તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd August 2026
PM સ્વનિધિ યોજનાનો લાભ હવે નાના વેપારીઓને મળશે
એકતાનગર, ડેડિયાપાડા, સાગબારા અને સેલંબા તાલુકામાં પ્રથમ વખત નાના વેપારીઓને મળશે PM સ્વનિધિ યોજનાનો લાભ

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર ગંગા સિંઘના અધ્યક્ષસ્થાને PM સ્વનિધિ યોજનાના અમલીકરણ અંગે બેઠક યોજાઈ હતી. અગાઉ મુખ્યત્વે શહેરી વિસ્તારો પૂરતી સીમિત રહેલી આ યોજના હવે તાલુકા કક્ષાએ પણ વિસ્તરતાં નર્મદા જિલ્લાના એકતાનગર, ડેડિયાપાડા, સાગબારા અને સેલંબા જેવા વિસ્તારોમાં નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને યોજનાનો લાભ મળવાનો માર્ગ મોકળો થયો છે.
બેઠક દરમિયાન કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓ અને બેંક પ્રતિનિધિઓને આ વિસ્તારોમાં કાર્યરત સ્ટ્રીટ વેન્ડર્સ, ફેરિયાઓ તથા નાના વેપારીઓ સુધી યોજનાની માહિતી અસરકારક રીતે પહોંચાડવા અને વધુમાં વધુ પાત્ર લાભાર્થીઓને યોજનામાં આવરી લેવા સૂચના આપી હતી.
કલેક્ટરશ્રીએ નાના વેપારીઓને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવાના હેતુથી સમયસર લોન સહાય ઉપલબ્ધ કરાવવા, બેંકિંગ પ્રક્રિયાને સરળ બનાવવા તથા ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા પર વિશેષ ભાર મૂક્યો હતો. યોજનાનો લાભ મેળવવા પાત્ર નાના વેપારીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સંબંધિત વિભાગો અને બેંકો વચ્ચે સંકલન વધારવા પણ સૂચના આપવામાં આવી હતી.
PM સ્વનિધિ યોજના હેઠળ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોના નાના વેપારીઓને નાણાકીય સહાય સાથે તેમના વ્યવસાયને વધુ સુદૃઢ બનાવવાની તક મળશે. નર્મદા જિલ્લામાં યોજનાના અસરકારક અમલીકરણ થકી નાના વેપારીઓને સ્વરોજગાર, આર્થિક સશક્તિકરણ અને આત્મનિર્ભરતા તરફ આગળ વધવાની નવી તક પ્રાપ્ત થશે.
બેઠકમાં સંબંધિત વિભાગોના અધિકારીઓ તથા વિવિધ બેંકોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા
(9:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
