<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

ફક્ત પોતાની ઉન્નતિમાં નહીં, પરંતુ સૌની ઉન્નતિમાં પોતાની ઉન્નતિ સમજવી એ જ સાચું માનવજીવન: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

રાષ્ટ્રનિર્માણમાં સહભાગી ગુજરાતની 23 પ્રતિભાઓનું અમદાવાદ ખાતે રાજ્યપાલના હસ્તે સન્માન

અમદાવાદ ખાતે ગુજરાત ફર્સ્ટ ચેનલ દ્વારા ‘રાષ્ટ્રનિર્માણમાં સહભાગી ગુજરાત’ વિષયક પુરસ્કાર સમારોહનું આયોજન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર 23 પ્રતિભાઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ઉદ્યોગસાહસિકો, તબીબી નિષ્ણાતો, ઇનોવેટર્સ સહિત વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર પ્રતિભાઓનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં પોતાના ક્ષેત્રમાં નિષ્ઠાપૂર્વક અને નિઃસ્વાર્થ ભાવે કાર્ય કરનાર વ્યક્તિઓનું સન્માન કરવું એ તેમની કામગીરીને બિરદાવવાની સાથે અન્ય લોકોને પણ પ્રેરણા આપવાનું કાર્ય છે. તેમણે મહર્ષિ દયાનંદ સરસ્વતીના વિચારને ટાંકીને કહ્યું હતું કે દરેક વ્યક્તિએ પોતાની જ ઉન્નતિમાં સંતુષ્ટ ન રહેવું જોઈએ, પરંતુ સૌની ઉન્નતિમાં પોતાની ઉન્નતિ સમજવી જોઈએ. પોતાના પરિવાર પ્રત્યેની જવાબદારીઓ નિભાવવાની સાથે સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેના ઉત્તરદાયિત્વની ભાવના જ વ્યક્તિને વિશિષ્ટ બનાવે છે.
રાજ્યપાલએ જણાવ્યું હતું કે આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, પ્રાકૃતિક ખેતી, ઉદ્યોગ, સ્ટાર્ટઅપ, વેલનેસ અને સંશોધન સહિતના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત પ્રતિભાઓ સમાજ અને આવનારી પેઢીના જીવનને વધુ સુગમ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આવા નાયકોની કામગીરી અને સફળતાની વાતો સમાજના વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે જરૂરી છે, જેથી બીજાના કાર્યમાંથી પ્રેરણા લઈને સૌ રાષ્ટ્રનિર્માણમાં સહભાગી બની શકે.
તેમણે ગુજરાત ફર્સ્ટ ચેનલને વિવિધ ક્ષેત્રે સમાજ માટે મહત્વપૂર્ણ કામગીરી કરનાર પ્રતિભાઓને ઓળખી તેમનું સન્માન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે સારા કાર્યની પ્રેરણાદાયી વાતો સમાજ સુધી પહોંચાડવામાં મીડિયા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તેમણે સૌને પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરવાની સાથે સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી નિભાવવાનો અનુરોધ કર્યો હતો.
આ સમારોહમાં અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, સિદ્ધિ ગ્રુપ અને ગુજરાત ફર્સ્ટ ચેનલના ચેરમેન મુકેશભાઈ પટેલ અને એમ.ડી. જસ્મીનભાઈ પટેલ, ચેનલ હેડ ડૉ. વિવેક ભટ્ટ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

(9:05 PM IST)