<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

સાબરકાંઠાના સપ્તેશ્વરમાં દશામાની મૂર્તિ વિસર્જન વેળાએ ભારે ક્રંદન: સાબરમતી નદીમાં બે આશાસ્પદ યુવકો ડૂબ્યા, વિસર્જનનો પ્રસંગ માતમમાં ફેરવાયો

મહેસાણાથી મૂર્તિ પધરાવવા આવેલા યુવકો પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતાં ગરકાવ; ફાયર બ્રિગેડે દોડી જઈ લાશ બહાર કાઢી; બીજી તરફ ગણદેવીમાં અંબિકા નદીમાં તણાયેલી યુવતીનો જીવ તરવૈયાઓએ બચાવ્યો

ઈડર : સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા પવિત્ર યાત્રાધામ સપ્તેશ્વર ખાતે દશામાના વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે યોજાયેલ મૂર્તિ વિસર્જન દરમિયાન એક અત્યંત કરૂણ અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. સાબરમતી નદીના ઊંડા પાણીમાં ઉતરેલા મહેસાણાના બે આશાસ્પદ યુવકો પાણીનો તાગ ન મળતાં ડૂબી ગયા હતા. આનંદ અને ઉલ્લાસ સાથે મૂર્તિ પધરાવવા આવેલા પરિવર્જન સમક્ષ જ આ દુર્ઘટના ઘટતાં વિસર્જનનો રૂડો પ્રસંગ ક્ષણભરમાં માતમમાં ફેરવાઈ ગયો હતો.

 

દશામાના વ્રતની ઉજવણી બાદ શ્રદ્ધાળુઓ મા અંબાની મૂર્તિના વિસર્જન માટે સપ્તેશ્વર નદીના પટમાં એકઠા થયા હતા. મહેસાણાથી આવેલો પરિવાર પણ ભક્તિભાવપૂર્વક વિસર્જનની તૈયારી કરી રહ્યો હતો. આ દરમિયાન બે યુવકો મૂર્તિ લઈને સાબરમતી નદીના પ્રવાહમાં આગળ વધ્યા હતા, પરંતુ નદીમાં પાણીની ઊંડાઈ અને પ્રવાહનો યોગ્ય અંદાજ ન રહેતાં બંને યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા.

 

તંત્રનું રેસ્ક્યુ ઓપરેશન: માત્ર મૃતદેહો જ હાથ લાગ્યા

 

યુવકોને પાણીમાં ડૂબતા જોઈ કિનારે ઉભેલા પરિવારજનો અને અન્ય માઈભક્તોએ ભારે ચીસાચીસ કરી મૂકી હતી. ઘટના અંગે ત્વરિત જાણ કરાતાં ઈડર, હિંમતનગર અને વિજાપુરની ફાયર બ્રિગેડની ટીમો અત્યાધુનિક સાધનો સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ટીમોએ નદીમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ કમનસીબે બંને યુવકોને જીવંત બચાવી શકાયા નહોતા અને માત્ર તેમના મૃતદેહો જ બહાર કાઢી શકાયા હતા.

 

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવકોની ઓળખ:


 

  • નવદીપ રાવત (રહે. મૈલીપુર, મહેસાણા)

 

  • રાજવીર ઠાકોર (રહે. રામપુર ભંડોલી, મહેસાણા)

 

બંને આશાસ્પદ યુવકોના અકાળે અવસાનથી તેમના પરિવારજનોમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.

 

નવસારીના ગણદેવીમાં તરવૈયાઓની સમયસૂચકતાથી યુવતીનો બચાવ

 

આવી જ એક અન્ય ઘટના નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી પણ પ્રકાશમાં આવી છે, જ્યાં સ્થાનિક લોકોની સતર્કતાથી એક મોટો અકસ્માત ટળ્યો હતો. ચીખલીના થલા ગામની રમિલા હળપતિ નામની યુવતી પરિવાર સાથે ધમડાછા ગામ પાસે અંબિકા નદીમાં દશામાની મૂર્તિ વિસર્જિત કરવા ગઈ હતી. આ દરમિયાન અચાનક પથ્થર પરથી પગ લપસતાં તે નદીના ધસમસતા પ્રવાહમાં તણાવા લાગી હતી.

 

પરિવારજનોની બૂમાબૂમ સાંભળીને નજીકમાં હાજર સ્થાનિક તરવૈયાઓ સમયસૂચકતા વાપરીને ત્વરિત નદીમાં કૂદી પડ્યા હતા અને યુવતીને સલામત રીતે પાણીમાંથી બહાર ખેંચી કાઢી હતી, જેના કારણે તેનો આબાદ બચાવ થયો હતો.

(6:47 PM IST)