<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

‘મારું રેશમ મારું અભિમાન’ હેઠળ દેશભરમાંથી માત્ર મહેસાણા જિલ્લાની પસંદગી: દિવેલાના પાક પર એરી રેશમ ઉછેરી ખેડૂતો મેળવશે બમણી આવક

કેન્દ્રીય રેશમ બોર્ડ દ્વારા ‘એરી કલ્ચર’ પ્રોજેક્ટ હેઠળ વડનગર અને ખેરાલુના ૧,૦૦૦ એકરમાં ૧,૦૦૦ ખેડૂતોને આવરી લેવાશે; ટેકનિકલ માર્ગદર્શન, સબસીડી અને સીધું માર્કેટ લિંકેજ અપાશે.

મહેસાણા : કેન્દ્ર સરકારના ક્રાંતિકારી અભિયાન ‘મારું રેશમ મારું અભિમાન’ હેઠળ સમગ્ર દેશમાંથી માત્ર અને માત્ર ગુજરાતના મહેસાણા જિલ્લાની પસંદગી કરવામાં આવતા સ્થાનિક કૃષિ ક્ષેત્રે હરખની હેલી જોવા મળી રહી છે. મહેસાણા જિલ્લામાં દિવેલા (એરંડા)નું વિપુલ પ્રમાણમાં વાવેતર થાય છે, જેને ધ્યાને રાખીને કેન્દ્રીય રેશમ બોર્ડ (Central Silk Board) દ્વારા આ ખાસ ‘એરી કલ્ચર’ (Eri Silk Farming) પ્રોજેક્ટ માટે મહેસાણા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ થકી વડનગર અને ખેરાલુ પંથકના ખેડૂતો હવે દિવેલાના પાકની સાથે સાથે રેશમના કીડા ઉછેરીને વધારાની તગડી કમાણી કરી શકશે.

 

જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, પસંદગી પામેલા ખેડૂતોને ખેતર સુધી તમામ જરૂરી ટેકનિકલ સહયોગ, વૈજ્ઞાનિક માર્ગદર્શન અને તાલીમ પૂરી પાડવામાં આવશે. રેશમ બોર્ડના વૈજ્ઞાનિક ડૉ. મહેશભાઈએ ખેડૂતોને રેશમના કીડાની વૈજ્ઞાનિક માવજત અને ઉત્પાદનની સચોટ પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. સ્થાનિક પ્રગતિશીલ ખેડૂત સિદ્ધાર્થસિંહ ઠાકોરે આ નવીન પ્રયોગને આવકારતા જણાવ્યું હતું કે, મુખ્ય પાકને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર એરંડાના પાંદડા પર રેશમના કીડાનો ઉછેર થવાથી ખેડૂતોની આવક સીધી બમણી થશે.

 

આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબર માસ દરમિયાન વડનગર અને ખેરાલુ તાલુકાના આશરે ૧,૦૦૦ એકર વિસ્તારમાં ૧,૦૦૦ જેટલા ખેડૂતોને આ પ્રોજેક્ટ સાથે જોડવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ અભિયાનમાં માત્ર ખેડૂતો જ નહીં પરંતુ સ્થાનિક સખી મંડળની બહેનોને પણ વિશેષ તાલીમ અને સબસિડી પૂરી પાડી આત્મનિર્ભર બનાવવામાં આવશે. ઉત્પાદિત રેશમને યોગ્ય ભાવ મળે તે માટે વિવિધ ટેક્સટાઇલ ઉદ્યોગો સાથે સીધું ‘બેકવર્ડ-ફોરવર્ડ લિંકેજ’ સુનિશ્ચિત કરવામાં આવશે, જેથી ગ્રામીણ સ્તરે રોજગારીની નવી અને કાયમી તકો ઊભી થશે.

(10:37 PM IST)