<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

''આપ 'ના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી: ગુજરાત હાઈકોર્ટે જામીન અરજી નામંજૂર કરી દીધી

હાઈકોર્ટ દ્વારા જામીન રદ થવાને કારણે હવે તેમનું ધારાસભ્ય પદ પણ જોખમમાં મુકાયું

આમ આદમી પાર્ટી (AAP) ના વિવાદાસ્પદ અને ચર્ચિત ધારાસભ્ય ચૈતર વસાવા માટે મુશ્કેલીઓ વધી રહી છે, કારણ કે ગુજરાત હાઈકોર્ટે તેમની જામીન અરજી નામંજૂર કરી દીધી છે. હાઈકોર્ટ દ્વારા જામીન રદ થવાને કારણે હવે તેમનું ધારાસભ્ય પદ પણ જોખમમાં મુકાયું છે. ચૈતર વસાવા કેસમાં આવેલા આ સૌથી મોટા સમાચાર બાદ હવે તેમની મુક્તિ માટે સુપ્રીમ કોર્ટ જ એકમાત્ર અને છેલ્લી આશા રહી ગઈ છે.

આમ આદમી પાર્ટી (AAP)ના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામેનો વનકર્મી હુમલા કેસ ઓક્ટોબર-નવેમ્બર 2023નો છે. આ કેસમાં જૂન 2026માં નર્મદા જિલ્લાની રાજપીપળા સેશન્સ કોર્ટે ચૈતર વસાવા, તેમની પત્ની શકુંતલા વસાવા સહિત કુલ 9 આરોપીઓને 7 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો છે. ત્યારે ચૈતર વસાવાએ આ સજા સામે સ્ટે મેળવવા અને જામીન માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા જો કે હવે હાઈકોર્ટ તરફથી પણ ચૈતર વસાવાને ઝટકો મળ્યો છે હાઈકોર્ટે  સેશન્સ કોર્ટનો ચુકાદો  યથાવત રાખ્યો છે ગુજરાત હાઇકોર્ટે કહ્યું કે ચૈતર વસાવાને રાહત આપવાથી સમાજમાં ખોટો મેસેજ જશે.

 

ઓક્ટોબર 2023માં નર્મદા જિલ્લાના બોગાજ ગામ નજીક વન વિભાગની સરકારી જમીન પર કેટલાક સ્થાનિક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે પાક વાવવામાં આવ્યો હતો. વન વિભાગના અધિકારીઓએ આ અતિક્રમણ હટાવીને ગેરકાયદેસર પાકનો નાશ કર્યો હતો, જેના કારણે વિવાદ સર્જાયો હતો ત્યારે જમીન વિવાદ અંગે ચર્ચા કરવા માટે ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને ડેડિયાપાડા ખાતે પોતાના ઘરે બોલાવ્યા હતા. વન વિભાગની ફરિયાદ અનુસાર, વાતચીત દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી. ચૈતર વસાવા અને તેમના સમર્થકોએ વનકર્મીઓ સાથે મારપીટ કરી, ખંડણી માંગી અને સરકારી કર્મચારીઓને ડરાવવા માટે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું.

 

વન વિભાગના અધિકારીની ફરિયાદના આધારે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ચૈતર વસાવા અને અન્ય લોકો સામે ગુનો નોંધાયો હતો. તેમની સામે ગંભીર કલમો હેઠળ કેસ ચલાવવામાં આવ્યો હતો જેમાં સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટ અને હુમલો,ખંડણી વસૂલવી (Extortion),રાયોટિંગ (બળવો અને ગેરકાયદે મંડળી),આર્મ્સ એક્ટ (ગેરકાયદે હથિયાર અને ફાયરિંગ નો સમાવેશ થાય છે.

23 જૂન 2026ના રોજ રાજપીપળા એડિશનલ સેશન્સ કોર્ટે ચૈતર વસાવા સહિત તમામ 9 આરોપીઓને (જેમાં 4 મહિલાઓ અને 5 પુરુષો સામેલ છે) દોષિત જાહેર કરી 7 વર્ષની જેલની સજા ફટકારી છે. તેમજ કોર્ટે તમામ દોષિતો પર આશરે રુ. 25,000 થી રુ. 96,000 સુધીનો દંડ પણ લગાવ્યો છે

કાયદા મુજબ, જો કોઈ ધારાસભ્યને 2 વર્ષ કે તેથી વધુ વર્ષની સજા થાય, તો તેમનું સભ્યપદ રદ થઈ શકે છે અને તેઓ આગામી 6 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં.

(2:08 PM IST)