<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

'દુકાન તોડવાની કાર્યવાહી મનપા દ્વારા કરાઈ નથી' :ચકચારી ભૂતિયા ડિમોલિશન મામલે અમદાવાદના મેયર હિતેશ બારોટનું મોટું નિવેદન

રાજપૂત સિક્યોરિટી એજન્સીનું નામ સામે આવતા નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ :અધિકારીઓને સ્થળ તપાસ માટે મોકલાયા: સમગ્ર મામલે પોલીસ તપાસનો ધમધમાટ

અમદાવાદમાં કોર્પોરેશનના નામે દુકાન તોડવાના મામલે વિવાદ વકર્યો છે. સમગ્ર મામલે અમદાવાદ મનપાના મેયર હિતેશ બારોટે મોટું નિવેદન આપતા કહ્યું છે કે, આ ઘટનાથી મનપાની છબી ખરડવાનો પ્રયાસ થયો છે. દુકાન તોડવાની કાર્યવાહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી ન હોવાનું મેયરે સ્પષ્ટ કર્યું છે.

 

મળતી માહિતી મુજબ દુકાન તોડવાના મામલે રાજપૂત સિક્યોરિટી એજન્સીનું નામ સામે આવ્યું છે. કોર્પોરેશનના નામે દુકાન તોડવાની કાર્યવાહી કરવાના મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ ફરિયાદના આધારે હવે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.

 

 

મેયર હિતેશ બારોટે જણાવ્યું કે, ઘટનાની માહિતી મળતા જ મનપાના DyHO અને એસ્ટેટ અધિકારીને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લઈ સમગ્ર મામલે વિગતો મેળવી હતી. કોર્પોરેશનની ટીમે દુકાન તોડી હોવાના દાવા અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

મેયરે સ્પષ્ટતા કરી કે દુકાન તોડવાની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી નથી. કોર્પોરેશનનું નામ આપીને દુકાન તોડવાની કાર્યવાહી કરનાર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે જવાબદાર વ્યક્તિઓ અને સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

મેયર હિતેશ બારોટે વધુમાં જણાવ્યું કે, જો કોઈ એજન્સી મનપા સાથે સંકળાયેલી હોવાનું સામે આવશે તો તેની સામે પણ કડક પગલાં લેવામાં આવશે. મનપાના નામનો ગેરકાયદેસર ઉપયોગ કોઈપણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવે. હાલ પોલીસ ફરિયાદના આધારે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.

 

(11:36 AM IST)