<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

ગોધરામાં ગૌવંશ ચોરી અને કતલના ગુનામાં મોટી કાર્યવાહી: ગુજસીટોક કોર્ટે મહિલા આરોપી 'ભોણીબેન'ના જામીન કર્યા ના મંજૂર

૧૦૦ થી વધુ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ આચરનાર સંગઠિત ટોળકીની સાગરીત ચાર વર્ષથી હતી ફરાર; સરકારી કર્મચારીઓ પર હુમલો અને આતંક ફેલાવવાનો આક્ષેપ.

ગોધરા (પંચમહાલ) : પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલી સ્પેશિયલ જજ (ગુજસીટોક - GUJTOC) ની ખાસ કોર્ટે ગૌવંશની ચોરી, કતલ અને સંગઠિત અપરાધમાં સંડોવાયેલી મહિલા આરોપી તાહેરા ઇલ્યાસ મોહમ્મદ ઉર્ફે 'ભોણીબેન' (રહે. ગેની પ્લોટ, ગોધરા) ની જામીન અરજી આકરા વલણ સાથે ના મંજૂર કરી દીધી છે. ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોકના ગંભીર ગુના હેઠળ મહિલા આરોપી હાલ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં બંધ છે.

 

કોર્ટમાં જામીન અરજીની સુનાવણી દરમિયાન સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર રઘુવીર પંડ્યાએ ધારદાર દલીલો રજૂ કરતા જણાવ્યું હતું કે, અરજદાર મહિલા આરોપી વિરુદ્ધ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ ૧૦ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ તપાસમાં તેની સીધી સંડોવણી બહાર આવી છે. આ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સિન્ડિકેટે આસપાસના વિસ્તારોમાં કુલ ૧૦૦ થી વધુ ગુનાહિત કૃત્યો આચર્યા છે. વધુમાં, આરોપી મહિલા વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૬ સુધી સતત ૪ વર્ષ સુધી પોલીસને થાપ આપીને ફરાર રહી હતી, જેથી જો તેને જામીન આપવામાં આવે તો તે પુરાવા સાથે ચેડાં કરે અથવા તપાસ દરમિયાન હાજર ન રહે તેવી પૂરેપૂરી શક્યતા છે.

 

સરકારી પક્ષની દલીલો અને કેસની ગંભીરતાને ધ્યાને રાખીને ન્યાયાધીશે નોંધ્યું હતું કે, આરોપીઓ દ્વારા વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૧ દરમિયાન પંચમહાલ, મહીસાગર, અમદાવાદ અને ભરૂચ જિલ્લામાં ગૌવંશની ગેરકાયદે ચોરી અને કતલ માટે સંગઠિત મંડળી બનાવવામાં આવી હતી. આ ટોળકી દ્વારા ઘાતક હથિયારો સાથે જાહેર સેવકો (પોલીસ કર્મચારીઓ) પર હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને ભયનો માહોલ ઉભો કરાયો હતો. આ તમામ સંજોગો અને આરોપીના ગુનાહિત ભૂતકાળને ધ્યાનમાં રાખીને કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે.

 

(11:21 PM IST)