મુલાકાત ભારત સરકારના આમંત્રણથી યોજાઈ રહી હોવાનું પણ જાહેર થયેલું છે. ઉપલબ્ધ વિગતો અનુસાર તેમની ભારત મુલાકાત તા. ૯થી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન યોજાવાની છે.
અખબારી યાદી અનુસાર ગુજરાતના મુરીદો માટે દિદારની વ્યવસ્થા વિસ્તારવાર ત્રણ તબક્કામાં કરવામાં આવી છે. પ્રથમ તબક્કો તા. ૧૧ સપ્ટેમ્બર, શુક્રવારે સવારે યોજાશે. તેમાં અમદાવાદ કાઉન્સિલ, કચ્છ કાઉન્સિલ અને સુરત કાઉન્સિલ હેઠળ આવતા જમાતના મુરીદોને દિદારની નવાજેશ ફરમાવશે,
આ જ દિવસે બપોર બાદ બીજા તબક્કામાં જૂનાગઢ કાઉન્સિલ ,અમરેલી-ઉના કાઉન્સિલ, ચિત્રાવડ-માળિયા હાટીના કાઉન્સિલ પોરબંદર કાઉન્સિલ જામનગર કાઉન્સિલ અને મહુવા કાઉન્સિલ હેઠળના શિયા ઈમામી ઈસ્માઈલી મુરીદો દિદારમાં જોડાશે.
ત્યારબાદ તા. ૧૨ સપ્ટેમ્બર, શનિવારે ત્રીજા તબક્કામાં રાજકોટ કાઉન્સિલ, સુરેન્દ્રનગર-બોટાદ કાઉન્સિલ ,ભાવનગર કાઉન્સિલ તથા સિદ્ધપુર કાઉન્સિલ હેઠળના મુરીદોને નામદાર આગાખાન નુર મૌલાના શાહ રહીમ અલ્ હુસેયની હાજર ઈમામના દિદારની નવાજેશ પ્રાપ્ત થશે. આમ બે દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોની જમાતને ત્રણ અલગ તબક્કામાં સામેલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
નુર મૌલાના શાહ રહીમ અલ્ હુસૈની હાજર ઈમામ આગાખાન પાંચમા શિયા ઈમામી ઈસ્માઈલી ખોજા કોમના ૫૦મા વંશપરંપરાગત ઈમામ છે. તેમણે તેમના પિતા શાહ કરીમ અલ્ હુસૈની આગાખાન ચોથાના વફાત બાદ તા. ૪ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ ઈસ્માઈલી ઈમામતની જવાબદારી સંભાળી હતી. તેઓ આગાખાન વિકાસ જળ અધ્યક્ષ પણ છે અને શિક્ષણ, આરોગ્ય, ગરીબી નિવારણ, પર્યાવરણ તથા સામાજિક વિકાસ ક્ષેત્રે ચાલતી સંસ્થાકીય પ્રવળત્તિઓ સાથે લાંબા સમયથી સંકળાયેલા છે.
હાજર ઈમામ તરીકે જવાબદારી સંભાળ્યા બાદ નુર મૌલાના શાહ રહીમ અલ્ હુસૈય્ ની હાજર ઈમામે વિશ્વના વિવિધ દેશોની જમાત સાથે મુલાકાત અને દિદાર ની નવાજેશ ફરમાવેલ છે હવે ભારતની આગામી મુલાકાતને લઈને દેશભરની શિયા ઈમામી ઈસ્માઈલી ખોજા જમાતમાં વિશેષ આનંદ અને આતુરતાનું વાતાવરણ સર્જાયું છે. ગુજરાતમાં અમદાવાદ-ગાંધીનગર ખાતે યોજાનારા બે દિવસના ત્રણ તબક્કાના દિદાર કાર્યક્રમને લઈને પણ જુદા જુદા વિસ્તારોમાં જમાતી સ્તરે તૈયારીઓ શરૂ થઈ હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.
ગુજરાતભરના શિયા ઈમામી ઈસ્માઈલી ખોજા કોમના મુરીદોને નામદાર નૂર મૌલાના શાહ રહીમ અલ્ હુસૈની હાજર ઈમામના દિદારનો લાભ મળે તે માટે વિસ્તાર પ્રમાણે ત્રણ તબક્કામાં વ્યવસ્થા કરવામાં આવેલી છે અખબારી યાદી દ્વારા આપી છે.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
