તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd August 2026
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પાસે નવું લોન્ચિંગ સ્ટેશન સ્થપાશેઃ અર્જુનભાઈ મોઢવાડિયા
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રીના હસ્તે અમદાવાદના સાયન્સ સિટી ખાતે આયોજિત ત્રિ-દિવસીય ‘સ્પેસ ફેસ્ટિવલ-૨૦૨૬'નો શુભારંભ કરાવ્યોઃ અંતરિક્ષ ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાત નવા કેન્દ્ર તરીકે ઊભરી રહ્યું છેઃ અર્જુનભાઈ મોઢવાડિયા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રીની ઉપસ્થિતિમાં GSEM અને NAMTEC વચ્ચે સ્પેસ ટેક, ઈલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે સ્કિલ્ડ વર્કફોર્સ ડેવલપમેન્ટ માટેના MoU કરાયાઃ ૨૦ જેટલા પ્રતિભાશાળી સ્પેસ સ્ટાર્ટઅપ્સને વિજ્ઞાનમંત્રીના હસ્તે પ્રોત્સાહિત કરાયા ચંદ્રયાન-૩ મિશનની ઐતિહાસિક સિદ્ધિના અનુસંધાને તા. ૨૩મી ઓગસ્ટને ‘રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ' તરીકે ઉજવવામાં આવે છેઃ ઈસરો(ISRO), GSEM સહિતની ૫૦ જેટલી સંસ્થાઓના વિશેષ સહયોગથી પ્રદર્શન ખુલ્યું મુકાયું

રાજકોટ તા.૨૨: ગુજરાત રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ અમદાવાદના સાયન્સ સિટી ખાતે આયોજિત ત્રિ-દિવસીય ‘સ્પેસ ફેસ્ટિવલ-૨૦૨૬'નો શુભારંભ કરાવ્યો હતો. ‘રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ'ના અનુસંધાને આયોજિત આ કાર્યક્રમ તા. ૨૩ ઓગસ્ટ સુધી યોજાશે.
આ ફેસ્ટિવલ દરમિયાન સ્પેસ સાયન્સ એક્ઝિબિશન, પ્લેનેટેરિયમ શો, સ્પેસ રંગોળી, ડિજિટલ પોસ્ટર પ્રેઝન્ટેશન, ઓરિગામી, હેન્ડ્સઓન વર્કશોપ, વિજ્ઞાન વ્યાખ્યાન, સ્પેસ ક્વિઝ, વૈજ્ઞાનિકો સાથે પેનલ ડિસ્કશન અને નાઇટ સ્કાય ઓબ્ઝર્વેશન સહિતનાં આયોજન કરવામાં આવ્યાં છે.
આ પ્રસંગે ગુજરાત રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું કે ગુજરાત આજે સ્પેસ-ટેક ક્ષેત્રે દેશનું અગ્રેસર રાજ્ય બની રહ્યું છે. અમદાવાદમાં ‘ઇન-સ્પેસ' (In-Space) નું હેડક્વાર્ટર આવેલું છે, જ્યારે સૌરાષ્ટ્રમાં કોડિનાર પાસે નવું લોન્ચિંગ સ્ટેશન સ્થાપવાની કામગીરી ચાલી રહી છે. રાજ્યમાં સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ માટે વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.
રાજ્ય સરકારની અસરકારક સ્પેસ-ટેક અને ઇલેક્ટ્રોનિક્સ પોલિસીને કારણે આગામી ૧૦ વર્ષમાં ગુજરાત એઆઈ (AI) અને સ્પેસ ટેકનોલોજીમાં દેશનું સર્વોચ્ચ રાજ્ય બનશે. આ નવી ઇકોસિસ્ટમ દ્વારા આપણા યુવાનો રોજગાર મેળવનારને બદલે રોજગાર આપનાર (જોબ ગિવર) બનશે.
ગુજરાત રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ કહ્યું કે સેમિકન્ડક્ટર ક્ષેત્રે પણ ભારતની પ્રગતિ તેજ બની છે, જેમાં દેશના કુલ ૧૨ પ્લાન્ટમાંથી ૬ પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાઈ રહ્યા છે. જેમાંથી સાણંદ ખાતે ત્રણ પ્લાન્ટ કાર્યરત છે. જ્યારે આગામી સમયમાં સુરત અને ધોલેરા ખાતે પણ નવા પ્લાન્ટ શરૂ કરાશે.
તેમણે ઉમેર્યું કે ચંદ્રયાન-૩ના દક્ષિણ ધ્રુવ પર ઐતિહાસિક સોફ્ટ લેન્ડિંગની સફળતાને વધાવવા માટે ૨૩ ઓગસ્ટના રોજ‘નેશનલ સ્પેસ ડ' ની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી સ્પેસ સેક્ટરને ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે, જેના પરિણામે આજે આ ક્ષેત્રે દેશમાં ૩૦૦થી વધુ સક્રીય સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે.
આ અવસરે ગુજરાત રાજ્યના વિજ્ઞાન અન ેપ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં GSEM અને NAMTEC વચ્ચે સ્પેસ ટેક, ઈલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે સ્કિલ્ડ વર્કફોર્સ ડેવલપમેન્ટ માટેના MoU કરવામાં આવ્યા હતા તેમજ વિવિધ ૨૦ જેટલાં સ્ટાર્ટઅપ્સને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ઇસરો(SAC)ના વડા વી.એન. રાવે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના (PRL) ના વડા અનીલ ભારદ્વાજે ચંદ્રયાન-૩ મિશનના પોતાના પ્રત્યક્ષ અનુભવો વર્ણવ્યા હતા. જ્યારે GSEMનાં મિશન ડાયરેક્ટર નેહાકુમારીએ કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી.
કાર્યક્રમના પ્રારંભે સાયન્સ સિટીના એક્ઝિકયુટિવ ડાયરેક્ટર ચરણસિંહ ગોહિલે સૌનું સ્વાગત કરી, સાયન્સ સિટીના ભાવિ આયોજનો વિશે માહિતી આપી હતી.
આ ત્રિદિવસીય કાર્યક્રમની મુલાકાત લેવા અંતરિક્ષ અને વિજ્ઞાનપ્રેમીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત સૌને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ફેસ્ટિવલનાં મુખ્ય આકર્ષણો અને પ્રવૃત્તિઓ
સ્પેસ સાયન્સ એક્ઝિબિશનઃ દેશની અગ્રણી અંતરિક્ષ સંસ્થાઓ અને ઈસરો આધારિત મોડેલ્સનું પ્રદર્શન,પ્લેનેટેરિયમ શો ્રૂ નાઇટ સ્કાય ઓબ્ઝર્વેશનઃ ખગોળ વિજ્ઞાન અને તારામંડળ દર્શનનો રોમાંચક અનુભવ,વૈજ્ઞાનિકો સાથે પેનલ ડિસ્કશનઃ ISRO ના પ્રખ્યાત વૈજ્ઞાનિકો અને સંશોધકો સાથે સીધો સંવાદ અને વિજ્ઞાન વ્યાખ્યાનો.
રચનાત્મક સ્પર્ધાઓઃ સ્પેસ રંગોળી, ડિજિટલ પોસ્ટર પ્રેઝન્ટેશન, ઓરિગામી અને સ્પેસ ક્વિઝ,હેન્ડસ ઓન વર્કશોપઃ વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલ સાયન્સ અને રોકેટ મોડેલિંગ વર્કશોપ
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
