<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

સુરતમાં દારૂબંધીના ધજાગરા: લઠ્ઠાકાંડની ચર્ચા વચ્ચે સચીન GIDCમાં ૧૭૮ બોટલ સાથે ૭૨ વર્ષીય દાદીમા ઝડપાયા!

પોલીસ દરોડા દરમિયાન ઘરમાં બોરીઓ સંતાડતી વૃદ્ધા રંગેહાથ પકડાઈ; દમણથી દારૂ લાવીને બારોબાર વેચાણ કરતી હોવાની કબૂલાત.

સુરત : ગુજરાતમાં એક તરફ ભાવનગરમાં ગંભીર લઠ્ઠાકાંડને લઈને ચર્ચા ચાલતી હોય અને કડક દારૂબંધીના દાવાઓ થતા હોય, ત્યારે બીજી તરફ સુરત શહેરમાંથી કાયદાના આકરા અમલના દાવાઓની હવા કાઢતો કિસ્સો સામે આવ્યો છે. સુરતની સચીન જીઆઈડીસી પોલીસની ટીમે ગભેણી ગામમાં દરોડો પાડીને ૭૨ વર્ષીય વૃદ્ધાને વિદેશી દારૂ અને બિયરના મોટા જથ્થા સાથે ઝડપી પાડી છે. મહિલાઓ ગેરકાયદે દારૂના વેપલામાં સક્રિય હોય તેવો આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે.

 

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સચીન GIDC પોલીસે ગભેણી ગામના સારંગ ફળિયામાં રહેતી મંછીબેન ખલાસીના ઘરે રેડ પાડી હતી. પોલીસની ગાડી જોતાં જ ૭૨ વર્ષીય વૃદ્ધા ઘરની પાછળના ખુલ્લા વાડામાં પ્લાસ્ટિકની બોરીઓ સંતાડવા લાગી હતી. મહિલા પોલીસની મદદથી બોરીઓની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

 

દમણના બારમાંથી દારૂ લાવીને છૂટક વેચાણ કરતી હતી

 

 

પોલીસે જપ્ત કરેલી બોરીઓમાંથી અલગ-અલગ બ્રાન્ડની દારૂની ૧૪૩ બોટલો અને બિયરના ૩૫ ટીન મળીને કુલ ૧૭૮ બોટલ (કિંમત રૂ. ૨૬,૦૬૮) જપ્ત કરી છે. પકડાયેલી વૃદ્ધાએ કબૂલાત કરી હતી કે તે વધુ આર્થિક લાભ મેળવવા માટે દમણના બારમાંથી દારૂ લાવીને પાસ-પરમિટ વગર છૂટકમાં વેચતી હતી. પોલીસે વૃદ્ધા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

 

મુખ્ય વિગતો:

 


 

  • આરોપી: ૭૨ વર્ષીય મંછીબેન ખલાસી (રહે. સારંગ ફળિયા, ગભેણી ગામ)

 

  • જપ્ત કરાયેલ જથ્થો: ૧૪૩ દારૂની બોટલ + ૩૫ બિયરના ટીન (કુલ ૧૭૮ નંગ)

 

  • જપ્ત મુદ્દામાલની કિંમત: રૂ. ૨૬,૦૬ર્

 

  • કારવાઈ: સચીન GIDC પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ

 

(8:08 PM IST)