<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

ડભોઇના પારિખા ગામે શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરે શ્રાવણના શનિવારે ભક્તોનું ઘોડાપૂર: અમેરિકાના PR ની માનતા પૂરી થતાં દાદાના પરચાની ચર્ચા

પવિત્ર શ્રાવણ માસ અને શનિવારના અદભુત સંયોગ વચ્ચે ૧૬૮ વર્ષ જૂના પૌરાણિક કષ્ટભંજન દેવના દર્શનાર્થે હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા; મહાપ્રસાદ અને દર્શનથી સમગ્ર પરિસર ભક્તિમય બન્યું.

ડભોઇ : પવિત્ર શ્રાવણ માસ અને શનિવારના પાવન અને શુભ સંયોગને પગલે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકા અન્વયે આવેલા ઐતિહાસિક પારિખા ગામે સ્થિત પૌરાણિક શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ભક્તિ, શ્રદ્ધા અને ઉલ્લાસનો એક અનોખો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારની મંગળા આરતીથી જ દાદાના દર્શન અને પૂજન-અર્ચન કરવા માટે દૂર-દૂરથી ભક્તોનું ભારે ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. પરિસરમાં ગુંજી ઉઠેલા "જય શ્રી રામ" અને "જય બજરંગબલી"ના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

 

ધાર્મિક તથા ઐતિહાસિક દૃષ્ટિએ અત્યંત વિશિષ્ટ મહત્ત્વ ધરાવતું પારિખાનું આ હનુમાનજી મંદિર વડતાલ તાબાની સ્વામિનારાયણ સંસ્થાના નેજા હેઠળ સંચાલિત થાય છે. મંદિરના સમૃદ્ધ ઇતિહાસ અનુસાર, આશરે ૧૬૮ વર્ષ પહેલાં અહી કષ્ટભંજન દેવની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. પરમ પૂજ્ય શ્રી ગોપાળાનંદ સ્વામી સાથે પણ આ પવિત્ર ધામનો વિશેષ અને ગાઢ સંબંધ જોડાયેલો હોવાનું માનવામાં આવે છે. સ્થાનિકો અને દર્શનાર્થીઓના જણાવ્યા મુજબ, દાદાના સાચા મનથી દર્શન કરવાથી અને શ્રદ્ધાપૂર્વક માનતા રાખવાથી ભક્તોની મનોકામનાઓ અવશ્ય પૂર્ણ થાય છે.

 

આ શ્રદ્ધાને બળ આપતો એક કિસ્સો તાજેતરમાં જ સામે આવ્યો છે. વડોદરાના એક શ્રદ્ધાળુએ પોતાની દીકરીના ભવિષ્ય અને અભ્યાસ-વસવાટ માટે દાદાના ચરણોમાં માનતા રાખી હતી. ભક્તના જણાવ્યા અનુસાર, માત્ર બે શનિવાર પારિખા મંદિરે આવી દર્શન અને શ્રદ્ધાપૂર્વક માનતા ભરતાં જ તેમની દીકરીને અમેરિકામાં કાયમી વસવાટ (PR) મળી ગયા હતા. દાદાના આ પ્રકારના અનેક પરચાઓને કારણે પારિખા ધામ પ્રત્યે લોકઆસ્થા દિન-પ્રતિદિન વધતી રહી છે.

 

શ્રાવણ માસના આ વિશેષ દિવસે ડભોઇ તાલુકા ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને વડોદરા શહેરથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચ્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓની સુવિધા માટે સવાર તેમજ સાંજના સમયે ભોજન પ્રસાદીની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. દાદાના દર્શન કરી પૂજા-અર્ચના કર્યા બાદ શ્રદ્ધાળુઓએ પોતાના પરિવારની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય માટે પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી.

 

(10:25 PM IST)