<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

સુરતના કામરેજ વિસ્તારમાં ફૂડ સેફ્ટી વિભાગનું ચેકીંગ : 172 કિલોગ્રામ જેટલી અખાદ્ય ખાદ્ય સામગ્રી જપ્ત

કોસમાડા અને એન્થમ સર્કલ વિસ્તારમાં આવેલી હોટલો, રેસ્ટોરન્ટ્સ અને ફૂડ સ્ટોલ્સ પર સઘન ચેકિંગ કરાયું

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી ઓચિંતી તપાસથી ખાદ્ય વ્યવસાયિકોમાં ભારે દોડધામ મચી ગઈ છે. કામરેજના કોસમાડા અને એન્થમ સર્કલ વિસ્તારમાં આવેલી હોટલો, રેસ્ટોરન્ટ્સ અને ફૂડ સ્ટોલ્સ પર આ સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.

તપાસ દરમિયાન માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક, અયોગ્ય અને બિનઆરોગ્યપ્રદ જણાઈ આવેલ કુલ 172 કિલોગ્રામ જેટલી અખાદ્ય ખાદ્ય સામગ્રી જપ્ત કરીને સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, દુકાનોમાં અસ્વચ્છતા રાખવા અને કોઈપણ પ્રકારના વેલિડ લાયસન્સ વગર ધમધમતા 'શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબા' અને 'અવસર ગાર્ડન રેસ્ટોરન્ટ'ને ફૂડ સેફ્ટી ટીમ દ્વારા સીલ કરવામાં આવ્યા છે.

સંચાલકોને FoSCoS પોર્ટલ મારફતે ઓનલાઈન ઇન્સ્પેક્શન કરી સુરત સિટીના રજિસ્ટ્રેશનમાં જરૂરી મોડિફિકેશન કરાવવા માટે સૂચના આપવામાં આવી છે. ફૂડ સેફ્ટીના નિયમો અને હાઈજીનનું ચુસ્તપણે પાલન નહીં કરનાર અન્ય એકમો સામે પણ આગામી સમયમાં કાયદાકીય કાર્યવાહીની સખત ચેતવણી આપવામાં આવી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે તંત્ર દ્વારા લેવાયેલા આ કડક પગલાંથી વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

 

બીજી તરફ સુરત શહેરમાં રવિવારે પણ આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ખટોદરા વિસ્તારમાં આવેલા બ્લીન્કીટના ગોડાઉનમાં તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થોમાં ગંદકી અને જીવાણુઓ જોવા મળ્યા હતા, જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ વિભાગ દ્વારા એકમોને નોટિસ ફટકારવામાં આવી છે અને કુલ રૂપિયા 11,000 નો દંડ વસૂલવામાં આવ્યો છે. તંત્રની આ સઘન કામગીરીથી સમગ્ર વિસ્તારમાં ખાદ્ય વ્યવસાયિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

(9:38 PM IST)