<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

એરફોર્સમાં સરકારી નોકરીના નામે રૂ. ૧૬ લાખની ઠગાઈ: રાજકોટનો શિવ ટ્રાવેલ્સનો સંચાલક અમદાવાદથી ઝડપાયો!

મોરબીથી રાજકોટ આવતા યુવકને ઝાળમાં ફસાવી વાયુસેનામાં ડ્રાઈવર બનાવવાની લાલચ આપી; પોતાના સહિત મિત્રો પાસેથી પણ લાખો રૂપિયા ખંખેરી લીધા.

અમદાવાદ : ભારતીય વાયુસેના (Indian Air Force) માં સરકારી નોકરી અપાવી દેવાની ગુલાબી લાલચ આપીને યુવાનો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, શિવ ટ્રાવેલ્સ નામે એજન્સી ચલાવતા પ્રજ્ઞેશ ગઢવી નામના ગઠિયાએ વાયુસેનામાં નોકરી અપાવવાના બહાને અલગ-અલગ યુવાનો પાસેથી રૂ. ૧૬ લાખ ખંખેરી લીધા છે. આ મામલે અમદાવાદ પોલીસે પણ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે.

 

રાજકોટમાં કાલાવડ રોડ પાસે પ્રેમ મંદિરની પાછળ રહેતા અર્જુનસિંહ જાડેજાની ફરિયાદ અનુસાર, બે મહિના પહેલા જ્યારે તેઓ મોરબીથી રાજકોટ આવી રહ્યા હતા ત્યારે તેમના જૂના મિત્ર પ્રજ્ઞેશ ગઢવીનો ફોન આવ્યો હતો. પ્રજ્ઞેશે પોતે એરફોર્સમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતો હોવાનો ખોટો દાવો કર્યો હતો અને એરફોર્સમાં ડ્રાઈવરની જગ્યા ખાલી હોવાનું કહી નોકરીએ લગાડી દેવાની લાલચ આપી હતી.

 

વોટ્સએપ પર નકલી ઓફર લેટર મોકલી ખેલ પાડ્યો

 

નોકરીની લાલચમાં આવી ગયેલા અર્જુનસિંહ ઉપરાંત તેમના અન્ય સંબંધીઓ અને મિત્રો પાસેથી આરોપીએ તબક્કાવાર ઓનલાઈન તથા રોકડ મળીને રૂ. ૧૬ લાખ પડાવી લીધા હતા. આરોપી પોતાની ઓળખ ગાંધીનગર એરફોર્સ સ્ટેશનમાં હોવાનું બતાવી વિશ્વાસ કેળવવા માટે વોટ્સએપ પર નકલી ઓફર લેટર્સ પણ મોકલતો હતો. જોકે, લાંબો સમય થવા છતાં નોકરી ન મળતા અને પૈસા પરત માંગતા આરોપી બહાનાબાજી કરવા લાગ્યો હતો, જેથી ભોગ બનનારાઓએ પોલીસના દ્વાર ખખડાવ્યા હતા.

 

છેતરપિંડીનો ભોગ બનનાર યુવાનો અને રકમ:


 

  • અર્જુનસિંહ જાડેજા (અને સગા-સંબંધો): રૂ. ૧૬ લાખ (બેંક અને રોકડ)

 

  • સાગરભાઈ સોલંકી: રૂ. ૧.૩૨ લાખ

 

  • પૂર્વજિતસિંહ રાણા: રૂ. ૩.૨૨ લાખ

 

  • પૃથ્વીરાજસિંહ ઝાલા: રૂ. ૨.૬૬ લાખ

 

  • ભવદિપસિંહ જાડેજા: રૂ. ૮૬ હજાર

 

(અમદાવાદ અને રાજકોટ પોલીસ દ્વારા આંતર-જિલ્લા કૌભાંડ અંગે વધુ તપાલ હાથ ધરવામાં આવી છે.)

 

(8:11 PM IST)