હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ૫૦૦ નવા અત્યાધુનિક '૧૧૨-જનરક્ષક' વાહનોનું ફ્લેગ ઓફ કરાવ્યું : સમગ્ર ગુજરાતમાં ૨૪ કલાક ૧,૦૦૦ વાહનો ઇમરજન્સી સેવા માટે તૈનાત
નવા વાહનો અને આધુનિક ટેક્નોલોજીથી રિસ્પોન્સ ટાઈમ ૮ મિનિટથી નીચે લાવવાનો લક્ષ્યાંક : ૧૧ માસમાં ૧૧.૦૪ લાખથી વધુ ઇમરજન્સી કોલમાં સંકલિત સેવાઓ પૂરી પાડવામાં આવી

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર:રાજ્યના નાગરિકોને ઝડપી અને અસરકારક ઇમરજન્સી સેવા પૂરી પાડવાના હેતુથી ગુજરાત પોલીસના કાફલામાં વધુ ૫૦૦ અત્યાધુનિક ‘૧૧૨-જનરક્ષક’ વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગર સ્થિત નવા સચિવાલય ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ નવા વાહનોને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. આ નવા ૫૦૦ વાહનોના ઉમેરા સાથે હવે સમગ્ર ગુજરાતમાં ૨૪ કલાક કુલ ૧,૦૦૦ ‘જનરક્ષક’ વાહનો ઇમરજન્સી રિસ્પોન્સ માટે સજ્જ રહેશે.
આધુનિક ૧૫૦ બેઠકો ધરાવતા કોલ સેન્ટર, કમ્પ્યુટર એડેડ ડિસ્પેચ (CAD) સિસ્ટમ અને કોલર લોકેશન ટેક્નોલોજીના ઉપયોગથી રાજ્યનો સરેરાશ પોલીસ રિસ્પોન્સ ટાઈમ ઘટીને ૧૦ મિનિટ ૪૯ સેકન્ડ થયો છે. નવા વાહનો અને આધુનિક ટેક્નોલોજીના માધ્યમથી આ રિસ્પોન્સ ટાઈમને ટૂંક સમયમાં ૮ મિનિટથી પણ નીચે લાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી જેવી પ્રાઇવેટ કેબ એપ્સમાં પણ ૧૧૨ પેનિક બટનનું ઇન્ટિગ્રેશન કરવામાં આવ્યું છે.
ફ્લેગ ઓફ પ્રસંગે રાજ્ય મંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષાની દિશામાં દેશનું અગ્રણી રાજ્ય રહ્યું છે અને પોલીસ હંમેશાં જનતાની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. ૧૧૨ ઇમરજન્સી સેવા દ્વારા નાગરિકો ડાયલ કરે ત્યારે શક્ય તેટલા ઓછા સમયમાં પોલીસ સહાય પહોંચી શકે તે રીતે આ વ્યવસ્થા વધુ સક્ષમ બનશે.
ઉલ્લેખનીય છે કે જનરક્ષક પ્રોજેક્ટના અમલીકરણના માત્ર ૧૧ માસના ટૂંકા ગાળામાં ૧૧.૦૪ લાખથી વધુ ઇમરજન્સી કોલમાં સંકલિત સેવાઓ પૂરી પાડવામાં આવી છે, જ્યારે ૬.૭૪ લાખથી વધુ પોલીસ ઇમરજન્સી બનાવોમાં તાત્કાલિક સેવા પહોંચાડવામાં આવી છે.
આ ભવ્ય પ્રારંભ પ્રસંગે રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અરુણકુમાર સોલંકી, સીઆઈડી ક્રાઈમ ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવ, લૉ એન્ડ ઓર્ડર ડીજીપી રાજકુમાર પાંડિયન, પોલીસ ટ્રેનિંગ ડીજીપી નિરજા ગોટરૂ, અગ્ર સચિવ નિપુણા તોરવણે તેમજ પી એન્ડ એમ એડીજીપી ખુરશીદ અહેમદ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
